પ્રાચિનકાળથી ચાલતી ‘પાઘડી’ સંસ્કૃતિથી આજના યુગની ફેશનેબલ હેટનો રોચક ઇતિહાસ

એક જમાનામાં પાઘડી કરતી હતી ‘આધારકાર્ડ’નું કામ !! 

  • રાજા-રજવાડાથી આજના રાજકારીઓમાં ટોપીનું મહત્વ અકબંધ : જુના ફિલ્મોમાં વિલન મોટી કેપ કે આઝાદી પહેલાની અને આજની ગાંધી ટોપી, હોલીવુડની કાઉબોય કેપ, સ્પોર્ટ્સ કેપ જેવી અનેક ટોપીનો રસપ્રદ ઇતિહાસ
  • ભારતીય સંસ્કૃતિ સાથે પાઘડી, ટોપીનો 30 હજાર વર્ષ જૂનો નાતો છે: આજે નવાયુગમાં નિત નવી ફેશનબલ કેપનો યુવા વર્ગમાં જબરો ક્રેઝ જોવા મળે છે:  ‘લાંબો ડગલો, મૂંછો વાંકડી, શિરે પાઘડી રાતી’ એજ છે છેલછબીલા ગુજરાતીની ઓળખ: પંજાબી લોકોમાં પણ પાઘડી પહેરવાની પરંપરા છે

એક જમાનો એવો હતો ત્યારે સંપ્રદાયની ઓળખ માત્ર પાઘડીથી થઇ જતી. આપણાંમાં એક કહેવત છે કે ‘બંધ બેસતી પાઘડી ના પહેરવી’ પણ હકિકતએ છે કે બંધ બેસતી જ પહેરવી નહિંતર લોકો વચ્ચે આપણે હાંસીપાત્ર બની જાય છે. આપણાં દેશમાં 370થી વધુ પ્રકારની પાઘડી પહેરાતી હતી.

જેમાં 50થી વધુ પાઘડી તો સૌરાષ્ટ્રની શાન હતી. પહેલાના જમાનામાં કોઇને પૂછવું નહોતું પડવું કે ક્યાંથી આવો છો માત્ર તેના પહેરવેશને પાઘડી ઉપરથી લોકોને તેની ઓળખ મળી જતી હતી. રાજનેતા હોય કે અભિનેતા, સભા હોય કે ફિલ્મ આ બધી જગ્યા એ પાઘડીનું મહત્વ છે. ઐતિહાસિક ફિલ્મોમાં આબેહબ વાતાવરણ ખડું કરવાએ જમાનાની પાઘડી અને પહેરવેશ પહેરાતો હતો. આપણાં દેશમાં પ્રદેશ બદલાય તેમ પાઘડી પણ બદલાતી જૂના જમાનાના બહારવટીયા ડાકુઓ કાળા કલરની પાઘડી પહેરતા હતા.

પ્રાચિનકાળથી લોકો પાઘડી રાજાઓ સાફા પહેરતા જોવા મળે છે. વિકસતા વિશ્ર્વે આજે અવનવી હેટ, કેપ, ટોપી વિગેરે સ્થાન લીધું છે. માથાનું આવરણ જે હવામાન ટાઠ, તડકાથી માથાના રક્ષણ માટે પહેરવામાં આવતી કેપ કે ટોપી આજની ફેશન બની ગઇ છે. ફિલ્મ જગતમાં જુની ફિલ્મનાં વિલન અને હિરો પહેરતા વધુ જોવા મળે છે. દેવાનંદ અને ફિરોઝખાન જેવા અભિનેતા તેની ફિલ્મોમાં અવનવી કેપ પહેરતા જોવા મળ્યા હતા. યુનિવર્સિટી સ્નાતક પદવી કાર્યક્રમમાં રક્ષણ માટે ધાર્મિક કારણોમાં અને ફેશનેબલ કારણે કેપ પહેરવામાં આવે છે. આ ટોપી ભૂતકાળમાં સામાજીક દરજ્જાની સુચક હતી. લશ્કરી કેપ રાષ્ટ્રીયતા દર્શાવે છે તો પોલીસ પણ કેપ પહેરે છે.

ટોપીનો ઇતિહાસ જોઇએ તો આજથી 27 થી 30 હજાર વર્ષ પહેલા સુતરમાં વણાયેલી ટોપી પહેરલી સ્ત્રીને બતાવવામાં આવી છે. એ યુગમાં કાંસાની પહેરલી ટોપીના અવશેષો પણ જોવા મળ્યા હતા. ઇજિપ્તના થિબ્સની એક કબરમાં પેઇન્ટિંગમાં ટોપીનું ચિત્ર જોવા મળેલ હતું. ટોપીઓ સામાન્ય રીતે ઇજિપ્તમાં વધુ પહેરાતી હતી. ઘણા ઉચ્ચ વર્ગના લોકો મુંડન કર્યા બાદ માથુ ઠંડુ રાખવા પણ માથે કપડું વિટતા હતા. પ્રાચિન મેસોપોટેમીયન્સમાં શંકુ આકારની ટોપી કે ફૂલદાની આકારની ટોપી પહેરતા હતા. બાદમાં પ્રારંભિક ટોપીઓમાં પાઇલસનો સમાવેશ થાય છે. ખોપરીને ઢાંકતી સરળ ટોપી આવી હતી. ગ્રીસ અને રોમમાં ગુલામો પણ ટોપી પહેરતા હતા. ઘેંટાના ચામડામાંથી પણ ટોપી બનાવીને પહેરતા હતા.

