- ભચાઉમાં જબરદસ્ત કોલસા અને કોડીનારમાં લાઇમ સ્ટોન ચોરીનું કૌભાંડ ઝડપાયું
- કોડીનારમાં ગેરકાયદે 14.93 લાખ મેટ્રિક ટન લાઇમસ્ટોન સગેવગે કરી નાખનાર ખનીજમાફિયાઓને રૂ.75.23 કરોડનો જંગી દંડ
- સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે સામખિયાળી-ભચાઉ હાઇવે નજીકથી કોલસા ચોરીનું રેકેટ પકડ્યું : રૂ. 94.26 લાખના મુદ્દામાલ સાથે પાંચ શખ્સોની ધરપકડ
રાજ્યના અનેક જિલ્લાઓમાં બેફામ ખનીજ ચોરી ચાલી રહ્યાના અહેવાલો અનેકવાર સામે આવી ચુક્યા છે. તંત્ર સમયાંતરે ખનન માફિયાઓ વિરુદ્ધ ધોકો ઉગામી શિક્ષાત્મક પગલાંઓ પણ લેતી હોય છે તેમ છતાં ખનન માફિયાઓ બેફામ બની ખનીજચોરીનું કૌભાંડ સતત ચાલુ જ રાખતા હોય છે ત્યારે હવે તંત્રએ ખનીજ માફિયાઓને નેસ્તનાબૂદ કરવા આકરી કાર્યવાહી શરૂ કરી છે. એકતરફ સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે સામખિયાળી-ભચાઉ હાઇવે નજીકથી આયાતી કોલસા ચોરીનું રેકેટ પકડી પાડી 94.93 લાખના મુદ્દામાલ સાથે પાંચ શખ્સોની ધરપકડ કરી છે. જ્યારે બીજી બાજુ ગીર સોમનાથ પંથકમાં લાઇમસ્ટોનની બેફામ ચોરી મામલે જિલ્લા કલેક્ટર અને ખાણ ખનીજ વિભાગે સંયુક્ત કાર્યવાહી હાથ ધરી 14.93 લાખ મેટ્રિક ટન લાઇમ સ્ટોન ચોરી મામલે ખનન માફિયાઓને અધધધ રૂ.75.24 કરોડનો દંડ ફટકાર્યો છે.
સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા પાડવામાં આવેલ દરોડાની જો વાત કરવામાં આવે તો એસએમસી વડા નિર્લિપ્ત રાય અને ડીવાયએસપી કે ટી કામરીયાની સૂચનાને પગલે પીએસઆઈ એસ એચ ગઢવીની ટીમે કચ્છના સામખિયાળી-ભચાઉ હાઇવે નજીક આવેલ રાજ શક્તિ ક્ધસટ્રકશનના ખુલ્લા પ્લોટમાં દરોડો પાડ્યો હતો. ભચાઉ પોલીસનની હદમાં પાડવામાં આવેલ દરોડામાં એસએમસીએ રૂ. 22,75,000ની કિંમતનો 175 ટન આયાતી કોલસો, રૂ. 1.08 લાખની કિંમતનો 135 ટન બળી ગયેલો કોલસો, હિટાચી મશીન, લોડર, પાંચ મોબાઈલ અને રોકડ મળી રૂ. 94,26,370નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.
એસએમસીએ કોલસા ચોરીના કૌભાંડમાં સુપરવાઇઝરની ભૂમિકા ભજવતા માયોદિન રસુલભાઈ ચૌહાણ(રહે. ભચાઉ), ટ્રક ડ્રાયવર લક્ષ્મણસિંહ નાથુસિંહ ચૌહાણ(રહે. રાજસ્થાન), હિટાચીનો ડ્રાયવર સંતોષ રામજનમ વિશ્વકર્મા(રહે. ભચાઉ મૂળ રહે ઝારખંડ), લોડરનો ડ્રાયવર(અશરફ અલીમામદ મુસ્લિમ કુંભાર(રહે. ભચાઉ) અને મજુર આમીન પીરુભાઈ જુણેજા(રહે. ભચાઉ) એમ પાંચ શખ્સોની ધરપકડ કરી છે. જયારે કોલસા ચોરીના મુખ્ય આરોપી દિવ્યરાજસિંહ હિતેન્દ્રસિંહ ઝાલા(રહે. દરબારગઢ, ભચાઉ) અને કોલસાનો સપ્લાયર રાહુલ(રહે. ગાંધીધામ) એમ બે શખ્સોની શોધખોળ શરૂ કરવામાં આવી છે.
હવે કોડીનારમાં જિલ્લા કલેકટર અને ખાણ ખનીજ વિભાગે કરેલી કાર્યવાહીની જો વાત કરવામાં આવે તો ગીર સોમનાથ કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાના સીધા માર્ગદર્શન હેઠળ રેવન્યૂ વિભાગ તથા ખાણ અને ખનીજ કચેરીની સંયુક્ત ટીમ દ્વારા કોડિનારના ખનીજચોરો પર જડબેસલાક કાર્યવાહી કરવામાં આવી છે.
