પાટડી નજીક વેપારીના આંખમાં મરચુ નાખી રૂ.85 હજારની લુંટ

બાઇકમાં આવેલા બે શખ્સોએ લુંટને અંજામ આપ્યો: સીસીટીવી ફૂટેજ આધારે તપાસ

પાટડી-બામણવા રોડ પર ગુરુવારે રાત્રે વેપારીની આંખમાં મરચાંની ભૂકી નાખી રૂ. 85,000ના મુદ્દામાલની લૂંટની થઈ હતી. બાઇક પર આવેલા 2 અજાણ્યા શખ્સે બાઇક પર પાટડીથી બામણવા જતા વેપારીની આંખમાં મરચું નાખી છરીથી હુમલો કરીને રોકડ રકમ અને મોબાઇલની લૂંટ કરી હતી. આ અંગે પાટડી પોલીસ મથકે લૂંટ અંગેની ફરિયાદ નોંધાઈ છે.

પાટડી તાલુકાના બામણવા ગામના હરદિપસિંહ ઇન્દુભા વાઘેલા (દરબાર) પાટડી જીન રોડ પર આશીર્વાદ હોટલ પાસે ચાની હોટલ ચલાવે છે. ગુરૂવારે રાત્રે દુકાનથી તેઓ રોકડા, ચેકબુક, આધાર કાર્ડ, પાનકાર્ડ, ચૂંટણી કાર્ડ અને ડ્રાઇવિંગ લાયસન્સ સહિતના ડોક્યુમેન્ટ સાથેનો થેલો લઈને બાઇક પર પાટડીથી બામણવા ઘેર જઇ રહ્યા હતા ત્યારે બામણવા પાસે વિષ્ણુભાઈ ગોરધનભાઈ ઠાકોરના ખેતર પાસે બાઇક પર આવેલા 2 અજાણ્યા શખ્સે હરદિપસિંહ વાઘેલાનું બાઇક આંતરીને એમની આંખમાં મરચાંની ભૂકી છાંટી હતી.

બાદમાં આ બંને અજાણ્યા શખ્સો રાત્રીના અંધારાનો લાભ લઇ રૂ. 80,000 રોકડા અને રૂ.5,000ની કિંમતનો એન્ડ્રોઇડ મોબાઇલ મળી કુલ રૂ. 85,000ના મુદ્દામાલ અને ચેકબુક સહિતના ડોક્યુમેન્ટ સાથેનો થેલાની લૂંટ કરીને બાઇક પર ફરાર થઈ ગયા હતા.આ બનાવ અંગે હરદિપસિંહે 40થી 45 વર્ષની ઉંમરના બાઇકસવાર અને 25થી 30 વર્ષની ઉંમરના અન્ય લૂંટારા વિરુદ્ધ પાટડી પોલિસ મથકે ફરિયાદ નોંધાવતાં પાટડી પોલિસે લૂંટ અંગેનો ગુનો દાખલ કરી વિવિધ વિસ્તારના સીસીટીવી ફૂટેજના આધારે બંને લૂંટારાને ઝબ્બે કરવાનાં ચક્રો ગતિમાન કર્યાં છે.