એક પથ્થર જે વિશ્વને કાર્બનકહેરથી બચાવી લેશે!!!

છેલ્લા ઘણા વર્ષોથી દરેક ઉનાળે પૃથ્વીનું સરેરાશ તાપમાન વધી રહ્યું છે. ભારત સહિતનાં તમામ દેશો ગરમી તેમજ પ્રદૂષણથી ત્રાહિમામ પોકારી ગયા છે. પરિસ્થિતિ એટલી હદ્દે વણસી ચૂકી છે કે હિમાલય પર્વત પરની હિમશિલાઓ પણ સતત પીગળી રહી છે, જેને રોકી શકવા હાલ આપણે કશાય નક્કર પગલા નથી ઉઠાવી રહ્યા! કારણકે વૈજ્ઞાનિકો પાસે ગ્લોબલ વોર્મિંગ અને ગ્રીન-હાઉસ ઇફેક્ટને કેમ કાબૂમાં લાવી શકાય એ વાતનો ખાસ કોઇ જવાબ જ નથી. ગુંગળામણ અને અસ્થમાને કારણે મૃત્યુ પામી રહેલા દર્દીની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે.

પ્રતિ વર્ષ આપણે કેટલા ટન કાર્બન ડાયોક્સાઇડ વાયુ વાતાવરણમાં ઠાલવી રહ્યાં છીએ એ વાતનો તમને ખ્યાલ છે? 40 અબજ ટન..!! ચોંકી નહીં જતાં

ઓમાનનાં ઇબરા પ્રદેશ ખાતે આવેલા પથ્થરોમાં એવા કેટલાક રાસાયણિક ગુણધર્મો છે જેનાં પ્રતાપે વાતાવરણમાં રહેલો કાર્બન ડાયોક્સાઇડ વાયુ તેની તરફ ખેંચાઈને ઘન પથ્થરોનાં ટુકડાઓમાં રૂપાંતર થઈ જાય છે!

ઓદ્યોગિક ક્રાંતિએ વિશ્વને ફાયદા કરતાં નુકશાન વધુ પહોંચાડ્યું છે. તાજેતરમાં કેનેડાના લીટ્ટોન નામનું ગામ નેસ્તનાબુદ થવાની ઘટના આપણી સામે જ છે! જીવનને સરળ અને સુખ-સગવડભર્યુ બનાવવાનાં ચક્કરમાં આપણે એક પછી એક ઉદ્યોગો ખડા કર્યા, જેનાં પરિણામસ્વરૂપ સર્જાયું અનિયંત્રિત અને અખૂટ માત્રાનું પ્રદૂષણ! પ્રતિ વર્ષ આપણે કેટલા ટનનો કાર્બન ડાયોક્સાઇડ વાયુ વાતાવરણમાં ઠાલવી રહ્યા છીએ એ વાતનો તમને ખ્યાલ છે? 40 અબજ ટન..!! ચોંકી નહીં જતાં. કારણકે દિવસે ને દિવસે આ આંકડામાં વધારો થઈ રહ્યો છે. અગર નજીકનાં ભવિષ્યમાં ગ્લોબલ વોર્મિંગ નામનાં ભયાનક રાક્ષસનો ઉકેલ ન શોધાયો તો પૃથ્વીને અગનગોળામાં પરિવર્તિત થતાં એકેય વૈજ્ઞાનિક રોકી નહીં શકે!

