- ર1 થી ર3 ફેબ્રુઆરી દરમિયાન અમદાવાદમાં યોજનારા સંમેલનનું ઉદઘાટન મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલના હસ્તે કરાશે
- દેશના એચઆઇવી તબીબી નિષ્ણાતોનું 16મું રાષ્ટ્રીય સંમેલન આગામી 21 થી 23 ફેબ્રુઆરી દરમિયાન ગુજરાતના અમદાવાદ ખાતે યોજાશે. ગુજરાતમાં પ્રથમ વખત આ પ્રતિષ્ઠિત સંમેલન યોજાઈ રહ્યું છે. આ સંમેલનનું આયોજન એઇડ્સ સોસાયટી ઓફ ઇન્ડિયા દ્વારા કરવામાં આવી રહ્યું છે, જે દેશમાં એચઆઇવી નિષ્ણાતોનું સૌથી મોટું તબીબી વ્યાવસાયિક સંગઠન છે.
- એસીકોન- 2025 સંમેલનનું ઉદ્ઘાટન 21 ફેબ્રુઆરી ના રોજ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા કરવામાં આવશે.
એસીકોન 2025ના તબીબી અને વૈજ્ઞાનિક સહયોગીઓમાં ભારત સરકારના આરોગ્ય અને કુટુંબ કલ્યાણ મંત્રાલય હેઠળનું નેશનલ એઇડઝ કંટ્રોલ ઓર્ગેનાઈઝેશન, રાષ્ટ્રીય ટીબી નાબૂદી કાર્યક્રમ, ગુજરાત મેડિકલ કાઉન્સિલ, ઈન્ફેક્શિયસ ડિસીઝ સોસાયટી ઓફ ગુજરાત, સંયુક્ત રાષ્ટ્રના કાર્યક્રમ, દક્ષિણ આફ્રિકાની અઈંઉજ સંશોધન સંસ્થા, વગેરેનો સમાવેશ થાય છે. ગુજરાત પ્રવાસન અને કેન્દ્રીય પ્રવાસન મંત્રાલયનું ભારતીય કોન્ફરન્સ પ્રમોશન બ્યુરો પણ એસીકોન 2025ને સમર્થન આપી રહ્યા છે.
એસીકોન 2025 સંમેલનમાં દેશભરમાંથી ઘણા એચઆઇવી ક્લિનિકલ કેર નિષ્ણાતો અને સંશોધકો ભાગ લેશે. ઘણા દેશોના એચઆઈવી નિષ્ણાતો પણ આ કોન્ફરન્સમાં ભાગ લઈ રહ્યા છે, જેમાં, દક્ષિણ આફ્રિકા, ઈંગ્લેન્ડ, ઈટાલી, જર્મની, કેન્યા વગેરે જેવા દેશો અગ્રણી છે.
ત્રણ દિવસીય એસીકોન 2025 સંમેલનમાં અનેક વિષયો પર એચઆઇવી સંબંધિત તબીબી વ્યાખ્યાનો અને સત્રો યોજાશે, જેમાં મુખ્ય વિષયો આ મુજબ છે: એશિયા પેસિફિક ક્ષેત્ર અને ભારતના લેટેસ્ટ એચઆઇવી સંબંધિત આંકડાઓ, એચઆઇવી ટેસ્ટિંગ (ખાસ કરીને એચઆઇવી સેલ્ફ ટેસ્ટ એટલે કે એચઆઇવી સ્વ-પરીક્ષણ), એન્ટિરેટ્રોવાયરલ દવાઓ પર લેટેસ્ટ રિસર્ચ પેપર, એચઆઇવીથી બચવા માટેની નવીનતમ દવાઓ જેવીકે ‘પ્રેપ’ જેમાં લેન્કાપાવીર નામક દવા સામેલ છે (દર 6 મહિને 1 ઇંજેક્શન), જેના ઉપયોગથી વ્યક્તિ એચઆઇવીનો ચેપ લાગવાથી લગભગ 100% બચી શકે છે, ‘ડોક્સી પ્રેપ’ દવા, જે કેટલાક યૌન સંક્રમણો સામે રક્ષણ આપે છે, એચઆઇવી અને ટીબી કો-ઇન્ફેક્શન, તેમજ એચઆઇવી અને હિપેટાઇટિસ કો-ઇન્ફેક્શન સંબંધિત લેટેસ્ટ અપડેટ, હ્યુમન પેપિલોમા વાયરસ સંબંધિત કેન્સર, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, સાયબર સિક્યોરિટી અને હેલ્થકેર, ક્લાઇમેટ ચેન્જ વગેરે રહેશે.
