રાજકોટ: ગાંધીજી વિશે ટિપ્પણી કરનાર કવિને શિક્ષાનો ‘શ’ બતાવવા પોલીસમાં ધા

ગુજરાત પ્રદેશ પ્રોફેશનલ કોંગ્રેસના પ્રમુખ નિદત્ત બારોટ , સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સિન્ડિકેટ સભ્ય ડો. ધરમ કાંબલીયા અને હરદેવસિંહ જાડેજા દ્વારા યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં કવિ સામે ફરિયાદ દાખલ કરવા અરજી

સૌરાષ્ટ યુનિવર્સીટીમાં આયોજીત કાવ્ય મહા કુંભના એક પછી એક વિવાદો સામે આવી રહ્યા છે. ત્યારે દેશના રાષ્ટ્રપિતા અને દેશને આઝાદી અપાવવામાં જેનો સિંહફાળો રહ્યો છે તેવા ગાંધીજીના ’ગ’ને પણ ન જાણનારા એક “ઢગાએ ’ભાંગરા’ વાટ્યા હતા. આ બાબતે કોંગી અગ્રણી ડો.નિદત બારોટે કુલપતિ સમક્ષ આવેદન પાઠવી ગાંધીજી વિષે ટિપ્પણી કરનાર કવિ સામે પોલીસ ફરિયાદની માંગ કરી હતી.

જો  કે આ વાતને પણ બે દિવસ ઉપરનો સમય વીતી ગયો હોવા છતાં કોઈ જ પગલાં લેવામાં આવ્યા નથી જેથી હવે ગુજરાત પ્રદેશ પ્રોફેશનલ કોંગ્રેસ દ્વારા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પદાધિકારીઓને સાથે રાખીને ગાંધીજી માટે નબળી વાત રજૂ કરનાર દેવ કૃષ્ણ વ્યાસ સામે પોલીસ ફરિયાદ નોંધવા માટે અરજી કરવામાં આવી છે. આ સન્દર્ભે ડો.નિદત બારોટે ‘અબતક’ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, જુલાઈ 30 અને 1 ઓગસ્ટના રોજ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ગુલાબદાસ બ્રોકર ચેર  અને રાષ્ટ્રીય શૈક્ષણિક મહાસંધ સહિતની સંસ્થાઓ દ્વારા સંયુક્ત રીતે અખંડ કાવ્ય મહાકુંભ યોજવામાં આવ્યો હતો.યુનિવર્સિટી દ્વારા જુદા જુદા કવિઓને નિમંત્રણ આપવામાં આવ્યો હતુ.

મધ્યપ્રદેશ રહેવાસથી આવેલા દેવ કૃષ્ણ વ્યાસે મહાત્મા ગાંધીને અપમાનિત કરતું કાવ્ય રજૂ કર્યું હતું. આ કાવ્યની રજૂઆત સામે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિનું ધ્યાન દોર્યા બાદ તેમના દ્વારા કોઈ પગલાં ન લેવાતા ગુજરાત પ્રદેશ પ્રોફેશનલ કોંગ્રેસ ના પ્રમુખ નિદત્ત બારોટ , સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સિન્ડિકેટ સભ્ય ડો. ધરમ કાંબલીયા અને હરદેવસિંહ જાડેજા દ્વારા યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં કવિ સામે ફરિયાદ દાખલ કરવા અરજી કરવામાં આવી છે.