Abtak Media Google News

રાજ્યમાં આવક 13 હજાર ગાંસડીથી ઘટીને 3 હજાર ગાંસડીએ પહોંચી!! 

વધી રહેલા કોરોના સંક્રમણને કારણે માર્કેટિંગ યાર્ડથી માંડીને બજારો પણ હાલ બંધ અવસ્થામાં છે. વેપારીઓ સંક્રમણની ભીતિએ પોતાનું કામકાજ બંધ રાખી રહ્યા છે તેવા સમયે ગુજરાત સહિત સમગ્ર દેશભરમાં કપાસની આવકમાં ધરખમ ઘટાડો નોંધાયો છે. હાલના તબક્કે કોરોના સંક્રમણને કારણે દેશભરની 95% જીનિંગ મિલો બંધ અવસ્થામાં હોવાથી કપાસની ગાંસડીની આવકમાં રાજ્યમાં 75 ટકાથી વધુ ઘટાડો નોંધાઈ રહ્યો છે તેવું વેપારીઓનું માનવું છે.

કોરોના સંક્રમણ વધતા અને પોઝિટિવ દર્દીઓની સંખ્યામાં જંગી ઉછાળાને કારણે ઘણા માર્કેટ યાર્ડ્સ, જિનિંગ મિલો અને વેપારીઓનું કામકાજ બંધ રહેતા એપ્રિલમાં સ્થાનિક બજારમાં કપાસની આવકમાં ધરખમ ઘટાડો થયાનું મોટા વેપારીઓએ જણાવ્યું છે.

દૈનિક આગમન હાલમાં ઘટીને માત્ર 3 હજારથી 4 હજાર ગાંસડી સુધી પહોંચી છે. આ સમયગાળામાં સામાન્ય દિવસોમાં દરરોજ લગભગ 12 હજારથી 13 હજાર ગાંસડી હોય છે, તેવું શહેરના કપાસના ટ્રેડર્સ અરુણ દલાલે જણાવ્યું હતું.

બજારના મોટા વેપારીઓ અનુસાર, 95% જીનિંગ મિલો હાલના તબક્કે  બંધ છે. આ ઉપરાંત રાજ્યમાં કોવિડ-19 કેસોમાં થયેલા વધારાને કારણે ઘણી કૃષિ પેદાશ બજાર સમિતિઓ અથવા એપીએમસી પણ બંધ છે.

આ ઉપરાંત ચેપ લાગવાના ભયથી ખેડુતો પણ બહાર નીકળી રહ્યા નથી.  આ બધાના કારણે કપાસની આવકમાં ઘટાડો થયો છે. માત્ર ગુજરાત જ નહીં સામાન્ય સિઝનમાં એપ્રિલ માસમાં 45000થી માંડીને 50000 હજાર ગાંસડી સુધીની આવક થતી હોય છે જેની સરખામણીએ દેશભરમાં કપાસની આવક પ્રતિદિન 15000થી 20,000 ગાંસડી સુધી પહોંચી ગઈ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.