મહીસાગર જિલ્લાના લુણાવાડા કલેકટર કચેરીના સભાખંડમાં જિલ્લા કલેકટર શ્રીમતી નેહા કુમારીના અધ્યક્ષ સ્થાને આગામી ચોમાસાને અનુલક્ષીને સંલગ્ન તમામ વિભાગો સાથેની પ્રી-મોનસુન કામગીરી અંગેની બેઠક અને વોટર લોગિંગ વિસ્તાર અને કુદરતી પાણીના નિકાલના માર્ગમાં આવેલ બાંધકામ/ અડચણની સમિક્ષા બેઠક યોજાઇ હતી.
બેઠકમાં જિલ્લા કલેકટરએ વિવિધ વિભાગના અધિકારીઓને શહેરી તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં ચોમાસામાંના કારણે જાન માલનું નુકસાન અટકાવવા આગોતરી તૈયારીઓ પૂર્ણ કરવા તેમજ વિભાગો દ્વારા હાથ ધરવામાં આવેલી કામગીરીની સમીક્ષા કરી હતી.
આ બેઠકમાં કલેકટરએ લગત વિભાગોને કડાણા,પાનમ, ભાદર ડેમમાં થી પાણી છોડતા અસર પામતા ગામોની યાદી અધતન કરવી તથા ડેમમાં થી પાણી છોડતા પૂર્વે ચોક્કસ સમય પહેલા જાણ કરવી ,તમામ ડેમ તથા કેનાલના ગેટોની ચકાસણી કરવી, નડતરરૂપ જાડ કાપવા, આશ્રય સ્થાનો તૈયાર કરવા, પાણી નિકાલના માર્ગ પરના અવરોધો દૂર કરવા, માનવ કે પશુ મૃત્યુના કિસ્સામાં ત્વરિત કાર્યવાહી હાથ ધરવા, જરૂરી સાધનો તૈયાર રાખવા, વીજ પુરવઠો જળવાય તેની તકેદારી રાખવા, વગેરે બાબતે સૂચન કરી જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.
આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી યુવરાજ સિદ્ધાર્થ,પોલીસ અધિક્ષક જયદીપસિંહ જાડેજા, નિવાસી અધિક કલેકટર સી વી લટા, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામક શ્રીમતી ચંદ્રિકાબેન ભાભોર, પ્રાંત અધિકારીઑ સહિત અમલીકરણ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.