Abtak Media Google News

બગોદરા-તારાપુર હાઇવે પર ઇન્દ્રણજ ગામ નજીક વહેલી સવારે ટ્રક અને ઇક્કો સામસામે ધડાકાભેર અથડાતા સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં અજમેરી પરિવારની બાળકી સહિત દસના ઘટના સ્થળે જ કમકમાટી ભર્યા મોત નીપજતા અરેરાટી મચી ગઇ છે. જીવલેણ અકસ્માતના બનાવની જાણ થતા પોલીસ કાફલો ઘટના સ્થળે પહોચી ટ્રાફિક ક્લિયર કરાવ્યા બાદ 108 પહોચી શકી હતી.

તારાપુર પાસે ટ્રક અને ઇક્કો અથડાતા દસના મોત

 ગોજારા અકસ્માતમાં એક જ પરિવારની બાળકી સહિત દસ કાળનો કોળીયો બનતા અરેરાટી

 ગમખ્વાર અકસ્માતના કારણે હાઇવે પર ટ્રાફિક જામ થતા 108ને ઘટના સ્થળે પહોચવું મુશ્કેલ બન્યું

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ સુરતથી ભાવનગર જઇ રહેલી જી.જે.10વીટી. 0409 નંબરની ઇક્કો કાર તારાપુરથી 15 કી.મી.દુર ઇન્દ્રણજ ગામ પાસેની દુરાવેટ ફેકટરી પાસે પહોચી ત્યારે સામેથી આવતા ટ્રક સાથે અથડાતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતના બનાવની જાણ થતા તારાપુર ડીવાય.એસ.પી. અને પી.આઇ. સહિત પોલીસ સ્ટાફ ઇન્દ્રણજ દોડી ગયા હતા.

ઇક્કો કાર અને ટ્રક સામસામે અથડાતા ઇક્કો કાર અડધો ટ્રકમાં ઘુસી જતા ઇક્કોમાં બેઠેલા તમામ મુસાફરોના ઘટના સ્થળે જ મોત નીપજ્યા છે. ઇક્કો કારમાંથી મૃતદેહ બહાર કાઢવા ક્રેઇનની મદદ લેવી પડી હતી. જીવલેણ અકસ્માત સર્જી ટ્રક ચાલક ફરાર થઇ ગયો છે. મૃતકોની ઓળખ મેળવવા અને પરિવાર સુરતથી ભાવનગર શા માટે જતા હતા તે અંગે પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે.

કોને ખબર હતી ડ્રાઇવરે ઉતારેલો આ વીડિયો છેલ્લો હશે….આણંદ અકસ્માતના મૃતકોનો અંતિમ વીડિયો આવ્યો સામે

ગમખ્વાર અકસ્માતના બનાવના પગલે હાઇવે પર એટલો ટ્રાફિક જામ થઇ ગયો હતો કે, 108ને ઘટના સ્થળે પહોચવું મુશ્કેલ બન્યું હતું. અને મૃતદેહોને ઇક્કોમાંથી બહાર કાઢી તારાપુર હોસ્પિટલ પોસ્ટમોર્ટમ ખસેડયા છે.

તાજેતરમાં જ પાલનપુરના રતનપુર ગામ પાસે લગ્ન પ્રસંગમાં જતી ઇક્કો કારને નડેલા અકસ્માતમાં એક જ પરિવારની ચાર વ્યક્તિના મોત નીપજ્યા હતા. ઇક્કો કારમાં મુસાફરી કરવી જોખમી બની હોય તેમ ફરી ગોજારી ઘટના બની એક જ પરિવારની દસ વ્યક્તિઓએ જીવ ગુમાવ્યા છે.

 અકસ્માતમાં મૃતકો માટે મુખ્યમંત્રી  વિજયભાઇએ સંવેદના વ્યક્ત કરી

તારાપુર પાસેના ટ્રક અને ઇક્કો કાર વચ્ચે સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં એક જ પરિવારની દસ વ્યક્તિના મોતની ઘટના અંગે મુખ્ય મંત્રી વિજયભાઇ રૂપાણીએ સંવેદના પાઠવી છે. તેઓએ આણંદ જિલ્લા કલેકટર સાથે ટેલિફોનીક વાતચીત કરી મૃતકનો ત્વરિત અને યોગ્ય મદદ કરવા સુચના આપી છે. માર્ગ અકસ્માતમાં જીવ ગુમાવનાર લોકોના પરિવારજનોને સરકાર દ્વારા યોગ્ય સહાય કરવામાં આવશે તેમ મુખ્ય મંત્રી વિજયભાઇ રૂપાણીએ જણાવ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.