- પાઠ્યપુસ્તકોની અછતથી શિક્ષણ કટોકટીથી વિદ્યાર્થીઓ અને વાલીઓ પરેશાન: અધૂરા ઓર્ડર અને ખોરવાયેલું વિતરણ
રાજકોટ જિલ્લામાં શૈક્ષણિક સત્રના પ્રારંભે જ ધોરણ 1 થી 12ના પાઠ્યપુસ્તકોની ગંભીર અછત સર્જાઈ છે. આ પરિસ્થિતિએ વિદ્યાર્થીઓ, વાલીઓ અને સ્ટેશનરી વેપારીઓની મુશ્કેલીમાં વધારો કર્યો છે. ગુજરાત રાજ્ય પાઠ્યપુસ્તક મંડળ, ગાંધીનગર તરફથી પૂરતો જથ્થો ન મળવાને કારણે આ સંકટ ઊભું થયું છે. દર વર્ષે શાળાઓ શરૂ થતાં પહેલાં જ પાઠ્યપુસ્તકો વિદ્યાર્થીઓ સુધી પહોંચી જાય તેવી અપેક્ષા હોય છે, પરંતુ આ વર્ષે રાજકોટ જિલ્લામાં ચિત્ર કંઈક જુદું જ છે. આ ઉપરાંત, ધોરણ 1નું ગુજરાતી, જે નાના બાળકોના અભ્યાસનો પાયો છે, તે પણ ઉપલબ્ધ નથી.ધોરણ 6નું અંગ્રેજી અને ધોરણ 8નું ગુજરાતી જેવા મહત્વના વિષયોના પુસ્તકો પણ બજારમાં મળતા નથી.આવા ઘણા અન્ય પુસ્તકો પણ ઉપલબ્ધ નથી, જે વિદ્યાર્થીઓના અભ્યાસમાં અવરોધરૂપ બની રહ્યા છે. નવા શૈક્ષણિક વર્ષનો પ્રારંભ થઈ ચૂક્યો છે, પરંતુ પુસ્તકો વિના વિદ્યાર્થીઓ ભણી શકતા નથી. શિક્ષકો ભણાવે છે, ખાસ કરીને બોર્ડના ધોરણો જેમ કે 10 અને 12ના વિદ્યાર્થીઓ માટે આ સ્થિતિ વધુ ચિંતાજનક છે. વાલીઓને પોતાના બાળકોના ભવિષ્યની ચિંતા સતાવી રહી છે. તેઓ પુસ્તકો શોધવા માટે એક દુકાનેથી બીજી દુકાને ભટકી રહ્યા છે, પરંતુ તેમને નિરાશા જ સાંપડી રહી છે. કેટલાક વાલીઓ પુસ્તકોની અછતને કારણે બ્લેક માર્કેટિંગનો ભોગ બનવાની પણ ફરિયાદ કરી રહ્યા છે, જ્યાં તેમને પુસ્તકો મૂળ કિંમત કરતાં વધુ ભાવે ખરીદવા પડે છે. આર્થિક રીતે નબળા વાલીઓ માટે આ એક મોટી સમસ્યા છે. સ્ટેશનરી વેપારીઓ પણ આ પરિસ્થિતિથી પરેશાન છે. તેઓ ગ્રાહકોને પુસ્તકો પૂરા પાડી શકતા નથી, જેના કારણે તેમને નુકસાન થઈ રહ્યું છે અને ગ્રાહકોનો અસંતોષ પણ વધી રહ્યો છે. ઘણા વેપારીઓ પાસે પૂરતો સ્ટોક ન હોવાથી તેઓ ધંધો કરી શકતા નથી.આ પરિસ્થિતિનો ત્વરિત ઉકેલ લાવવો અત્યંત જરૂરી છે. ગુજરાત રાજ્ય પાઠ્યપુસ્તક મંડળે યુદ્ધના ધોરણે પ્રિન્ટિંગ, બાઈન્ડિંગ અને પેકિંગનું કાર્ય પૂર્ણ કરીને રાજકોટ સહિતના તમામ જિલ્લાઓમાં તાત્કાલિક પુસ્તકોનો પૂરતો પુરવઠો પહોંચાડવો જોઈએ. જો આ સમસ્યાનો વહેલી તકે નિવેડો નહીં આવે, તો હજારો વિદ્યાર્થીઓના શૈક્ષણિક ભવિષ્ય પર ગંભીર અસર પડી શકે છે. સરકાર અને સંબંધિત અધિકારીઓએ આ બાબતને ગંભીરતાથી લઈને તાત્કાલિક પગલાં લેવા જોઈએ જેથી વિદ્યાર્થીઓનો કિંમતી સમય બરબાદ ન થાય અને તેઓ નિર્વિઘ્ને પોતાનો અભ્યાસ ચાલુ રાખી શકે.
70 સ્ટેશનરી- દુકાનદારોનું આધારસ્તંભ છે અપના બજાર પરંતુ પુસ્તક વિતરણનો મોટો પડકાર: ડિરેકટર મહેશ કોટક
રાજકોટ મધ્યસ્થ ગ્રાહક સરકારી ભંડાર લી. અપના બજારના ડિરેક્ટર મહેશ કોટકે અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે ધોરણ 1 થી 12 ના પાઠ્યપુસ્તકોના વિતરણમાં ગંભીર અછત જોવા મળી રહી છે.જેના કારણે વિદ્યાર્થીઓ, વાલીઓ અને સ્ટેશનરી વેપારીઓ ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે.
ગુજરાત રાજ્ય પાઠ્યપુસ્તક મંડળ, ગાંધીનગર તરફથી પૂરતો જથ્થો ન મળવાને કારણે આ પરિસ્થિતિ સર્જાઈ છે.’આપના બજાર’ ઘણા વર્ષોથી ગુજરાત રાજ્ય પાઠ્યપુસ્તક મંડળની ડિસ્ટ્રિબ્યુટરશિપ ધરાવે છે અને અમારી નીચે 70 જેટલા સ્ટેશનરી દુકાનદારો આવે છે, જેમને અમે પુસ્તકો પૂરા પાડીએ છીએ. પરંતુ ગાંધીનગરથી જરૂરિયાત મુજબ માલ ન મળવાને કારણે અમે તેમને પૂરા પુસ્તકો આપી શકતા નથી, જેના પરિણામે બજારમાં પુસ્તકોની તીવ્ર અછત સર્જાઈ છે.આંકડા આપતા તેમણે કહ્યું કે, અત્યાર સુધીમાં ત્રણ રાઉન્ડના ઓર્ડર આપવામાં આવ્યા છે. પ્રથમ રાઉન્ડમાં રૂ. 1.76 કરોડનો ઓર્ડર આપ્યો હતો, જેની સામે માત્ર રૂ. 46.50 લાખનો જ માલ મળ્યો છે, જે કુલ માંગના અંદાજે 30% જેટલો જ થાય છે. બીજા રાઉન્ડમાં રૂ. 1.71 કરોડની ડિમાન્ડ મૂકવામાં આવી હતી, તેની સામે ફક્ત રૂ. 30.60 લાખનો જ માલ મળ્યો છે, જે માંડ 20% જેટલો જ છે.આ અછત એટલી વ્યાપક છે કે, ધોરણ 11 કોમર્સ અને સાયન્સના ઘણા વિષયના પુસ્તકો હજી સુધી આવ્યા જ નથી. આ ઉપરાંત, ધોરણ 1નું ગુજરાતી, ધોરણ 6નું અંગ્રેજી, ધોરણ 8નું ગુજરાતી અને બીજા ઘણા પુસ્તકો પણ ઉપલબ્ધ નથી.