- એક ફોન, એક આશા, એક નવી શરૂઆત
- ડ્રગ્સના કાળા કારોબાર અંગે 1933 ટોલ ફ્રી નંબર પર માહિતી આપો: ઓળખ ગુપ્ત રાખી પ્રોત્સાહક ઇનામ અપાશે
ભારત યુવાઓનો દેશ છે અને આ બાબત જ આપણી સૌથી મોટી તાકાત છે પરંતુ અમુક તત્વો દેશના ભાવી સમાન યુવાનોને નશાના કાળા અંધારામાં ધકેલવા રઘવાયા થયાં હોય તેમ ડ્રગ્સનું વેચાણ કરવામાં આવતું હોય તેવા અહેવાલો છાસવારે સામે આવતા રહેતા હોય છે ત્યારે ગુજરાત પોલીસે નશાના કાળા કારોબાર સામે કાયદેસરનો જંગ છેડ્યો છે. ગુજરાત પોલીસ દ્વારા વધુ એકવાર પ્રજાજનોને અપીલ કરવામાં આવી છે કે, આપની આસપાસ ક્યાંય પણ ડ્રગ્સનું વેચાણ થતું હોય તો તાત્કાલિક માનસ નેશનલ નાર્કોટિક્સ ટોલ ફ્રી નંબર 1933 પર જાણ કરવી જેથી ડ્રગ્સના વેચાણને અટકાવી શકાય. ઉલ્લેખનીય છે કે, ડ્રગ્સ વેચાણ અંગેની માહિતી આપનારની ઓળખ તદ્દન ગુપ્ત રાખવામાં આવશે તેમજ પ્રોત્સાહક ઇનામ પણ આપવામાં આવશે તેવી જાહેરાત ગુજરાત પોલીસ દ્વારા સત્તાવાર રીતે કરવામાં આવી છે.
પ્રાપ્ત વિગત અનુસાર રાજ્ય પોલીસ વડા વિકાસ સહાયના માર્ગદર્શન હેઠળ ગુજરાત પોલીસ દ્વારા એક વિડીયો જાહેર કરવામાં આવ્યો છે. જે વિડીયો મારફતે પ્રજાજનોને અપીલ કરતા પોલીસે જણાવ્યું છે કે, યુવા પેઢીને નશાના કાળા અંધારામાં ધકેલી વિચલિત કરવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. ત્યારે ડ્રગ્સના કાળા કારોબાર સામે લડી લેવાના રાજ્ય સરકારના મક્કમ નિર્ધાર હેઠળ ગુજરાત પોલીસ પણ આ બાબતે કટીબદ્ધ છે. વધુમાં વીડિયોમાં જણાવવામાં આવ્યું છે કે, આ દ્રઢ સંકલ્પની પૂર્તતા પ્રજાના સહયોગ વિના શક્ય બની શકે નહિ ત્યારે પ્રજાજનોને જવાબદાર નાગરિક તરીકે ફરજ બજાવવા અપીલ કરવામાં આવી રહી છે.
વીડિયોમાં પ્રજાજનોને અપીલ કરતા જણાવવામાં આવ્યું છે કે, આપની આસપાસ ક્યાંય પણ ડ્રગ્સનું ખરીદ–વેચાણ થતું હોય તો પેડલર, સપ્લાયર કે પછી વેચાણ સ્થળની માહિતી તાત્કાલિક રાષ્ટ્રીય માનસ નાર્કોટિક્સ ટોલ ફ્રી નંબર 1933 અથવા માનસ પોર્ટલ પર આ અંગેની વિગતો આપવી. જેથી પોલીસ માહિતીની ખરાઈ કરી તાત્કાલિક દરોડો પાડી જવાબદારો સામે દાખલારૂપ કાર્યવાહી કરવામાં આવશે. વધુમાં પોલીસે જણાવ્યુ હતું કે, માહિતી આપનારની ઓળખ ગુપ્ત રાખવામાં આવશે ઉપરાંત સચોટ માહિતી આપનારને રાજ્ય સરકાર તરફથી પ્રોત્સાહક ઇનામ પણ આપવામાં આવશે.
52 લાખ લોકોએ ડ્રગ્સ સામે લડવા શપથ લીધા
ડ્રગ્સ સામે લડવા કેન્દ્ર સરકાર દ્વારા એક દેશ વ્યાપી અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. જે અભિયાનને પગલે પ્રજાજનો ઓનલાઇન આ અભિયાનના સહભાગી બની ડ્રગ્સ સામે લડવા શપથ લઇ શકે છે. લોકો મિનિસ્ટ્રી ઓફ હોમ અફેર્સની ઓફિશિયલ વેબસાઈટ પર જઈ ’ખઢ ૠઘટ જઇંઅઙઅઝઇં’ ઓપશન પર ક્લિક કરીને શપથ લઇ શકે છે. હાલ સુધીમાં 52,07,671 લોકોએ પોર્ટલ ઓર શપથ લીધાનું સામે આવ્યું છે. જેમાં 10-20 વર્ષના 18.4%, 20-45 વર્ષના 78.9 % અને 45-60 વર્ષના 2.7% લોકો અભિયાનમાં સહભાગી બન્યા છે. વધુમાં આ અભિયાનમાં 52 લાખ લોકો પૈકી 57.3% પુરુષો અને 42.5% મહિલાઓએ શપથ લીધા છે.