સરકારી રાષ્ટ્રીય એઇડ્સ નિયંત્રણ કાર્યક્રમ અનુસાર, ભારતમાં એઇડ્સ નિયંત્રણની દિશામાં પ્રશંસનીય પ્રગતિ થઈ છે. 2010ના આંકડાઓની સરખામણીમાં, 2023 સુધીમાં ભારતમાં એઇડ્સનો દર લગભગ અડધો થઈ ગયો હતો જે એઇડ્સના દરમાં વૈશ્વિક સ્તરે થયેલા ઘટાડા (39%)થી પણ વધુ હતો. એ જ રીતે, 2010ના આંકડાઓની સરખામણીએ, એઇડ્સના કારણે થતા મૃત્યુના દરમાં પણ 2023 સુધીમાં 79.26% ઘટાડો થયો, જે 2010-2023 દરમિયાન વૈશ્વિક એઇડ્સ મૃત્યુદરમાં થયેલા ઘટાડા (51%) કરતા વધારો હતો.
ભારતમાં 25.44 લાખ લોકો એચઆઇવી સાથે જીવે છે. ભારતની પુખ્ત વયની વસ્તીમાં એચઆઇવીનો દર 0.20% છે, જે વૈશ્વિક દર (0.70%) કરતા ઓછો છે. 2023 માં, ભારતમાં 68,450 નવા લોકોમાં એચઆઇવી પોઝિટિવ હોવાનું નિદાન થયું હતું અને 35,870 લોકો એઇડ્સ સંબંધિત કારણોથી મૃત્યુ પામ્યા હતા. 2023માં, 19,961 સગર્ભા સ્ત્રીઓ એચઆઈવી પોઝીટીવ હતી અને ગર્ભાવસ્થા, ડિલિવરી તેમજ સ્તનપાન દરમિયાન નવજાત શિશુમાં એચઆઈવીનો ચેપ લાગવાનું જોખમ લગભગ શૂન્ય થઈ જાય તે માટે વિશેષ તબીબી દવાઓ અને સહાય પૂરી પાડવામાં આવી હતી.
સરકારી રાષ્ટ્રીય એઇડ્સ નિયંત્રણ કાર્યક્રમ અનુસાર, ગુજરાત રાજ્યમાં પુખ્ત વયની વસ્તીમાં એચઆઇવીનો દર 0.19% છે. 2023માં ગુજરાતમાં 1,20,312 લોકો એચઆઇવી સાથે જીવતા હતા અને 800 લોકો એઇડ્સ સંબંધિત કારણોથી મૃત્યુ પામ્યા હતા. 2023માં ગુજરાતમાં 2671 નવા લોકોમાં એચઆઇવી પોઝિટિવ હોવાનું નિદાન થયું હતું. 2010ની સરખામણીએ 2023 સુધી ગુજરાતમાં એચઆઇવીના દરમાં 56.86% નો ઘટાડો થયો હતો. એસીકોન2025ના સહ-અધ્યક્ષ ડો. હર્ષ તોષનીવાલે જણાવ્યું કે એસીકોન 2025 સંમેલન ગુજરાતમાં પહેલીવાર આયોજિત થઈ રહ્યું છે, જેનો લાભ સમગ્ર તબીબી સમુદાયને મળશે, જે ગુજરાતને એઇડ્સ નાબૂદીની દિશામાં પ્રગતિ કરવામાં સહાયક બનશે.
ડો. ઇશ્વર ગિલાડા કે જેઓ એઇડ્સ સોસાયટી ઓફ ઇન્ડિયાના પ્રેસિડેન્ટ અમેરિટસ છે, ઇન્ટરનેશનલ એઇડ્સ સોસાયટી (ઈંઅજ)ના પ્રેસિડેન્શિયલ બોર્ડના ચૂંટાયેલા સભ્ય અને ઈંઅજ એશિયા પેસિફિકના પ્રાદેશિક અધ્ય પણ છે, જેઓ જણાવે છે કે, ભારત સહિત તમામ સરકારોએ વર્ષ 2030 સુધીમાં એઇડ્સને નાબૂદ કરવાનું વચન આપ્યું છે. આ માટે એ જરૂરી છે કે એચઆઇવી સાથે જીવતી દરેક વ્યક્તિને એ વાતની જાણ હોય કે તેને એચઆઇવી છે, તેને જીવનરક્ષક એવી એન્ટિરેટ્રોવાયરલ દવાઓની સાથે-સાથે તમામ એચઆઇવી સેવાઓ મળી રહી હોય અને તેનો વાયરલ લોડ નહિવત્ હોય. વાયરલ લોડ નહિવત્ રહેશે તો અન્ય કોઈને એચઆઇવીનો ચેપ લાગવાનું જોખમ પણ નહીં રહે, અને એચઆઇવીની સાથે જીવતી વ્યક્તિ સ્વસ્થ અને ભરપૂર જીવન જીવી શકશે. આપણે વધુ કાર્યક્ષમતા, કાર્યસાધકતા અને અસરકારકતા સાથે એઇડ્સ નિવારણની દિશામાં કામ કરવું પડશે. 1986માં, જ્યારે ભારતમાં પ્રથમ વ્યક્તિને એચઆઇવી હોવાનું નિદાન થયું, ત્યારે ડો. ગિલાડાએ મુંબઈની સરકારી જે જે હોસ્પિટલમાં દેશનું પ્રથમ એચઆઇવી ક્લિનિક સ્થાપ્યું હતું.