Abtak Media Google News

જિલ્લા કલેકટર મકવાણાએ સમય મર્યાદામાં ડ્રોનથી માપણીની કામગીરી પૂર્ણ કરવા સૂચના અપાઈ

અમરેલી જિલ્લાના તમામ ગામડાઓમાં સ્વામિત્વ યોજના અન્વયે ડ્રોનથી માપણીની કામગીરી સમયમર્યાદામાં પૂર્ણ કરવા માટે જિલ્લાકક્ષાની સમીક્ષા બેઠક, જિલ્લા કલેક્ટરશ્રી ગૌરાંગ મકવાણાના અધ્યક્ષસ્થાને  યોજાઈ હતી. ઉલ્લેખનીય છે કે, અત્યાર સુધીમાં સમગ્ર ગુજરાતમાં કુલ 20 જિલ્લાના 877 ગામોમાં ડ્રોનથી માપણીની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે અને નકશાઓ પણ તૈયાર થઈ ચૂક્યા છે.

પંચાયત રાજ્ય મંત્રાલય, ભારત સરકાર દ્વારા સ્વામિત્વ યોજના અન્વયે ડ્રોનથી માપણીની કામગીરી સમયમર્યાદામાં પૂર્ણ કરવા માટે સૂચના આપવામાં આવી છે. ’સ્વામિત્વ’ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય મિલકતોની માપણી કરીને ડિજિટલ નકશા તૈયાર કરવાનો છે અને પ્રોપર્ટીધારકને પ્રોપર્ટી કાર્ડ આપવાનો છે. અમરેલી જિલ્લામાં ’સ્વામિત્વ’ યોજના અન્વયે અનેક ગામોમાં ડ્રોનથી માપણીની કામગીરી બાકી હોવાથી જિલ્લા કલેક્ટર  ગૌરાંગ મકવાણાએ માપણીની કામગીરી સમયમર્યાદામાં પૂર્ણ કરવા માટે સંબંધિત દરેક અધિકારીને સૂચના આપી છે.

હાલમાં ચોમાસુ ચાલતું હોવાથી ઉપરાંત ખેડૂતોને વાવણીની સીઝન હોવાથી ડ્રોનથી માપણીની કામગીરીમાં અવરોધો ઉભા થઈ રહ્યા છે. આથી, જિલ્લા કલેક્ટરશ્રી મકવાણા દ્વારા જિલ્લામાં આગામી ફેઝ-2 માટે ડ્રોનથી માપણીની કામગીરી આગામી તા.1 નવેમ્બર, 2022થી શરુ કરવા માટે સૂચના આપવામાં આવી છે વધુમાં તે કામગીરી નિયત સમયમર્યાદામાં  પૂર્ણ થાય તે જોવા પણ તેમણે જણાવ્યું છે.

આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી  દિનેશ ગુરવ,  નિવાસી અધિક કલેક્ટર રવિન્દ્રસિંહ વાળા અને સંબંધિત અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત જિલ્લાના  મામલતદારશ્રીઓ, તાલુકા વિકાસ અધિકારીઓ વર્ચુઅલી  જોડાયા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.