મોરબીમાં મની એકસચેન્જ કરતા વેપારીને આંતરી રૂ 7.27 લાખની લૂંટ

ચોર, ગઠીયા અને લૂંટારાનો પોલીસને વધુ એક પડકાર

નળીયા, ઘડીયાર અને સિરામિક ઉદ્યોગના કારણે આર્થિક સમૃધ્ધ બનેલા મોરબીમાં બેનંબરી અને હવાલા આંગડીયા સુલટાવતા લૂંટારા માટે સોફટ ટાર્ગેટ

અબતક, ઋષિ મહેતા, મોરબી

મોરબીમાં ચોર, ગઠીયા અને લૂંટારા દ્વારા મિલકત વિરૂધ્ધના ગુના આચરવાની ઘટના રોજીંદી બની ગઇ છે. ગઇકાલે થયેલી લૂંટના તરકટનો પોલીસ દ્વારા ભેદ ઉકેલવામાં આવ્યો ત્યાં મોરબીના બહાદુરગઢ નજીક મની એક્સચેન્જનો વેપાર કરતા યુવાનને બાઇક પરથી પછાડી રૂા.7.27 લાખની મત્તાની બે શખ્સોએ લૂંટ ચલાવી ફરાર થયાની પોલીસમાં ફરિયાદ નોંધાતા સનસનાટી મચી ગઇ છે.

મોરબી નળીયા, લાદી અને સિરામીક ઉદ્યોગના કારણે આર્થિક રીતે સમૃધ્ધ બન્યું છે. ઇકોનોમિક સધ્ધર બનેલા વેપારીઓમાં દ્વારા દારૂ, જુગાર અને ફાર્મ હાઉસમાં રંગીન રાતની ઉજવણી થઇ રહી છે. તો બીજી તરફ આવા નબીરાઓ સાથે છેતરપિંડી અને લૂંટવાની ઘટનામાં પણ ઉત્તરોતર વધારો થઇ રહ્યો છે.

વેપારીના બાઇક સાથે બાઇક અથડાવી રોકડ સાથેનો થેલો ઝૂંટવી બંને લૂંટારા ફરાર: સીસીટીવી ફુટેજની મદદથી તપાસનો ધમધમાટ

આવી વધુ એક ઘટના પ્રકાશમાં આવી છે. મોરબીના મહેન્દ્રનગરમાં રહેતા અને ફોરેન મની એકસચેન્જનો વ્યવસાય કરતા શૈલેષ ચંદુભાઇ વડસોલાને મોરબી-માળીયા હાઇવે પર બહાદુરગઢ નજીક બે અજાણ્યા શખ્સોએ આંતરી રૂા.7.27 લાખની મત્તા સાથેના થેલાની લૂંટ ચલાવ્યાની મોરબી તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

મોરબીનો વેપાર વિદેશમાં થતો હોવાની વેપારીઓને વિદેશ જવા આવવા માટે મની ટ્રાન્સફરનો વ્યવસાય પણ વધ્યો છે. મની એક્સચેન્જનો વ્યવસાય કરતા શૈલેષભાઇ વરસોલા જુદા જુદા દસ વેપારીઓ પાસેથી રૂા.7.24 લાખનું કલેકશન કરી મોરબી પરત આવી રહ્યા હતા ત્યારે તેનો બાઇક પર પીછો કરતા બે અજાણ્યા શખ્સોએ બહાદુરગઢના પાટીયા પાસે બાઇક પરથી પછાડી રોકડ અને મોબાઇલ સાથેના થેલાની લૂંટ ચલાવી ભાગી ગયાની પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

ચાર લૂંટારાએ ગુજરાતી ભાષામાં જ ધમકી દઇ સૌ પ્રથમ મોબાઇલ પડાવી લીધો હતો. ચારેય લૂંટારા મધ્યમ બાંધાના હોવાનું અને બાઇક પર ભાગી ગયાનું ફરિયાદમાં જણાવ્યું છે.

શૈલેષભાઇ દ્વારા ફરિયાદમાં જણાવેલા વર્ણન ધરાવતા ચારેય લૂંટારાને ઝડપી લેવા મોરબી જિલ્લા પોલીસ દ્વારા નાકાબંધી કરાવવામાં આવી છે. અને સીસીટીવી ફુટેજ મેળવવા સઘન તપાસ થઇ રહી છે. તેમ લૂંટનો ભેદ ઉકેલવા પોલીસે બાતમીદારોને પણ કામે લગાડયા છે.

કુખ્યાત લૂંટારા તાજીયાએ સૌ પ્રથમ લૂંટ મોરબીમાં ચલાવી’તી

સૌરાષ્ટ્રના પેરિસ ગણાતા મોરબીમાં નળીયા, લાદી, ઘડીયાળ અને સિરામીક ઉદ્યોગના કારણે વિદેશમાં પણ વ્યાપાર થઇ રહ્યો છે. મોરબીમાં મચ્છુ હોનારત બાદ હરણ ફાળ વિકાસ થયો હોવાથી બેનંબરી અને હવાલા સુલટાવવા માટે આંગડીયા પેઢીની આવશ્યકતા ઉભી થતા મોરબીમાં હાલ અનેક આંગડીયા પેઢી કાર્યરત છે. આંગડીયા પેઢી દ્વારા મોટી રકમનો હેરફેર થતી હોવાથી આંગડીયા લૂંટ માટે મોરબી સોફ્ટ ટાર્ગેટ બન્યું છે. આંગડીયા લૂંટ માટે કુખ્યાત બનેલા તાજીયો ઉર્ફે તાજમહંદ અલ્લારખા મીયાણાએ પણ સૌ પ્રથમ મોરબીમાં આંગડીયા લૂંટ ચલાવી હતી. સમગ્ર ગુજરાતમાં આંગડીયા લૂંટ ચલાવતા તાજીયાને પોલીસ એન્કાઉન્ટરમાં ઠાર થયો હતો.