Abtak Media Google News

CP રાજુ ભાર્ગવના અધ્યક્ષસ્થાને રાજકોટ રોડ સેફ્ટી કાઉન્સિલની બેઠક યોજાઈ: શહેરમાં 11 ઉપરાંત બાકીના 14 ટ્રાફિક સિગ્નલ ટૂંક સમયમાં ઓટોમેટેડ કરવામાં આવશે

રાજકોટ શહેર પોલીસ કમિશનર રાજુ ભાર્ગવની અધ્યક્ષતામાં રોડ સેફટી કાઉન્સિલની બેઠક યોજાઈ હતી. પોલીસ કમિશનરે રાજકોટમાં ટ્રાફિક સમસ્યા અને પાર્કિંગના પ્રશ્નોના નિરાકરણ માટે મહાનગર પાલિકા સાથે સંકલન સાધી ખાસ રોડ મેપ તૈયાર કરવા અધિકારીઓને સૂચના આપી હતી.

પોલીસ કમિશનર ભાર્ગવે ટ્રાફિક નિયમન માટે ભવિષ્યને ધ્યાનમાં લઈને રોડ એન્જિનિયરિંગ કરવા પર ખાસ ભાર મુક્યો હતો. આગામી વર્ષોમાં વાહનોની સંખ્યા અને વધારા મુજબ રોડની પહોળાઈ અને રોડ વચ્ચેના સર્કલની ડિઝાઇન તૈયાર કરવા મહાનગરપાલિકાના અધિકારીઓને સૂચન કર્યું હતું.

આ બેઠકમાં રાજકોટ શહેર આસપાસના ગોંડલ રોડ ચોકડી, ગ્રીનલેન્ડ ચોકડી, માર્કેટિંગ યાર્ડ, ત્રંબા, સરધાર, બેડી નાકા, માંડાડુંગર સહિતના બ્લેક સ્પોટ ઝોન પર અકસ્માત નિવારણ માટે વિવિધ વિભાગ દ્વારા લેવાયેલા પગલાંઓની સમીક્ષા કરવામાં આવી હતી.  અત્રે ઉલ્લેખનીય છે કે,  બ્લેક સ્પોટ વિસ્તારમાં રાજકોટ મહાનગરપાલિકા, માર્ગ અને મકાન વિભાગ તેમજ નેશનલ હાઇવે ઓથોરિટી દ્વારા નિર્મિત પુલ તેમજ રોડની કામગીરીના સ્થળે રોડ સેફટી સંબંધિત સાઈન બોર્ડ તેમજ ડાયવર્ઝન સૂચના સંબંધી કરવામાં આવેલી કામગીરીની માહિતી અધિકારીઓએ પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન દ્વારા રજૂ કરી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, વર્ષ 2019ની સાપેક્ષ ગંભીર અકસ્માતોનું પ્રમાણ વર્ષ 2021-22માં  ઘટવા પામ્યું છે.આ તકે મહાનગરપાલિકા દ્વારા શહેરના ટ્રાફિક સિગ્નલ વાહનોની સંખ્યાને આધારે ઓપરેટ થાય તે માટે તબક્કાવાર તેમને ઓટોમાઇઝેશન કરવાની કામગીરી વેગવંતી બની હોવાનું અધિકારીશ્રી દ્વારા જણાવાયું હતું. હાલ 30 સિગ્નલો પૈકી 11 સિગ્નલો ફૂલી ઓટોમેટિક થઈ ચુક્યા છે તેમજ બાકીના 14 જેટલા સિગ્નલ આગામી થોડા દિવસોમાં પૂર્ણ થઈ જશે.  રાજકોટ શહેરમાં ટ્રાફિક સમસ્યા હળવી કરવા, મહાનગરપાલિકા હસ્તકના ખુલ્લા પ્લોટમાં પાર્કિંગ વ્યવસ્થા માટે સર્વે સહિતની કામગીરી, દબાણ હટાવની કામગીરી અંગે વિભાગ દ્વારા માહિતી પૂરી પડાઈ હતી.

આ તકે જોઈન્ટ એન્ફોર્સમેન્ટ ટીમ દ્વારા બ્રિજ નિર્માણની આસપાસ ટ્રાફિકને અડચણરૂપ વાહનો તેમજ રેકડીધારકોને દૂર કરવા માટે ખાસ ડ્રાઈવ યોજવામાં આવી રહ્યાનું એ.સી.પી. ટ્રાફિકએ જણાવ્યું હતું.

રોડ સેફટી મિટિંગમાં સ્પેશિયલ પોલીસ કમિશનર ખુર્શીદ અહેમદ, ડીસીપી પ્રવિણકુમાર મીના, એસીપી ટ્રાફિક  મલ્હોત્રા, રોડ સેફટી વિભાગના નિવૃત્ત સી.ઈ.ઓ.  જે.વી. શાહ, આર.ટી.ઓ. અધિકારી પી.બી. લાઠીયા, મહાનગરપાલિકા, એસ.ટી વિભાગ, હાઈ-વે ઓથોરિટી, પી.જી.વી.સી.એલ, એલ એન્ડ ટી, એન.એચ.એ.આઈ. સહિતના વિવિધ વિભાગના અધિકારીઓ, રોડ એન્ડ સેફ્ટી કાઉન્સિલના સભ્ય જયેશભાઈ ઉપાધ્યાય વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

ટ્રાફિકની સમસ્યા હલ કરવા માત્ર વાતો નહીં નક્કર કામગીરી કરવી જરૂરી

રાજકોટની વસ્તી અને વિસ્તારમાં સતત વધારો થઈ રહ્યો છે જેના કારણે ટ્રાફિકની સમસ્યા દિન પ્રતિ દિન વિકરાળ બની રહી છે. અમદાવાદ અને મુંબઈ શહેરમાં જે રીતે ટ્રાફિક જામની સમસ્યા સર્જાય છે અને કલાકો સુધી વાહન ચાલકોએ ટ્રાફિકજામમાં ફસાવું પડે છે તેવી જ કંઈક સમસ્યા રાજકોટમાં પણ ધીમે ધીમે ઉદ્ભવી રહી છે. તંત્ર દ્વારા મીટીંગોમાં ચોક્કસ મોટી મોટી વાતો કરી આયોજન ઘડવામાં આવે છે પરંતુ નકર કામગીરીના અભાવે લોકોને ટ્રાફિકની સમસ્યામાંથી ધરતી વાત પણ મુક્તિ મળતી નથી. ટ્રાફિક સિગ્નલો ઓટોમેટીક કરાયા છે પરંતુ તેમાં પણ કેટલીક ટેકનિકલ ખામી હોવાના કારણે તે મુસીબત વધારી રહ્યા છે માત્ર કાગળ પર ટ્રાફિકની સમસ્યા હાલ કરવા માટે પ્લાનિંગ કરાયા કરારથી ટ્રાફિકમાંથી મુક્તિ નહીં મળે જમીની કામગીરી કરવી પડશે તો જ રાજકોટ વાસીઓને ટ્રાફિક જામની વિકરાળ મુસીબતમાંથી મુક્તિ મળશે.

 

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.