સત્તા સામે આસ્થાનો વટભેર વિજય

કરોડો લોકોની અડીખમ આસ્થાનો આજે હઠ્ઠાગ્રહી સત્તા સામે વટભેર વિજય થયો છે. શક્તિપીઠ એવા અંબાજી મંદીરમાં છેલ્લા 900 વર્ષથી ભાવિકોને પ્રસાદમાં ચોખ્ખા ઘીનો મોહનથાળ આપવામાં આવી રહ્યો છે. ભાવિકોને ગળે ન ઉતરે તેવા બહાનાઓ આપી મંદીર, ટ્રસ્ટ અને રાજ્ય સરકાર દ્વારા મોહનથાળનો પ્રસાદ બંધ કરી ચિકીનો પ્રસાદ આપવાનું શરૂ કરવામાં આવ્યું હતું. જેની સામે છેલ્લા 10 દિવસથી રાજ્યભરમાં માઇભક્તોમાં ભારોભાર રોષ ફાટી નીકળ્યો હતો.

વિશ્વ હિન્દુ પરિષદે સરકાર સામે બાંયો ચડાવી હતી અને રાજ્યવ્યાપી આંદોલન આરંભી દીધું હતું. કોઇ કાળે મોહનથાળનો પ્રસાદ ફરી શરૂ નહિ કરવામાં આવે તેવો સત્તાધીશોનો નશો ભાવિકોની આસ્થાએ એક ઝાટકે ઉતારી નાંખ્યો છે. અંતે આજે બપોરે રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે એવી સત્તાવાર ઘોષણા કરવી પડી હતી કે અંબાજી મંદીરે મોહનથાળનો પ્રસાદ ચાલુ જ રહેશે. જેને બંધ કરવામાં આવશે નહિં. છેલ્લા 900 વર્ષથી ર્માં અંબાને મોહનથાળ ધરાવવામાં આવે છે.

તેલનો નિષેધ છે. છતાં સરકાર અને મંદીર ટ્રસ્ટની મિલીભગતના કારણે મોહનથાળનો પ્રસાદ બંધ કરી દેવામાં આવ્યો હતો અને કોઇને મનમાં ન ઉતરે તેવા બહાનાઓ આપવામાં આવી રહ્યા હતાં. પરંતુ કરોડો માઇભક્તો કોઇપણ કાળે મોહનથાળનો પ્રસાદ શરૂ કરાવવાની પોતાની વાત પર અડીખમ રહેતા હતાં. અંતે આજે સરકારે ઝુકવું પડ્યું હતું અને એવી ઘોષણા કરવી પડી હતી કે અંબાજી મંદીરે મોહનથાળનો  પ્રસાદ ચાલુ રાખવામાં આવશે. આસ્થા સામે આજે સત્તાનો પરાજય થયો છે. રાજશક્તિ કરતા ભક્તોની આસ્થાનો વિજય થયો છે.

અંબાજી મંદીર ખાતે મોહનથાળનો પ્રસાદ ફરી શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવતા ભાવિકોમાં હર્ષની લાગણી વ્યાપી જવા પામી છે.