- શરીરે કોઈ ઇજાના નિશાન નહિ હોવાથી એફએસએલનો સહારો લેવો પડ્યો : વાલી વારસની શોધખોળ
- રાજકોટ ઉપરાંત સુરેન્દ્રનગર અને મોરબી સુધી તપાસના તાર લાંબાવતી એરપોર્ટ પોલીસ
શહેરની ભાગોળે આવેલ બેટી રામપરા ગામની સીમમાં આવેલ કુવામાંથી ચાર વર્ષીય બાળકનો શબ મળી આવતા ચકચાર મચી જવા પામ્યો છે. ઘટનાની જાણ થતાં જ એરપોર્ટ પોલીસ અને ફાયર બ્રિગેડ સહીતની ટીમો દોડી ગઈ હતી અને બાળકના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યો હતો પણ શરીરે કોઈ જ ઇજા નહિ હોવાથી અંતે એફએસએલનો સહારો લેવો પડે તેવી ફરજ પડી હતી. ત્યાં બીજી બાજુ એરપોર્ટ પોલીસની ટીમે બાળકની ઓળખ અને મોતનું કારણ જાણવા રાજકોટ ઉપરાંત સુરેન્દ્રનગર અને મોરબી સુધી તપાસના તાર લંબાવવામાં આવ્યા છે. પોલીસ સૂત્રોમાંથી પ્રાપ્ત વિગત અનુસાર બેટી રામપર ગામની સીમમાં કુવામાંથી ચાર વર્ષના બાળકનો મૃતદેહ મળી આવતાં અરેરાટી વ્યાપી ગઈ હતી. બનાવ અંગે એરપોર્ટ પોલીસને જાણ થતાં ફાયર બ્રિગેડની મદદથી લાશ બહાર કાઢી ફોરેન્સિક પીએમ માટે ખસેડી, ડીએનએ સેમ્પલ લેવાયા હતાં. હાલ પોલીસે વાલી વારસની શોધખોળ આદરી છે.રાજકોટ-અમદાવાદ હાઈવે પર આવેલ રામપર-બેટી ગામમાં હાઈવે નજીક સીમમાં ખેડૂત જયેશભાઇ બાંભણીયાની વાડીમાં મૃત બાળકની લાશ તરતી હોવાનું સામે આવતાં તુરંત ખેડૂતે પોલીસને જાણ કરી હતી.
બનાવ અંગે જાણ થતાં એરપોર્ટ પોલીસ મથકના પીએસઆઈ એસ.એસ.જાડેજા અને સ્ટાફ ઘટનાસ્થળે દોડી ગયો હતો અને ફાયરબ્રિગેડની મદદથી બાળકને બહાર કાઢી 108 ને જાણ કરતાં દોડી આવેલ 108 ના ઇએમટી બળદેવભાઈએ બાળકને તપાસી મૃત જાહેર કર્યો હતો.જે બાદ પોલીસે બાળકના મૃતદેહને ફોરેન્સિક પીએમ અર્થે અત્રેની સિવિલ હોસ્પિટલમાં ખસેડી ડીએનએ સેમ્પલ લઈ તપાસ માટે ગાંધીનગર મોકલવામાં આવ્યાં હતાં. પ્રાથમિક તપાસમાં બાળકને અજાણ્યાં લોકો મૃત હાલતમાં અથવા જીવિત ફેંકી ગયું હોવાનું સામે આવ્યું છે.
હવે મામલામાં પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર આ મૃતદેહ અંદાજિત ચારેક દિવસથી કુવામાં હોવો જોઈએ. હવે બેટી ગામ રાજકોટ, સુરેન્દ્રનગર અને મોરબી જિલ્લાની હદ નજીક આવતું હોય અને આ વિસ્તારોમાં શ્રમિકોની સંખ્યા મોટી હોય તેથી પોલીસે ત્રણેય જિલ્લામાં તપાસ શરૂ કરી છે. હાલ મામલાની તપાસ એરપોર્ટ પોલીસના પીઆઈ આઈ એન સાવલિયાની રાહબરીમાં પીએસઆઈ એસ એસ જાડેજા ચલાવી રહ્યા છે.