સમગ્ર વિશ્વ જ્યારે કાર્બન ડાયોક્સાઈડથી છુટકારો મેળવવા ઝઝૂમી રહ્યું છે ત્યારે એક દેશ એવો છે જેને કુદરતનું સૌથી મોટું વરદાન પ્રાપ્ત થયેલું છે! ઓમાનનાં ઇબરા પ્રદેશ ખાતે આવેલા પથ્થરોમાં એવા કેટલાક રાસાયણિક ગુણધર્મો છે જેનાં પ્રતાપે વાતાવરણમાં રહેલો કાર્બન ડાયોક્સાઇડ વાયુ તેની તરફ ખેંચાઈને ઘન પથ્થરોનાં ટુકડાઓમાં રૂપાંતર થઈ જાય છે! ત્યાંની શિલાઓને તમે ધ્યાનથી જોશો તો એવું લાગશે જાણે કોઇકે નિરાંતે બેસીને મોઝેઇક પેઇન્ટિંગ ન બનાવ્યું હોય! કાળા-ભૂખરા-ઘેરા રંગનાં પથ્થરોમાંથી પસાર થતી સફેદ અસુરેખ રેખાઓ માનવશરીરની ધોરી-નસ જેવી પ્રતીત થાય છે. આડાઅવળી દિશામાં ફંટાતી આ સફેદ રેખાઓ ખરેખર પથ્થરોની નસ નહી, પરંતુ શોષાઈને જામી ગયેલો ઘન કાર્બન ડાયોક્સાઈડ વાયુ છે! પથ્થરોની મોટી-મોટી શિલા વચ્ચે આવેલા તળાવોમાં પણ વર્ષોથી જામેલો કાર્બન ડાયોક્સાઇડ વાયુ, સફેદ રંગની જાજમ બિછાવી પથરાયેલો હોય એવું લાગ્યા રાખે છે. કોઇક વાર તાપમાન ઉંચુ જતાં તળાવમાં જામી ગયેલા ઘન કાર્બન ડાયોક્સાઇડનાં સ્તરનું ખંડન થાય તો થોડા સમયની અંદર જ તે આપોઆપ નવા સ્તરનું નિર્માણ કરી નાંખે છે.

અમેરિકાની કોલંબિયા યુનિવર્સિટીનાં ભૂસ્તરશાસ્ત્રી ડો. પીટર કેલેમેન આજથી 28 વર્ષ પહેલા 1990ની સાલમાં સૌપ્રથમ વખત ઓમાન ગયેલા. તેમનો મુખ્ય ધ્યેય ત્યાંના ભૂપૃષ્ઠ અંગેની વિગતવાર માહિતી મેળવવાનો હતો. પૃથ્વીનાં પેટાળની સંરચના, તેનું માળખું અને તેની અંદરનાં તત્વો વિશે વિસ્તૃત સંશોધન કરતી વેળાએ તેમણે નોંધ્યું કે ઇબરાનાં પથ્થરોમાં કેટલીક ખાસ પ્રકારની શિરા પસાર થઈ રહી છે, જે કાર્બનયુક્ત છે! વધુ ઉંડાણપૂર્વકની લેબોરેટરી તપાસમાં માલૂમ પડ્યું કે પથ્થર સ્વરૂપે જામી ગયેલા કાર્બન ડાયોક્સાઇડનાં ટુકડાઓ તો લાખો વર્ષ જૂના છે! એ વખતે વૈજ્ઞાનિકોનાં ધ્યાનમાં આવ્યું કે ઇબરાનાં પથ્થરો પાસે અમુક ખાસ પ્રકારનાં રાસાયણિક ગુણધર્મો છે.

પરંતુ સીઓ/2 (કાર્બન ડાયોક્સાઈડ) વાયુનું ઘન સ્વરૂપમાં રૂપાંતર થવાની પ્રક્રિયા એટલી બધી ધીમી છે જેમાં ઘણા વર્ષો વીતી શકે! (આજથી બે દાયકા પહેલા, પથ્થરોને લેબોરેટરીમાં મોકલી તેની ઉંમર જાણી શકવાની ટેકનિક નહોતી શોધાઈ. ફક્ત આછોપાતળો અંદાજ લગાવી શકાતો!) પરંતુ 2007ની સાલમાં જ્યારે ફરી આ શિલાઓ પર કામ શરૂ થયું ત્યારે વૈજ્ઞાનિકોને ખબર પડી કે કાર્બન ડાયોક્સાઇડ ઘન પથ્થરોની સાચી ઉંમર 50,000 વર્ષોથી પણ ઓછી છે! આખરે તમામ પ્રયોગો પૂરા થયા બાદ, એ તારણ નીકળ્યું કે વાયુમાંથી ઘન બનવાની પ્રક્રિયા વાસ્તવમાં ખૂબ જ ઝડપી છે.

