- સમાન સિવિલ કોડ સમિતિએ લીધી નાગરિકો ઉપરાંત મુખ્યમંત્રીની મુલાકાત
સમાન સિવિલ કોડની અમલવારી માટે રચાયેલી સમિતિ દ્વારા રાજ્યના વિવિધ જિલ્લાઓની મુલાકાત લઈ પ્રતિભાવો મેળવવામાં આવી રહ્યા છે. જેના ભાગરૂપે ગાંધીનગર ખાતે સમાન સિવિલ કોડ સમિતિની ગાંધીનગર જિલ્લા વહીવટી તંત્ર સાથે બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં સમિતિના અધ્યક્ષ ન્યાયમૂર્તિ રંજના દેસાઈએ જણાવ્યું હતું કે, રાજ્યમાં સમાન સિવિલ કોડના અમલીકરણ પહેલા નાગરિકોના અભિપ્રાયો જાણવા ખુબ જ જરૂરી છે. સમાનતા, મહિલાઓ અને બાળકોને ધ્યાનમાં રાખીને યુસીસીનો મુસદ્દો તૈયાર કરાશે. નાગરિકોના અભિપ્રાયોના અભ્યાસ બાદ સમિતિ બને એટલી ત્વરાએ સરકાર સમક્ષ અહેવાલ રજૂ કરશે. આ બેઠકમાં જિલ્લા વહીવટી તંત્ર સહીત ગાંધીનગરવાસીઓએ લગ્ન, છૂટાછેડા, ભરણપોષણ, મિલકતના અધિકારો, ધર્મ આધારિત કૌટુંબિક કાયદાઓ, લીવ–ઈન રિલેશનશિપમાં મહિલાઓના અધિકારો, નાણાકીય સહાય તેમજ વારસાના અધિકારોનું રક્ષણ જેવા વિષયો પર યુસીસી સમિતિ સમક્ષ પોતાના વિચારો રજૂ કર્યા હતાં.
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની સૌજન્ય શુભેચ્છા મુલાકાત રાજ્યમાં કોમન સિવિલ કોડની આવશ્યકતા ચકાસવા અને કાયદાનો મુસ્સદો તૈયાર કરવા રચવામાં આવેલી કમિટીના અધ્યક્ષ અને સભ્યોએ ગાંધીનગરમાં લીધી હતી.
કમિટીના અધ્યક્ષ અને સુપ્રીમ કોર્ટેના નિવૃત ન્યાયાધીશ શ્રીમતી રંજના દેસાઈ અને સભ્યો નિવૃત્ત વરિષ્ઠ આઈ.એ.એસ સી.એલ.મીના, એડવોકેટ આર.સી.કોડેકર તેમજ ભૂતપૂર્વ વાઇસ ચાન્સેલર દક્ષેશ ઠાકર અને સામાજિક કાર્યકર ગીતા બહેન શ્રોફ મુખ્યમંત્રીને મળ્યા હતા. રાજ્ય સરકારે આ કમિટી ની રચના કર્યા બાદ પ્રથમ વાર કમિટીના અધ્યક્ષ અને સભ્યોએ મુખ્યમંત્રી સાથે મુલાકાત કરી હતી.
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ દેશના તમામ નાગરિકોને સમાન હક માટે સમાન નાગરિક ધારો–યુનિફોર્મ સિવિલ કોડનો દેશવ્યાપી અમલ કરવાનો નિર્ણય કરેલો છે.
આ હેતુસર, રાજ્ય સરકારે યુ.સી.સી.ની આવશ્યકતા ચકાસવા, કાયદા માટે મુસદ્ો તૈયાર કરવા માટે આ સમિતિની રચના કરી છે.