મધ્યયુગમાં સ્ત્રીઓ માટે સરળ સ્કાર્ફથી ટોપી શરૂ થઇ હતી. સામાજીક દરજ્જાની સાથે સાથે 16મી સદીના અંતમાં પુરૂષ દરબારીઓની જેમ સ્ત્રીઓ પણ સ્ટ્રક ચર્ડ કેપ પહેરવા લાગી હતી. 18મી સદીમાં અલગ-અલગ શ્રેષ્ઠ ગુણવત્તાવાળી ટોપીની શરૂઆત થઇ હતી. 19મી સદીના પહેલા ભાગમાં ટોપીઓમાં ઘણો બદલાવ આવતાં અવનવી ટોપી, હેટ, કેપ બજારમાં જોવા મળવા લાગી હતી. 1920ના મધ્યભાગમાં સ્ત્રીઓ ટુંકાવાળ રાખતી હતી તે વખતે કલર ફૂલ ટોપી હેલ્મેટ જેવી ચલણમાં આવી હતી.

આજના યુગમાં જન્મદિવસ અવસરે કલર ફૂલ ટોપીનો જલ્વો

પાઘડી, ટોપી બાદ બદલાયેલા નવા યુગમાં જન્મ દિવસ અવસરે કલરફૂલ ટોપી પહેરીને નાના ટેણીયા અનેરો જલ્વોને ડાન્સ કરતા જોવા મળે છે. તડકાથી બચવાને માથે ટાલ હોય તેવા લોકો પણ વિવિધ હેટ પહેરે છે. શિયાળામાં વાંદરા ટોપીનો એક યુગ હતો પછી તો શિયાળાની ગરમ ટોપીનો પણ જમાનો આવ્યો હતો. બાળકોમાં ટોપી વાળા ફેરિયાની વાર્તા બહુ જાણીતી છે. આજકાલ રાજકારણમાં પોતાના પક્ષની ઓળખની વિવિધ ટોપીઓ જોવા મળે છે. સરકસમાં જોકરની ટોપી સાથે આજે તો લગ્ન પ્રસંગે સાફા બાંધવાનો જબ્બર ક્રેઝ જોવા મળે છે. લશ્કર અને પોલીસ વિભાગમાં પણ કેપ ફરજીયાત બધાએ પહેરવી જ પડે છે. એ એમની આન-બાન અને શાન છે. આજે લગ્નમાં વરરાજા માટે ખાસ ‘પાઘડી’નો નવો ક્રેઝ આવ્યો છે.

હોલીવુડ અને બોલીવુડની શાન છે ‘હેટ’ !!

કાવ બોય ટાઇપ અંગ્રેજી ફિલ્મોમાં ગેગરીપેક- ક્લીન ઇસ્ટવુડ જેવા વિવિધ કલાકારો એક ખાસ પ્રકારની કેટ પહેરતા જે એ જમાનાની ફેશન હતી. આવી જ રીતે હિન્દી ફિલ્મોમાં વિલન કે ડાકુના ફિલ્મો સુનિલ દત્ત, વિનોદ ખન્ના જેવા કલાકારો વિવિધ હેટમાં જોવા મળતા હતા. દેવાનંદ ફિરોઝખાન, મનોજકુમાર જેવા ઘણા કલાકારો પણ અવનવી કેપ સાથે ફિલ્મોમાં જોવા મળ્યા હતા. જો કે આપણે ત્યાં ગાંધી ટોપીની હમેંશા બોલબાલા રહી છે. મોટાભાગે રાજકારણ સાથે જોડાયેલો લોકો આ વધુ પહેરતા જોવા મળે છે. આપણે ઠંડીમાં ગરમ ટોપી, ઉનાળામાં સુતરાવ અને ચોમાસામાં રેઇનકોટની ફિક્સ ટોપી પહેરીએ છીએ. આજના યુગના કલાકારો પણ અવનવી ફેશનબલ કેપ પહેરે છે તો હિરોઇન પણ વિવિધ કલરફૂલ કેપ પહેરીને ફેશનનો નવો ટ્રેન્ડ શરૂ કરે છે. “તીરજી ટોપી વાલે…..બાબુ ભોલે ભાલે”