Abtak Media Google News

જમીન પચાવી પાડવા પરની અમલવારી સંદર્ભે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કલેકટરના અધ્યક્ષ સ્થાને પત્રકાર પરિષદ યોજાઈ

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કલેકટર કચેરી સભાખંડમાં કલેકટરના અધ્યક્ષ સ્થાને પ્રેસ કોન્ફરન્સ યોજાઇ હતી. જેમાં કલેકટર ડો.નરેન્દ્રકુમાર મીનાએ આ અંગેની વિસ્તૃત વિતગો આપતા જણાવ્યું હતું કે, વ્યક્તિગત રીતે અથવા જુથમાં કાર્યરત રહેતી અમુક ગેરકાયદેસર પ્રૃવતિ કરતી વ્યક્તિઓ દ્વારા સરકાર, સ્થાનિક સતામંડળ, ધાર્મિક, સખાવતી સંસ્થા અથવા દેણગી તેમજ ખાનગી વ્યક્તિઓની જમીનો બળજબરીથી અથવા છેતરપીંડી દ્વારા પચાવી પાડવા માટેના પ્રયાસો થઇ રહયા છે. જમીન પચાવી પાડનારાઓ, સ્થાવર મિલ્કતના અનૈતિક વેપારીઓ મારફત અથવા જમીનના બનાવટી દાવા ઉભા કરી રહયા છે અને મોટા પાયા પર અને કપટપૂર્ણ વેચાણોમાં સંડોવાયેલા છે. રાજયમાં આવી ગેરકાયદેસર પ્રવૃતિઓને નિયંત્રિત કરવાના ઉદેશથી ગુજરાત સરકારે ગુજરાત જમીન પચાવી પાડવા પર પ્રતિબંધ અધિનિયમ ૨૦૨૦ અમલમાં મુકેલ છે. પચાવી પાડેલી જમીનનું વેચાણ કરે અથવા ફાળવે અથવા તેનું વેચાણ અથવા ફાળવણી કરવા માટે આપવાની તૈયારી બતાવે અથવા જાહેર કરે અથવા વેચાણ કે ફાળવણીના હેતુ માટે તેનો કબ્જો ધરાવે, આવી જમીન પચાવી પાડવા માટે કોઇને ઉતેજન આપે કે ઉશ્કેરણી કરે, આવી જમીનનો ઉપયોગ કરે અથવા વેચાણ/ફાળવણી સાથે સંકળાયેલ હેતુઓ માટે ઇરાદાપુર્વક ઉપયોગ કરે અથવા પરવાનગી આપે, આવી જમીનના માળખા કે મકાનના બાંધકામ માટેનો કરાર કરે, અથવા ઉપરના કૃત્યો પૈકી કોઇ કૃત્ય અન્ય પાસે કરાવે કે કરાવવાનો પ્રયત્ન કરવા માટે દોષીત ઠર્યેથી ૧૦ વર્ષ કરતા ઓછી નહી પણ ૧૪ વર્ષની મુદત સુધીની કેદની અથે તેવી મિલ્કતોના જંત્રીની કિમત સુધીના દંડની શિક્ષા થશે.જમીનોનો ગેરકાયદેસર કબજો લેનાર, આવી જમીનો ઉપર ગેરકાયદે બાંધકામ માટે નાણાંકીય સહાય કરનાર તેમજ આવી જમીનોના ભોગવટેદારો પાસેથી ગુનાહિત ધાક ધમકીથી ભાડું, વળતર કે અન્ય વસુલાત કરે કે તેમાં મદદગારી કરે તેવી તમામ વ્યક્તિઓ જમીન પચાવી પાડનાર વ્યક્તિની વ્યાખ્યામાં સમાવિષ્ટ થઇ જશે. આ કાયદા હેઠળ અરજદારે કલેકટરને નિયત નમુનામાં વ્યક્તિગત અથવા ટપાલ દ્વારા અરજીમાં યોગ્ય રીતે સહી કરી અરજીમાં પોતાનું નામ સરનામું પ્રતિવાદીના નામ સરનામા, પચાવી પડેલ જમીનનું ગામ શહેર, જિલ્લો સરવે નંબર સહિતની વિગતવાર માહિતી તથા જંત્રીની કિંમતની વિગતો રજુ કરવાની રહેશે. અરજદાર જેના પર આધાર રાખતા હોય તેવા તમામ દસ્તાવેજોના દરેક પાના પર સહી કરી ત્રણ નકલમાં અરજી સાથે સામેલ રાખવાના રહેશે. તેમજ આ કાયદા હેઠળ દરેક અરજી માટે રૂ.૨૦૦૦/- ફી ઇલેકટ્રોનિકસ માધ્યમથી ભરપાઇ કરવાની રહેશે.આ બેઠકમાં નિવાસી અધિક કલેકટર જાની તેમજ જિલ્લાના પ્રેસ પ્રતિનિધિઓ ઉપસ્થિત રહયા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.