Abtak Media Google News

નાનકડા ગામમાં 39 જેટલા પ્રાચિન, અર્વાચિન મંદિરોના કારણે ગ્રામજનોએ કર્યો નિર્ણંય

સામાન્ય રીતે ગામડાઓમાં રામજી મંદિર, હનુમાનજી મંદિર અને શિવમંદિર હોય જ છે પણ અમરેલી તાલુકાનું દેવળિયા ગામ એવું છે જ્યાં અતિ પ્રાચીન મંદિરોથી માંડીને 39 મંદિરો આવેલા છે. જેથી આ ગામના નામની આગળ દેવભૂમિ જોડવા માટે પંચાયત દ્વારા ઠરાવ કરાયો છે. જેથી હવે દેવળિયા દેવભૂમિ દેવળિયા બનશે.

20220703 160343

અમરેલી તાલુકામાં એક એવું ગામ છે જ્યાં એક, બે નહીં પણ કુલ 39 મંદિરો આવેલા છે. આમાંથી કેટલાક મંદિરો 100 વર્ષ કરતા પણવધારે વર્ષ જૂના છે અને અમુક નવા મંદિરો છે તો વાવની અંદર આવેલું શિવમંદિર 500 કરતા પણ વધારે વર્ષ જૂનું હોવાની શક્યતા છે. આ વાવ ક્યારે અને કોણે બંધાવી હતી તે ગામના 100 વર્ષના બુઝુર્ગોને પણ ખબર નથી.

તાજેતરમાં જ આ સ્થળ મળી આવ્યા બાદ ગ્રામજનો દ્વારા ગામમાં આવેલા મંદિરોના નામની યાદી તૈયાર કરવામાં આવી હતી જે સંખ્યા 39ની થાય છે. અમુક મંદિરો ઐતિહાસિક રીતે પણ ઘણું જ મહત્વ ધરાવે છે. આથી દેવળિયા ગામને દેવભૂમિ તરીકેની ઓળખ આપવા માટે ગ્રામજનોની

માગણી હતી જેથી તાજેતરમાં ગ્રામ પંચાયતની ગ્રામસભા મળતા તેમાં સામૂહિક રીતે ચર્ચા કરીને આ ગામનું નામ બદલીને દેવળિયામાંથી દેવભૂમિ દેવળિયા રાખવા માટે ઠરાવ કરવામાં આવ્યો છે અને ગામનું નામ બદલવા માટે ગ્રામ પંચાયત દ્વારા વિધિવત રીતે દરખાસ્ત તૈયાર કરીને પણ મોકલવામાં આવી છે.

આ અંગે આગામી દિવસોમાં સરકાર દ્વારા નોટિફિકેશન જાહેર થયા બાદ નામ બદલાઈ જશે. આમ દળિયા ગામનું નામ ટૂંક સમયમાં દેવભૂમિ દેવળિયા કરવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.