રિએક્શન આવ્યું હોવાનું કહી તબીબો પાસેથી નાણાં ખંખેરવાનો જામનગરમાં નવતર પ્રયાસ

મુંબઇના પાટીલ નામના શખ્સે ફોન કર્યો: મહિલા તબીબે નોંધાવી ફરિયાદ

શહેરના જુદા જુદા વિસ્તારોમાં ખાનગી દવાખાના ચલાવતા ચાર તબીબો પાસેથી પૈસા પડાવવા નો કારસો રચનાર એક મોબાઇલ ધારક સામે સીટી બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે, જામનગરના ચારેય તબીબના ક્લિનિકમાં સારવાર લેનાર દર્દી નું મુંબઈમાં રિએક્શન આવ્યા પછી મૃત્યુ થયાનું જણાવી અજ્ઞાત શખ્સે પૈસા પડાવવાનું ષડયંત્ર  આચર્યુ હતું. પરંતુ એક મહિલા તબીબ દ્વારા સમગ્ર મામલો પોલીસ મથકમાં લઈ જવાયો હતો, અને ફરિયાદ નોંધાવાતાં અજ્ઞાત શખ્સ દ્વારા મોબાઈલ સ્વીચ ઓફ કરી દેવાયો છે. જામનગર પોલીસે તપાસનો દોર મુંબઈ સુધી લંબાવી તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. મુંબઈના સબ ઇન્સ્પેક્ટર પાટીલ ના નામે મોબાઈલ ફોન કરનાર શખ્સની શોધખોળ ચલાવવામાં આવી રહી છે. જામનગરમાં ગુલાબનગર વિસ્તારમાં બજરંગ ચોક પાસે સંજીવની ક્લિનિક ધરાવતા ડો. દિપાલીબેન વિરલભાઇ પંડ્યાના મોબાઇલ નંબર પર ગત ૧૩મી તારીખે ૭૦૭૫૦૫૪૫૦૬ નંબરના મોબાઇલ ધારક દ્વારા ફોન કરવામાં આવ્યો હતો, અને પોતે પોતાની ઓળખ મુંબઈના અગ્રીપાડા પોલીસ સ્ટેશનના સબ ઈન્સ્પેકટર પાટીલ હોવાની આપી હતી. અજ્ઞાત શખ્સે સૌપ્રથમ કરેલા ફોનમાં જણાવ્યું હતું કે જામનગરમાં રીજવાના બેન શેખ નામના દર્દીએ થોડા દિવસો પહેલા તમારા ક્લિનિકમાં સારવાર લીધી હતી, અને તેઓ એક લગ્નપ્રસંગમાં મુંબઈ આવ્યા હતા. જે રીજવાના બેન ને તમે આપેલી દવાના કારણે રીએક્શન આવ્યું છે. અને ખંજવાળ ઉપડી છે. ઉપરાંત સુગર વધી ગયું છે. જે દર્દીના પરિવારજનો સાથે તમારે વાત કરવાની છે. જો તમે કંઈપણ પરિવાર જોડે નક્કી કરી લેશો તો એફ.આઈ.આર. દાખલ નહીં થાય, તેમ જણાવ્યું હતું.

ત્યાર પછી ૨૦ મિનીટ બાદ બીજો ફોન આવ્યો અને તેમાં જણાવ્યું હતું કે રીજવાનાબેન નું તમારી દવાના રિએક્શન ના કારણે મૃત્યુ થઈ ગયું છે. અને તેના પિતા સાથે વાત કરો, તેમજ એફ.આઈ.આર. દાખલ ન કરવી હોય તો માંડવાળ કરવાની અને પૈસા આપવાની વાત કરી હતી, અને પોતે પી.એસ.આઇ. પાટીલ તરીકેની ઓળખ આપી હતી. જે સમગ્ર મામલે તબીબને શંકા જતા તેઓએ સૌપ્રથમ મોબાઇલ ફોન ઉપાડવાનું બંધ કરી દીધું હતું. ત્યાર પછી જામનગરના જુદા જુદા તબીબોના ગ્રુપમાંથી આવા અજ્ઞાત શખ્સના ટેલિફોન આવ્યા હોવાનું અને ગર્ભિત ધમકી આપી પૈસા પડાવવાનો કારસો રચ્યો હોવાનું ધ્યાનમાં આવ્યું હતું.

જામનગરના જ અન્ય ત્રણ તબીબો ડો.દિનેશ ભેડા,ડો.નિશાંત શુક્લ, અને ડો. ફોફરિયા ને પણ એક જ દિવસમાં ૧૩ તારીખે સવારે અગિયાર વાગ્યાથી સાડા બાર વાગ્યા સુધીના સમયગાળા દરમિયાન આવા ટેલિફોન કોલ આવ્યા હતા. જેથી કોઈ ચીટર ગેંગ નું આ કારસ્તાન હોવાનું તબીબોએ અનુમાન લગાવી તુરતજ સીટી બી ડિવિઝનનો સંપર્ક સાધ્યો હતો, અને પોલીસ ફરિયાદ નોંધાવી હતી. ડો. દિપાલીબેન પંડ્યાની ફરિયાદના આધારે મુંબઈના પીએસઆઇ પાટીલ ના નામે ફોન કરનાર ૭૦૭૫૦૫૪૫૦૬ નંબરના મોબાઇલ ધારક સામે ગુનો નોંધવામાં આવ્યો છે, અને પોલીસે તપાસનો દોર મુંબઈ અથવા તો મોબાઈલ કરનાર શખ્સના લોકેશન તરફ લંબાવ્યો છે. આ ફરિયાદ ને લઈને જામનગરના તબીબી વર્તુળમાં ભારે ચકચાર જાગી છે.

Loading...