અત્યારે વૈજ્ઞાનિકો માનતાં થઈ ગયા છે કે ઓમાનનાં આ પથ્થરોનો વ્યવસ્થિત અંદાજમાં મોટા પાયા પર ઉપયોગ કરવામાં આવ્યો તો માનવજાત માટે તે અત્યંત મહત્વનાં પૂરવાર થઈ શકે તેમ છે. તેનાં લીધે ઉદ્યોગીકરણની શરૂઆતથી વાતાવરણમાં ઠલવાયેલા અબજો ટનનાં કાર્બન ડાયોક્સાઈડ વાયુ પર ત્વરિત નિયંત્રણ લાદી શકાશે. નોંધનીય બાબત તો એ છે કે ઘન સ્વરૂપમાં ફેરવાયેલો કાર્બન ડાયોક્સાઈડ ફરી ક્યારેય આપમેળે વાયુ સ્વરૂપમાં પાછો નથી ફરી શકતો. જેનાં લીધે પ્રદૂષણની સમસ્યા પર પૂર્ણત: સફળતા મળવાની સંભાવના પણ ખરી!

મુદ્દાની વાત જણાવી દઉં કે, કાર્બન ડાયોક્સાઈડને કેદી બનાવી શકવાનાં સમાચાર વિશ્વનાં તમામ દેશોની સરકાર માટે ઘણા આશાસ્પદ પૂરવાર થયા છે. હાલમાં, વાતાવરણમાંથી કાર્બન ડાયોક્સાઇડનું સ્તર ઓછું કરવા માટે 20 જેટલા મોટા પ્રોજેક્ટ પર કામ થઈ રહ્યું છે. ઉદ્યોગોમાંથી નીકળતાં ધુમાડાને આબોહવા સાથે ભળતો અટકાવવા માટે, તેનો સંગ્રહ ભૂગર્ભ ગેસ-ચેમ્બરમાં થાય એ પણ આવા જ એક પ્રોજેક્ટનો નાનકડો ભાગ ગણી શકાય! પરંતુ આ પધ્ધતિ ખૂબ જ ખર્ચાળ છે. જેનાં લીધે મોટાભાગનાં દેશો તેને અપનાવવા નથી માંગતા. બીજી બાજુ, કેટલીક કંપની અને સંશોધકોએ એવા મશીનો વિકસાવ્યા છે જેની મદદ વડે વાતાવરણમાંથી કાર્બન ડાયોક્સાઈડ વાયુને સીધો ખેંચી શકાય! અત્યારસુધી એવી કોઇ ટેકનોલોજીની ખોજ નથી થઈ જે ઓમાનનાં પથ્થરોની સહાય વડે લાખો ટનનો કાર્બન ડાયોક્સાઈડ દૂર કરી શકે.

તમને એમ થશે કે ઓમાનનાં આ પથ્થરો વળી અસ્તિત્વ કઈ રીતે પામ્યા હશે!? તો એનો જવાબ પણ આપી દઉ. વાત જાણે કે એમ છે, પેરિડોટાઇટ નામે ઓળખાતાં આ ઘન પથ્થરો કુદરતી આફતો (ભૂકંપ) ને લીધે 10 કરોડ વર્ષ પહેલા ધરતીની ઉપરી સપાટી પર આવી ગયા. સમયની સાથે ઘસારો પામી તેનો વિસ્તાર પણ ફેલાતો ગયો. ઇબરાનાં 200 માઇલ લાંબા અને 25 માઇલ પહોળા પ્રદેશમાં પેરિડોટાઇટનો વ્યાપ વધતો ગયો, જે ઓમાનની રાજધાની મસ્કતનાં અમુક વિસ્તારો સુધી ફેલાયો. ઉત્તર કેલિફોર્નિયા, પપુઆ ન્યુ ગિનીયા તથા અલ્બાનિયા જેવા અન્ય સ્થળોએ પણ પેરિડોટાઇટનાં પથ્થરો ઉપલબ્ધ છે પરંતુ ઓમાનની મહત્તા સૌથી વધુ એટલા માટે છે કારણકે અહીં તેની માત્રા ખૂબ વધારે પડતી છે!

