Abtak Media Google News

ગીર સોમનાથમાં ખેલ મહાકુંભ સ્પર્ધાના ર૯૮૦ ખેલાડીઓને રૂ.પર લાખના ઇનામ એનાયત

ગુજરાત સરકાર દ્વારા આયોજિત ખેલ મહાકુંભ સ્પર્ધામાં વિજેતા થયેલા ખેલાડીઓને સમગ્ર રાજ્યમાં પ્રોત્સાહિત કરવામાં આવી રહ્યા છે. આજે ગીર-સોમનાથ જિલ્લાના ખેલ મહાકુંભ જિલ્લાકક્ષાની સ્પર્ધામાં વિજેતા થયેલા ૨૯૮૦ વિજેતા સ્પર્ધકોને પ્રમાણપત્ર અને  ઇનામ વિતરણ સમારોહ વેરાવળ સરકારી બોયઝ હાઈસ્કૂલ ખાતે રાજ્ય બીજ નિગમના ચેરમેન રાજશીભાઇ જોટવાના અધ્યક્ષસ્થાને યોજાયો હતો. જિલ્લાકક્ષાએ વિવિધ સ્પર્ધામાં ૨૯૮૦ સ્પર્ધકોને કુલ રૂા. ૫૨ લાખનું ઈનામ મળવાપાત્ર છે. સ્પેશ્યલ ખેલ મહાકુંભમાં કુલ ૪૩૮ ખેલાડીઓને કુલ રૂા.૧૫ લાખનું ઇનામ મળવાપાત્ર છે.

આ ઇનામની રકમ સરકારની યોજના અંતર્ગત ખેલાડીઓના બેંક ખાતામાં સીધા જમા કરવામાં આવે છે.આ પ્રસંગે અધ્યક્ષસ્થાનેથી રાજ્ય બીજ નિગમના ચેરમેન રાજશીભાઇ જોટવાએ ખેલાડીઓને પ્રોત્સાહિત કરતા કહ્યું કે,  ગુજરાત સરકારે યુવાનો ખેલકૂદ તરફ આગળ વધે અને વિવિધ રમતોમાં રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ વિજેતા બને તે માટે અનેક યોજના અમલમાં મૂકી છે. રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ તેમજ સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાતના સતત પ્રયાસોને લીધે આજે રમતગમત ક્ષેત્રે ગુજરાતનું સ્થાન ઉત્તરોત્તર દેશમાં આગળ વધી રહ્યું છે.

7537D2F3 12

ખેલ મહાકુંભમા પણ રાજ્યમાં દર વર્ષે ખેલાડીઓની સંખ્યામાં વધારો થાય છે. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે તેઓએ શરૂ કરેલી ખેલ મહાકુંભ સ્પર્ધામાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી દ્વારા વિશેષ માર્ગદર્શન સાથે રમતોમાં પણ વધારો થઇ રહ્યો છે. ચાલુ વર્ષે ૪૬.૯૦ લાખ ખેલાડીઓ  જોડાયા છે. ગીર સોમનાથ જિલ્લામાં રમતગમત ક્ષેત્રે ખેલાડીઓ દેશ તેમજ આંતરરાષ્ટ્રીય કક્ષાએ વિજેતા થઈ રહ્યા છે. સમગ્ર જિલ્લામાં ખેલકૂદની પ્રવૃત્તિઓને પ્રોત્સાહન મળી રહ્યું છે. તેમણે વિજેતા થયેલા જિલ્લાકક્ષાના ખેલ મહાકુંભના તમામ વિજેતાઓને અભિનંદન આપ્યા હતા.

આ કાર્યક્રમમાં પૂર્વ મંત્રી જશાભાઇ બારડે જણાવ્યું હતું કે, ખેલ મહાકુંભમાં ભાગ લેવો એ જ મોટી વાત છે. વિજેતા ખેલાડીઓને અભિનંદન આપી ભાગ લેનાર તમામ ખેલાડીઓને શુભકામના પાઠવી હતી. આજના સમયમાં ખેલખુદ શરીરની ફિટનેસ ખૂબ જ જરૂરી છે. વેરાવળ નગરપાલિકાનાં પ્રમુખ મંજુલાબેન  સુયાણીએ  કહ્યું કે,  વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા ફીટ ઇન્ડિયા કાર્યક્રમ પણ જાહેર કરવામાં આવ્યો છે. ત્યારે રમત-ગમત યોગ સહિતની પ્રવૃત્તિમાં આગળ વધવા સૌને અનુરોધ કર્યો હતો .

આ કાર્યક્રમમાં ગિરનાર સ્પર્ધાના રેકોર્ડ વિજેતા દેવકુમાર આંબલીયા અને  કાનજીભાઈ ભાલિયાનું પણ અભિવાદન કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમમાં શાબ્દિક સ્વાગત જિલ્લા યુવા વિકાસ અધિકારી  હરેશ મકવાણાએ તેમજ આભારવિધિ સીનીયર કોચ  કાનજીભાઈ ભાલીયાએ કરી હતી. આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયતના પ્રમુખ  રૈયાબેન જાલોંધરા, જિલ્લા કલેકટર અજય પ્રકાશ, અગ્રણી હરદાસભાઇ સોલંકી, અગ્રણી ડાયાભાઇ જાલોધરા, સરકારી સાયન્સ કોલેજના આચાર્ય સ્મિતાબેન છગ, રમત ગમત કચેરીના  અર્જુનભાઇ તેમજ વરજાંગભાઇ વાળા સહિતના ઉપસ્થિત રહ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.