Abtak Media Google News
  • 2014માં ભાજપને 282 અને 2019માં 303 બેઠકો મળી હતી: કેન્દ્રમાં સતત ત્રીજી વખત સરકાર બનાવવા ભાજપે સાથી પક્ષોના સહારે નિર્ભર રહેવું પડશે

વિશ્ર્વની સૌથી મોટી લોકશાહીનું બહુમાન ધરાવતા ભારત દેશમાં 10 વર્ષ બાદ ફરી કેન્દ્રમાં ત્રિશંકુ સરકારની રચના થાય તેવા એંધાણ પ્રાપ્ત થઇ રહ્યા છે. વર્ષ-2014 અને 2019 લોકસભાની ચૂંટણીમાં ભાજપને એકલા હાથે સરકાર બની શકે તેટલી બેઠકો પ્રાપ્ત થઇ હતી. પરંતુ આ વખતે માહોલ કંઇક અલગ જ છે. ભાજપે સતત ત્રીજી વખત કેન્દ્રમાં સરકાર બનાવવા માટે સાથી પક્ષોનો સહારો લેવો પડશે.

અલગ-અલગ સાત તબક્કામાં યોજાયેલી લોકસભાની 543 પૈકી 542 બેઠકો માટેની ચૂંટણીનું મતદાન ગત શનિવારે પૂર્ણ થયા બાદ સાંજે જાહેર થયેલા ઓપિનિયન પોલમાં મોટાભાગના સર્વેમાં કેન્દ્રમાં સતત ત્રીજી વખત તોતીંગ બહુમતી સાથે ભાજપની સરકાર બની રહી હોવાનું દર્શાવવામાં આવ્યું હતું. પરંતુ તમામ એક્ઝિટ પોલ આજે ખોટા પૂરવાર થયા છે. ભાજપ પ્રેરિત એનડીએ ગઠબંધનને કોંગ્રેસ પ્રેરિત ઇન્ડિયા ગઠબંધને જોરદાર ટક્કર આપી છે. વર્ષ-2014માં યોજાયેલી લોકસભાની ચૂંટણીમાં જબ્બર મોદી મેજીક જોવા મળ્યો હતો. 30 વર્ષના લાંબા અંતરાલ બાદ દેશની જનતાએ કોઇ એક રાજકીય પાર્ટીને સ્પષ્ટ બહુમત આપ્યો હતો. લોકસભામાં સરકાર બનાવવા માટે બહુમતી માટે કુલ 543 બેઠકોમાંથી 272 બેઠકો જીતવી જરૂરી છે. ભાજપ એકલા હાથે 282 બેઠકો જીતવામાં સફળ રહ્યું હતું. જ્યારે એનડીએને ફાળે 356 બેઠકો આવી હતી. ભાજપ એકલા હાથે સરકાર બનાવી શકે તેવી બહુમતી પ્રાપ્ત થઇ હતી. પાંચ વર્ષ બાદ એટલે કે 2019માં મોદીના નેતૃત્વમાં ભાજપ વધુ મજબૂત બન્યું હતું. 2014માં 282 બેઠકો જીતનાર ભાજપને 2019માં 303 બેઠકો મળી હતી. એનડીએ ગઠબંધનને 353 બેઠકો પ્રાપ્ત થઇ હતી. આજે 10 વર્ષ બાદ ફરી એક વખત દેશ કેન્દ્રમાં ત્રિશંકુ સરકારની કગાર પર આવીને ઉભો છે. છેલ્લી બે ચૂંટણીથી એકલા હાથ સરકાર બનાવી શકે તેટલી બેઠકો જીતનાર ભાજપ હવે સાથી પક્ષો પર નિર્ભર બની ગયો છે. કારણ કે ભાજપ 243 બેઠકો જ જીતી શકે તેમ છે. જે બહુમતીથી 29 બેઠકો ઓછી છે. જો કે, એનડીએ ગઠબંધનને 295થી 300 બેઠકો હાલ પ્રાપ્ત થઇ રહી હોય તેવું હાલ લાગી રહ્યું છે. એટલે ભાજપ કેન્દ્રમાં સરકાર બનાવી શકે તેવી સ્થિતિમાં ચોક્કસ છે પરંતુ છેલ્લા 10 વર્ષથી જે મજબૂતાઇ સાથે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી સરકાર ચલાવી રહ્યા હતા. તેવી મજબૂતાઇથી સરકાર ચલાવી શકશે નહિં. કારણ કે જો નિતીશ કુમારની પાર્ટી જેડીયુ અને ચંદ્રાબાબુ નાયડુની પાર્ટી ટીડીપી ટેકો પાછો ખેંચી લે તો સરકાર પડી ભાંગે. હાલ ભાજપની સરકાર બનશે કે કેમ? તેનો સંપૂર્ણ આધાર નિતીશ અને નાયડુ પર નિર્ભર છે. નરેન્દ્ર મોદી છેલ્લા અઢી દાયકાથી મુખ્યમંત્રી અને વડાપ્રધાન પદે રહી નેતૃત્વ કરી રહ્યા છે. પરંતુ તેઓએ હમેંશા બહુમતી હોય તેવી સરકારનું જ નેતૃત્વ કર્યું છે. ક્યારેય સાથી રાજકીય પક્ષોના દબાણમાં કામ કર્યું નથી. હવે તેઓએ પોતાના સ્વભાવથી વિપરિત શાસન કરવું પડશે.

I AM CRICKTER INDIAN ARMY

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.