2007થી ડો. પીટર કેલેમેન પેરિડોટાઇટનાં પથ્થરો પર ગહન અભ્યાસ કરી રહ્યા છે. ઓમાનમાં તેની માત્રા, પાણી સાથે ભળી શકવાની ક્ષમતા, કાર્બન ડાયોક્સાઇડની ઘટ્ટતા પર પણ વિવિધ પ્રયોગો થઈ રહ્યા છે. અનેક મલ્ટીનેશનલ કંપની સાથે મળીને તેઓ પેરિડોટાઇટમાં મોટા છિદ્રો પાડવાનાં (40 લાખ ડોલરનાં) પ્રોજેક્ટ પર કામ કરી રહ્યા છે. પથ્થરોની નીચેનાં સ્તરનું બારીકાઇપૂર્વક નિરીક્ષણ કરવા માટે સંશોધકોની ટીમે તેમાં 1300 ફૂટનો ઉંડો ખાડો કરી નાંખ્યો છે. ગયા માર્ચ મહિનામાં ખોદકામ પૂરું કરી વૈજ્ઞાનિકો અને ટેકનિશીયનની આખી ટીમને ખાડાની જાંચ કરવા માટેનાં આદેશ જારી કરી દેવાયા છે.

પથ્થરો મળી ગયા, પ્રોજેક્ટ શરૂ કરવા માટે પૂરતું ફંડિંગ આપી દેવાયું, વૈજ્ઞાનિકો પણ તૈયાર છે; આમ છતાં પ્રયોગ પર કામ કેમ શરૂ નથી થઈ રહ્યું!? મુખ્ય કારણ છે : ગતિ! કાર્બન ડાયોક્સાઇડને વાયુમાંથી ઘન સ્વરૂપમાં ફેરવી શકવાની ક્ષમતા કુદરત પાસે છે, માણસ પાસે નહીં! આથી સૌપ્રથમ તો આપણે એવા યંત્રો વિકસાવવા પડશે જે આખી પ્રક્રિયાને અતિ ઝડપી બનાવી શકે. બીજી સમસ્યા છે, ઓમાનવાસી! ત્યાંના સ્થાનિક નાગરિકોએ અમુક કારણોસર પોતાનાં દેશમાં પેરિડોટાઇટ પર પ્રયોગો કરવાની મનાઈ ફરમાવી દીધી છે.

પરિણામસ્વરૂપ, ડો. પીટર કેલેમેન સહિત તમામ ભૂસ્તરશાસ્ત્રીઓ હવે કેલિફોર્નિયામાં પોતાનાં પ્રયોગને આગળ ધપાવવા માંગે છે. ત્રીજી સૌથી મોટી સમસ્યા છે, ખર્ચ! વૈજ્ઞાનિકોએ એવી પણ કોશિશો કરી કે પત્થરોને ટુકડા કરી તેનો ભૂકો આજુબાજુનાં વિસ્તારમાં ફેલાવી દેવામાં આવે! પરંતુ પેરિડોટાઇટને ધૂળ સ્વરૂપમાં ફેરવવા માટે જે યંત્રોનો ઉપયોગ થયો તેણે ઉલ્ટું બમણી માત્રામાં પ્રદૂષણ અને ધુમાડો વાતાવરણમાં ઠાલવ્યો! લાખો-કરોડો રૂપિયા સ્વાહા થઈ ગયા એ અલગ!

ઓમાનનાં પેરિડોટાઇટ પથ્થરો પર થઈ રહેલા તમામ પ્રયોગોને સફળતા ક્યારે મળશે એ કહી શકવું તો મુશ્કેલ છે, પરંતુ એટલું નક્કી છે કે હાલ આપણી પાસે ઓમાન એકમાત્ર એવો દેશ છે જેની મદદ વડે ગ્લોબલ વોર્મિંગની સૌથી વિકરાળ સમસ્યાનું સમાધાન નીકળી શકે એમ છે! આશા રાખીએ કે આપણો આવનારો સમય વધુ સ્વાસ્થ્યપ્રદ અને નિરોગી રહે!

તથ્ય કોર્નર

2015માં 129 દેશોએ પેરિસ ક્લાઇમેટ એગ્રીમેંટ સાઇન કર્યો હતો. આ મુજબ બધા દેશોએ પોતાનું કાર્બન ઉત્સર્જન ઘટાડવાનું રહેશે અને પૃથ્વીના તાપમાનમાં 2 ડિગ્રી સેલ્સિયસ જેટલો વધારો થતો રોકવાનો રહેશે.

વાઇરલ કરી દો ને

આ ટ્રાફિકલાઇટ પર 190 સેકંડની રેડ લાઇટ હોવા છતાં પણ એંજિન ચાલુ જ રાખે એમના પર તો પ્રદૂષણ ટેક્સ લા દવો જોઈએ!