કાળજુ કંપાવી નાખે તેવી ઘટના…..સગા ભાઈએ પોતાની બહેન અને માતા પર ચપ્પુના ઘા માર્યા

રાજ્યમાં હાલ ગુનાની અનેક ઘટનાઓ સામે આવી રહી છે. કાળજુ કંપાવી નાખે તેવી વડોદરાની ઘટના સામે આવી છે. વડોદરાના ખટંબામાં એક ભાઇએ સગી બહેન અને માતા પર ચપ્પુના ઘા માર્યા હતા. જેનો વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે. આ અંગે પુત્રની માતાએ જ તેની વિરુદ્ધ વરણામા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. આધારભૂત સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે, બહેન અને માતા એટલી હદે ગભરાઇ ગયા છે કે, તેઓ પોતાનું ઘર છોડીને દમણ જતા રહ્યાં છે. હાલ ઇજાગ્રસ્ત બહેનની દમણની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.

વડોદરાના ખટંબામાં ઘરમાં આર્થિક સંકડામણને કારણે ફોરેન્સિક સાયન્સનો અભ્યાસ કરનાર યુવકે પોતાની માતા અને બહેન પર ચપ્પુ વડે હુમલો કરી અસંખ્ય ઘા મારી દીધા હતા. ક્રિષ્ના દર્શન વિલામાં રહેતા 48 વર્ષીય શૈની એલેક્સ અબ્રાહમ મલઇકને સંતાનમાં બેન નામનો 24 વર્ષીય દીકરો અને તેનાથી નાની બેટ્ટી નામની 21 વર્ષીય દીકરી છે. મહિલાનો દીકરો બેન ખાનગી યુનિવર્સિટીમાં ફોરેન્સિક સાયન્સમાં બીજા વર્ષમાં અભ્યાસ કરે છે, જ્યારે દીકરી બેટ્ટી ખાનગી યુનિવર્સિટીમાં બી.ફાર્મમાં બીજા વર્ષમાં અભ્યાસ કરે છે. મહિલાના પતિ થર્ડ આય પ્રોટેક્શન નામની ફર્મમાં પેકેજિંગ મટીરિયલ સપ્લાયનો ધંધો કરે છે.

યુવકે શાકભાજીના ચપ્પુ વડે બહેનના પેટ અને પગના ભાગે 14થી 15 મિમી ઊંડા ઘા માર્યા હતા. સામાન્ય સંજોગોમાં પોલીસ આ પ્રકારની ઘટનામાં હત્યાની કોશિશનો ગુનો દાખલ કરતી હોય છે. જોકે, આ કેસમાં આઈપીસી 323 અને 326 એટલે કે હથિયાર વડે ઈજા પહોંચાડવી કે મારામારી કરવીનો ગુનો દાખલ થયો છે.