- રામસાગર, સીતાસાગર અને લક્ષ્મણસાગર તળાવમાં જોવા મળી ગંદકી
- સફાઈ અંગે ધ્યાન રાખવામાં આવતું ન હોવાના સ્થાનિકોના આક્ષેપો
- મચ્છરોનો ઉપદ્રવ વધ્યો હોવાથી સ્થાનિક લોકો દ્વારા તળાવો સાફ કરવા માંગ
ગોધરા શહેરની મધ્યમાં આવેલ રામસાગર, સીતાસાગર અને લક્ષ્મણસાગર તળાવમાં ભારે ગંદકી જોવા મળી રહી છે. સીતા સાગર તળાવની ફરતે લાખોના ખર્ચે વોક-વે બનાવવામાં આવ્યો હતો. આ ઉપરાંત પાલિકા દ્વારા તેની સફાઈ અંગે ધ્યાન આપવામાં ન આવતું હોવાના સ્થાનિકો દ્વારા આક્ષેપો કરાયા છે. આ ગંદકીના કારણે શહેરીજનોને ભારે હાલાકી ભોગવવી પડતી હોવાનું જણાવાયું છે. તેમજ શહેરની મધ્યમાં આવેલ તળાવોની જાળવણી કરવામાં ન આવતા મચ્છરોનો ઉપદ્રવ વધ્યો હોવાથી રોગચાળાની ભીતિ સર્જાઈ હોવાના આક્ષેપો સાથે સ્થાનિક લોકો દ્વારા તળાવો સાફ કરવાની માંગ કરવામાં આવી છે.
ગોધરા નગરપાલિકા શહેરની સુંદરતામાં વધારો કરતા તળાવોની ગરીમા સાચવવામાં નિષ્ફળ
શહેરની મધ્યમાં આવેલ રામસાગર સીતા સાગર અને લક્ષ્મણ સાગ તળાવ ગંદકીથી ખદબદી રહ્યા છે. તેમજ સફાઈ કરવામાં પાલિકા નિષ્ફળ નીવડી છે. સ્વચ્છ ગોધરા સુંદર ગોધરાની વાતો વચ્ચે ગોધરા રામસાગર તળાવના કિનારે ગંદકીના ઢગ જ્યારે સીતા સાગર અને લક્ષ્મણ સાગર તળાવમાં લાંબા સમયથી જંળકુભીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે.
સીતા સાગર તળાવની ફરતે લાખોના ખર્ચે વોક વે બનાવવામાં આવ્યો છે. ત્યારે તાજેતરમાં સુશાસન દિવસે ગોધરાના ધારાસભ્ય સી કે રાઉલજી દ્વારા વોક વેનું રી ઓપનિંગ કરવામાં આવ્યું છે. તેમ છતાં પાલિકા દ્વારા તેની સફાઈ અંગે ધ્યાન રાખવામાં આવતું નથી. જેથી વોક વે માટે આવતા શહેરીજનોને ગંદકીના કારણે હાલાકી ભોગવવી પડી રહી છે.
સફાઈની મોટી વાતો કરતી ગોધરા નગરપાલિકા જ સ્વચ્છતા જાળવવામાં નિષ્ફળ નીવડી છે
શહેરની મધ્યમાં આવેલ તળાવોની જાળવણી કરવામાં ન આવતા મચ્છરોનો ઉપદ્રવ વધ્યો છે અવારનવાર સ્થાનિક લોકો તેમજ જાગૃત નાગરિકો દ્વારા તળાવોની સફાઈની માંગ કરવામાં આવી છે પરંતુ પાલિકાના જવાબદાર સત્તાધીશો દ્વારા ધ્યાન આપવામાં આવતું નથી જેથી સ્થાનિક લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે
અહેવાલ : સબીર અલીઠા