બપોર સુધીમાં રાજકોટમાં કોરોનાના વધુ 47 કેસ નોંધાયા

કોરોનાનું સંક્રમણ વધતાં આરોગ્ય શાખામાં દોડધામ: ટેસ્ટીંગ સેન્ટરો પર પણ લાઇનો લાગી

 

અબતક, રાજકોટ

રાજકોટમાં કોરોનાના સંક્રમણ સતત વધી રહ્યું છે. ગઇકાલે કોરોનાના 203 કેસ નોંધાયા બાદ આજે બપોરે 12 વાગ્યે સુધીમાં 47 નવા કેસ મળી આવતાં આરોગ્ય શાખામાં દોડધામ મચી જવા પામી છે. ટેસ્ટીંગ માટે શરૂ કરવામાં આવેલા બૂથ પર પણ હવે લોકોની લાઇનો જોવા મળી રહી છે. સતત સંક્રમણ વધતાં શહેરીજનોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યું છે.

આજે બપોરે મહાપાલિકા દ્વારા કરવામાં આવેલી જાહેરાત મુજબ ગઇકાલે સાંજે 5 વાગ્યેથી આજે બપોરે 12 સુધીમાં શહેરમાં કોરોનાના નવા 47 કેસ નોંધાયા છે. આજ સુધીમાં કુલ 43844 કેસો નોંધાયા છે. જે પૈકી 42606 દર્દીઓ કોરોનાને હરાવવામાં સફળ રહ્યા છે. રિક્વરી રેટ 97.28 ટકા જેવો રહેવા પામ્યો છે. આજ સુધીમાં કુલ 15,58,846 લોકોનું ટેસ્ટીંગ કરવામાં આવ્યું છે. પોઝીટીવીટી રેટ 2.81 ટકા રહેવા પામ્યો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલે ગત સપ્તાહે રાજકોટ શહેરમાં કરેલા રોડ-શોના પરિણામ જાણે મળી રહ્યા હોય તેમ શહેરમાં કૂદકેને ભૂસકે કોરોના કેસમાં સતત વધારો નોંધાઇ રહ્યો છે. અત્યાર સુધી મહાપાલિકા દ્વારા માત્ર સાંજે જ કોરોના કેસ જાહેર કરવામાં આવતા હતા પરંતુ હવે રોજ બપોરે અને સાંજે બે વખત કોરોના કેસ જાહેર કરવામાં આવશે.