Abtak Media Google News

માનવતા મહેંકી…!!!

રીક્ષા ચાલકની સુઝબુઝના કારણે તેને ફુલ આપી સન્માનિત કરાયા

૨૧મી સદીમાં ઘણી ખરી વખત એ વાતની સ્પષ્ટતા થતી હોય છે હાલના સમયમાં માનવતા જોવા મળતી નથી પરંતુ કોટા રાજસ્થાનમાં એક એવી ઘટના ઘટી જેમાં જાણે માનવતા મહેંકી ઉઠી હોય તેવું લાગ્યું હતું. કોટા ખાતે રહેનાર સુનિલ મહેવાર અને તેમના ધર્મપત્ની પુજા મહેવાર કે જેઓ પ્રેગનેંટ હોવાથી તેઓની પ્રસુતિનો સમય નજીક આવી ગયો હતો. આ સમયે સુનિલ મહેવારે રીક્ષા રાખી તેમના ધર્મપત્નીને હોસ્પિટલ પહોંચાડવા માટેની કવાયત હાથધરી હતી પરંતુ અધવચ્ચે જ સુનિલ મહેવારની તબિયત લથડતા તેઓ બેભાન થઈ ગયા હતા જયાં બીજી તરફ તેમના પત્નીને લેબર પેઈનમાં પણ અત્યંત વધારો થયો હતો. આ તકે રીક્ષા ચાલકે સમય સુચકતાને ધ્યાને લઈ રીક્ષાને રોડ પર ઉભી રાખી આજુબાજુની મહિલાઓની મદદથી ગર્ભવતી મહિલાની પ્રસુતિ કરાવી હતી.  આ માનવતાભર્યા કામ બદલ રીક્ષાચાલક ઈબ્રાહીમને સુનિલ મહેવાર દ્વારા ફુલહાર આપી તેમનું સન્માન કરવામાં આવ્યું હતું અને રીક્ષા ચાલકનો આભાર પણ માનવામાં આવ્યો હતો. આ તકે સુનિલ મહેવારે માહિતી આપતા જણાવ્યું હતું કે, તેઓ રીક્ષાચાલક ઈબ્રાહીમનો આભાર માને છે કે જેને સમય સુચકતાને જોઈ તેમની પ્રસુતિ કરાવી અને તેઓએ જણાવ્યું હતું કે, હાલ તેમના પત્ની અને તેમનું નવજાત બાળકનું સ્વાસ્થ્ય સારું છે. તેઓએ જણાવ્યું હતું કે, તેઓ જયારે તેમના પત્નિ સાથે રીક્ષામાં હોસ્પિટલ જઈ રહ્યા હતા ત્યારે અચાનક તેમની તબિયત બગડતા તેઓ બેભાન થયા હતા ત્યારબાદ શું થયું ? તે વાતની કોઈ જ ખબર ન હોવાથી જયારે તેઓએ તેમના જન્મેલ બાળકીનું મોઢુ જોયું ત્યારે એ વાત સ્પષ્ટ થઈ છે કે હજુ પણ માનવતા દેશમાં રહેલી છે.

ઓટો રીક્ષા યુનિયન દ્વારા જન્મેલ બાળકી માટે ૫૧૦૦ રૂપિયાની ફિકસ ડિપોઝીટ કરવાનો નિર્ણય લીધો

રીક્ષાચાલક ઈબ્રાહીમ દ્વારા કરવામાં આવેલી સેવા અને માનવતાને ધ્યાને લઈ ઓટો રીક્ષા યુનિયનનાં પ્રમુખ અનિશ રાઈન અને સેક્રેટરી ભુપેન્દ્ર સકસેનાએ જન્મેલ બાળકી માટે ૫૧૦૦ રૂપિયાની ફિકસ ડિપોઝીટ કરવાનો નિર્ણય લીધો છે. રીક્ષાચાલક ઈબ્રાહીમ દ્વારા જે કાર્ય કરવામાં આવ્યું છે તેનાથી માનવતાવાદનું સ્તર ખુબ જ ઉંચુ આવી ગયું છે. ૨૧મી સદીમાં જયાં માનવતા ખુબ જ જુજ જોવા મળે છે ત્યારે કોટા રાજસ્થાન ખાતે રીક્ષાચાલક દ્વારા જે કાર્ય કરવામાં આવ્યું તેને સર્વે લોકોએ બિરદાવ્યું છે અને મિશાલ પણ પ્રસ્થાપિત કરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.