Abtak Media Google News

દર્દીઓને માનસિક મજબૂત બનાવવા ‘સ્વાસ્થ્ય પ્રાર્થના’ની 200 નકલનું વિતરણ

હું સાજો થઈ ગયો છું, હું સ્વસ્થ થઈ ગયો છું, મારી જે પણ તકલીફો છે તે દૂર થવાની દિશામાં જઈ રહી છે. દરેક ક્ષણ અને દરેક દિવસે મારૂં શરીર તંદુરસ્ત થતું જાય છે. આવા હકારાત્મકતાથી ભરેલા શબ્દો રૂપી માળાની બનેલી સ્વાસ્થ્ય પ્રાર્થનાના પત્રો રાજકોટની કેન્સર કોવીડ હોસ્પિટલમાં દાખલ થયેલા દર્દીઓને વિતરણ કરવામાં આવ્યા. એટલું જ નહી પરંતુ કોવીડ હોસ્પિટલમાં ડો. ચિરાગે તેમના આરોગ્ય કર્મીઓ સાથે વોર્ડમાં જઈને દર્દીઓ સામે આ સ્વાસ્થ્ય પ્રાર્થનાનું વાંચન પણ કર્યું હતુ.

આ અંગે વધુ વિગતો આપતા કેન્સર કોવીડ હોસ્પિટલના મેડીકલ સુપ્રીટેન્ડન્ટ ડો. અંજના ત્રિવેદીએ જણાવ્યું હતુ કે, કેન્સર કોવીડ હોસ્પિટલના નોડલ અધિકારી અને જિલ્લા પુરવઠા અધિકારી પૂજા બાવડાને વિચાર આવ્યો કે, દર્દીઓમાં હકારાત્મકતા આવે અને તેઓ માનસીક રીતે મજબૂત બને તેની સાથો-સાથ તેઓ પોતે સ્વસ્થ થઈ રહયાં છે, અને તેમને કોઈ જ તકલીફ નથી. તે પ્રકારની લાગણી દર્દી અનુભવતા થાય તે માટે તેમણે તેમની પાસે રહેલી સ્વાસ્થ્ય પ્રાર્થના ની 200 જેટલી નકલનું વિતરણ ડો. ચિરાગ અને તેમની આરોગ્ય કર્મીની ટીમના લોકો દ્વારા હોસ્પિટલમાં દાખલ થયેલા પ્રત્યેક દર્દીને કરવામાં આવ્યું… એટલું જ નહી દર્દીઓને આ પ્રાર્થના દરરોજ સવારે મનોમન કરવા પણ જણાવાયું છે.આ બાબતે ડો. ચિરાગે જણાવ્યું હતુ કે અહિં રહેલા દર્દીઓને કયારેક શ્વાસ લેવામાં તકલીફ પડતી હોય, તેઓ બોલી શકતા ન હોય તેવા સંજોગોમાં દર્દીઓને અમારા રેસીડન્ટ ડોકટરો, આયુષ સ્ટુડન્ટો, એટેન્ડન્ટ સ્ટાફ અને એમ.એસ.ડબલ્યુ.ના લોકો દ્વારા દરરોજ સવારે આ પ્રાર્થના સંભળાવવામાં આવશે. જેનાથી દર્દીઓ શારીરીકની સાથે માનસિક રીતે પણ મજબૂત બની શકશે.

આજે જ્યારે કોરોના સંક્રમણરૂપી મહામારીના કારણે લોકો શારીરિકની સાથે માનસિક રીતે પણ અસ્વસ્થતા અનુભવી રહયાં છે, તેવા સમયમાં આવી સ્વાસ્થ્ય પ્રાર્થના દ્વારા માનવી સાચા અર્થમાં માનસિક સ્વસ્થતા પ્રાપ્ત કરી શકશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.