- ટ્રાફિક પોલીસ અને આરટીઓની સંયુક્ત કાર્યવાહી
- દસ દિવસમાં 350 બુલેટ ડિટેઇન કર્યા બાદ નિયમ વિરુદ્ધના મોડિફાઇડ સાયલન્સરનો કચ્ચરઘાણ
સામાન્ય રીતે પોલીસે પકડેલા દારૂના જથ્થા પર રોડ રોલર ફેરવી દારૂનો નાશ કરવામાં આવતો હોય છે પણ રાજકોટ ટ્રાફિક પોલીસ અને આરટીઓ દ્વારા એક નવતર પ્રયોગ હાથ ધરીને કાન ફાડી નાખે તેવો દેકારો કરતા બુલેટના સાયલેન્સર પર રોડ રોલર ફેરવી નાશ કરવામાં આવ્યો હતો. પોલીસે દસ દિવસમાં ડિટેઇન કરેલા 350 બુલેટના સાયલેન્સર વિરુદ્ધ કાર્યવાહી કરી કચ્ચરઘાણ કાઢી નાખવામાં આવ્યો હતો.
પ્રાપ્ત વિગત અનુસાર શહેરમાં અમુક લોકો બુલેટ વાહનમાં મોડીફાઈડ સાયલેન્સર ફિટ કરાવતા હોય છે જે નિયમ વિરુદ્ધ છે અને આ સાયલેન્સરમાંથી કાન ફાડી નાખે તેવો અવાજ નીકળતો હોય છે ઉપરાંત આવારા તત્વો તો આ સાયલેન્સરની મદદથી ફટાકિયા પણ ફોડતા હોય છે ત્યારે ટ્રાફિક પોલીસે આવા તત્વો વિરુદ્ધ લાલ આંખ કરી ઝુંબેશ હાથ ધરી હતી. જેનાભાગરૂપે ફક્ત 10 દિવસમાં 350 બુલેટ ડિટેઇન કરી આરટીઓનો મેમો આપવામાં આવ્યો હતો.
મામલામાં ટ્રાફિક ડીસીપી પૂજા યાદવએ જણાવ્યું હતું કે, પોલીસ કમિશનર બ્રજેશ ઝા, જોઈન્ટ પોલીસ કમિશનર મહેન્દ્ર બગડિયાની સૂચના મુજબ રાજકોટમાં માર્ગ સલામતી માસની ઉજવણી દરમિયાન છેલ્લા 10 દિવસથી ખાસ વાયુ પ્રદુષણ ફેલાવતા મોડીફાઈડ સાયલેન્સર વાળા વાહનો સામે સ્પેશિયલ ડ્રાઇવ હાથ ધરી હતી. પોલીએ દ્વારા આવા બુલેટ તેમજ બાઈક ડિટેઇન કરી મેમો આપી તેમના મોડીફાઈડ સાયલેન્સર નિકાળી દેવામાં આવ્યા છે. 10 દિવસમાં 350 જેટલા મોડીફાઈડ સાયલેન્સર મળી આવતા આરટીઓ અને શોરૂમના સર્ટીફિકેટ મેળવી કોર્ટના ઓર્ડર સાથે આજરોજ પોલીસ દ્વારા આ તમામ મોડીફાઈડ સાયલેન્સર ઉપર રોડ રોલર ફેરવી તેનો નાશ કરવામાં આવ્યો છે.
ઝુંબેશ સતત ચાલુ રાખવામાં આવશે : ડીસીપી પૂજા યાદવ
ડીસીપી યાદવના જણાવ્યા અનુસાર રાજકોટમાં 10 દિવસમાં કરેલી આ ડ્રાઇવ આગળ પણ ચાલુ રહેશે અને જે કાર્યવાહી કરવામાં આવી છે તે આખા દેશમાં થઇ રહી છે. મોટર વેહિકલ એક્ટ 52 અને 190 મુજબ મોડીફાઈડ સાયલેન્સર ઉપયોગ કરી શકાય નહિ તેવો સ્પષ્ટ ઉલ્લેખ છે, જે અંતર્ગત રાજકોટ પોલીસ દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી છે. પોલીસ દ્વારા વાહન ડિટેઇન કરી બાદમાં મોડીફાઈડ સાયલેન્સર અંગે સર્ટિફિકેટ મેળવી બાદમાં તેને નીકાળી તેનો નાશ કરવામાં આવી રહ્યો છે. લોકોને પણ આવા ઇનલિગલ મોડીફાઈડ સાયલેન્સર ઉપયોગ ન કરે પોલીસનો મોટીવ નિયમનું પાલન થાય તે અને વાયુ પ્રદુષણ અટકાવવાનો છે, દંડ લેવાનો નથી. પોલીસ વાહન ડિટેઇન કરી રહી છે અને દંડ આરટીઓ વસુલ કરી રહી છે.
શો રૂમમાં મોડીફાઈડ સાયલેન્સરનું ફિટિંગ કે વેચાણ થતું હશે તો ટીસી સસ્પેન્ડ કરાશે : આરટીઓ કે.એમ.ખપેડ
આરટીઓ કેતન ખપેડએ જણાવ્યું હતું કે, રાજકોટ ટ્રાફિક પોલીસ દ્વારા મોડીફાઈડ સાયલેન્સર વિરુદ્ધ ડ્રાઇવ કરી વાહન ડિટેઇન કરવામાં આવ્યા છે. છેલ્લા 10 દિવસમાં આવા 350થી વધુ વાહન ડિટેઇન કરવામાં આવતા આરટીઓ દ્વારા આવા વાહનચાલકો પાસેથી નિયમ ભંગ કરવા બદલ લાખો રૂપિયાનો દંડ વસુલ કરવામાં આવ્યો છે. જો કોઈ શો રૂમની અંદર મોડીફાઈડ સાયલેન્સર, ફિટિંગ કે વેચાણ થતું હોય તો તેમના વિરુદ્ધ આરટીઓ કાર્યવાહી કરી તેમનું ટીસી સસ્પેન્ડ કરી શકે છે. ઉલ્લેખનીય છે કે, કેટલીક જગ્યાએ શો-રૂમની અંદર આ પ્રકારે મોડીફાઈડ સાયલેન્સર ફિટ કરવામાં આવતા હોવાની ફરિયાદ છે, જેની સામે આરટીઓ દ્વારા ચેકિંગ કરવું જરૂરી બન્યું છે.
350 બુલેટચાલકો પાસેથી રૂ.17.50 લાખથી વધુનો દંડ વસુલાયો
આ મામલે આરટીઓ તંત્રમાંથી મળતી માહિતી અનુસાર મોડીફાયડ સાયલેન્સર ફિટ કરવાના ગુનામાં મિનિમમ 5000 રૂપિયાના દંડની જોગવાઈ છે. જેથી 350 બુલેટ ચાલકો પાસેથી રૂ.17.50 લાખનો દંડ વસુલવામાં આવ્યો છે. ઉપરાંત અલગ નિયમોના ઉલ્લંઘન બદલ વધારાનો પણ દંડ ફટકારવામાં આવ્યો હતો.