કોડિનાર તાલુકાના ઘાટવડ ખાતેના ખાનગી માલીકીના સર્વે નં-323 પૈકી 1 વાળી જમીન નામે મસરીભાઇ ભાયાભાઇ બાંભણીયા દ્વારા કોઇ પણ પ્રકારની મંજૂરી વગર ગેરકાયદેસર રીતે બિલ્ડીંગ લાઇમસ્ટોન ખનીજ ખનન કરવામાં આવેલું હોવાથી તે વિસ્તારની માપણી હાથ ધરતા કુલ-3,07,533 મેટ્રિક ટન ખનીજ ચોરી કરેલ હોવાનુ માલૂમ પડ્યું હતું. જેની ખનીજ કિંમત રૂ. 15.49 કરોડની દંડની રકમ વસૂલવા બાબતે નિયમોનુસાર કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
આ જ રીતે, ખાનગી માલીકીના સર્વે નં-334 પૈકી 1 વાળી જમીન નામે સુલેમાન વલી ચૈહાણ તથા અન્ય દ્વારા કોઇ પણ પ્રકારની મંજૂરી વગર ગેરકાયદેસર રીતે બિલ્ડીંગ લાઇમસ્ટોન ખનીજ ખનન કરેલ હોઇ સદરહું વિસ્તારની માપણી હાથ ધરતા કુલ-5,40,562 મેટ્રીક ટન ખનીજ ચોરી કરેલ હોવાનુ માલુમ પડ્યું હતું. જેની ખનીજ કિંમત રૂ. 27.24 કરોડની દંડની રકમ વસૂલવા બાબતે નિયમોનુસાર કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
આ ઉપરાંત, ખાનગી માલીકીના સર્વે નં-303 વાળી જમીન નામે ભાણાભાઇ ભીખાભાઇ સિંગડ તથા અન્ય દ્વારા કોઇ પણ પ્રકારની મંજુરી વગર ગેરકાયદેસર રીતે બિલ્ડીંગ લાઇમસ્ટોન ખનીજ ખનન કરેલ હોઇ સદરહું વિસ્તારની માપણી હાથ ધરતા કુલ-3,12,924 મેટ્રિક ટન ખનીજ ચોરી કરેલ હોવાનું માલુમ પડ્યું હતું. જેની ખનીજ કિંમત રૂ.15.77 કરોડ જેની દંડની રકમ વસુલવા બાબતે નિયમોનુસાર કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. તેમજ, ખાનગી માલીકીના સર્વે નં-301 પૈકી 4 વાળી જમીન નામે નથુભાઇ રામભાઇ પરમાર તથા અન્ય દ્વારા કોઇપણ પ્રકારની મંજૂરી વગર ગેરકાયદેસર રીતે બિલ્ડીંગ લાઇમસ્ટોન ખનીજ ખનન કરેલ હોઇ સદરહું વિસ્તારની માપણી હાથ ધરતા કુલ-3,32,107 મેટ્રિક ટન ખનીજ ચોરી કરી હોવાનું માલુમ પડ્યું હતું. જેની ખનીજ કિંમત રૂ.16.73 કરોડની દંડની રકમ વસૂલવા બાબતે નિયમોનુસાર કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આમ, સમગ્રતયા 14,93,126 મેટ્રિક ટન લાઈમસ્ટોનની ખનીજ ચોરી માટે કુલ રૂ. 75.23 કરોડની દંડની રકમ વસૂલવા બાબતે તંત્ર દ્વારા નિયમોનુસાર કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
રાહુલ નામનો શખ્સ ગાંધીધામથી આયાતી કોલસો મોકલતો અને દિવ્યરાજસિંહ ભચાઉ ખાતે ચોરી કરાવતો
સ્ટેટ મોનીટરીંગ સેલે પાડેલા દરોડામાં વિગતો સામે આવી છે કે, રાહુલ નામનો શખ્સ ગાંધીધામથી આયાતી કોલસો ભરેલો ટ્રક મોકલતો હતો. જે ટ્રકમાંથી ભચાઉનો દિવ્યરાજસિંહ હિતેન્દ્રસિંહ ઝાલા કોલસાની ચોરી કરાવતો હતો. હાલ આ બંને શખ્સોંની શોધખોળ શરૂ કરવામાં આવી છે.
કોડીનારમાં ચાર શખ્સોએ 14,93,126 મેટ્રિક ટન લાઇમ સ્ટોનનું ખનન કરી નાખ્યું
કોડીનાર પંથકમાં ચાલી રહેલી બેફામ લાઇમ સ્ટોન ચોરીના ચોકાવનારા આંકડા સામે આવ્યા છે. મસરીભાઇ ભાયાભાઇ બાંભણીયા 3,07,533 મેટ્રિક ટન, સુલેમાન વલી ચૈહાણ તથા અન્ય દ્વારા કુલ 5,40,562 મેટ્રીક ટન, ભાણાભાઇ ભીખાભાઇ સિંગડ તથા અન્ય દ્વારા 3,12,924 મેટ્રિક ટન અને નથુભાઇ રામભાઇ પરમાર તથા અન્ય દ્વારા 3,32,107 મેટ્રિક ટન ખનીજ એટલે કે 14,93,126 મેટ્રિક ટન લાઈમસ્ટોનની ખનીજ ચોરી કર્યાનું સામે આવ્યું છે.