ચોટીલાના પ્રૌઢ પર રાજકોટના શખ્સે ચાર રાઉન્ડ ફાયરિંગ કર્યુ

મારામારીના બે કેસમાં સાહેદ હોવાથી હત્યાના ઇરાદે ફોરચ્યુનરમાં આવેલા પાંચ શખ્સો હુમલો કરી ફરાર 

ચોટીલાના ઘાંચીવાડ વિસ્તારમાં રહેતા મુસ્લિમ પ્રૌઢ પર રાજકોટના શખ્સ સહિત પાંચ શખ્સોએ ચાર રાઉન્ડ ફાયરિંગ કરી હત્યાની કોશિષ કર્યા અંગેની પોલીસમાં ફરિયાદ નોંધાતા પોલીસે પાંચેય શખ્સો સામે ગુનો નોંધી શોધખોળ હાથધરી છે.

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ ચોટીલાના ઘાચીવાડ વિસ્તારમાં રહેતા મન્સુરભાઇ વલીભાઇ લોલાડીયા નામના 53 વર્ષના ઘાંચી પ્રૌઢે રાજકોટ બેડીપરા ચોકડી પાસે રહેતા અવેશ ગની ઘોણીયા, મોરલી અને ત્રણ અજાણ્યા શખ્સોએ પિસ્તોલમાંથી ચાર રાઉન્ડ ફાયરિંગ કરી ધારિયાથી ચોકીદાર ધારાભાઇ ભરવાડ માર મારી ભાગી ગયાની પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

રાજકોટના અવેશ ધોણીયાએ ગુલ્લુભાઇ પર એકાદ વર્ષ પહેલાં ફાયરિંગ કર્યુ હતુ ત્યારે અને ત્યાર બાદ મુસાભાઇ પર હુમલો કરી હાથ-પગ ભાંગી નાખ્યા હતા ત્યારે તેઓ કુટુંબી સગા થતા હોવાથી તેમની સાથે પોલીસમાં ફરિયાદ નોંધાવવા સાથે ગયા હોવાથી અવેશ ધોણીયાએ ચાર રાઉન્ડ ફાયરિંગ કરી હત્યાની કોશિષ કર્યાનું ફરિયાદમાં જણાવ્યું છે.

મન્સુરભાઇ ઘાંચી બાંધકામનો વ્યવસાય કરે છે તેઓનું મોટી વાડી ખાતે દુકાન અને ગેસ્ટ હાઉસનું કામ ચાલતું હોવાથી ત્યાં ચોકીદાર ઘારાભાઇ ભરવાડ સાથે બેઠા હતા ત્યારે અવેશ ધોણીયા નંબર પ્લેટ વિનાની સફેદ કલરની ફોર્ચ્યુનર કાર લઇને આવ્યા બાદ ખૂની હુમલો કરી ભાગી જતા પી.એસ.આઇ. એમ.કે.ગોસાઇ સહિતના સ્ટાફે પાંચેય સામે હત્યાની કોશિષનો ગુનો નોંધી શોધખોળ હાથધરી છે.