- જાફરાબાદના દરિયાઈ સીમામાં દેખાયેલી શંકાસ્પદ બોટ વલસાડમાંથી ઝડપાઈ
- શંકાસ્પદ બાબત સામે ન આવતા સુરક્ષા એજન્સીઓએ રાહતનો શ્વાસ લીધો
- બોટમાં સવાર બંને સ્થાનિક માછીમાર હોવાનું સામે આવ્યું : હજુપણ પૂછપરછ શરુ
જાફરાબાદના દરિયાથી 20 નોટિકલ માઇલ દૂર શંકાસ્પદ બોટની તસવીર સામે આવી હતી. તેમજ દરિયાઈ સુરક્ષાને લઇને ધારાસભ્ય હીરા સોલંકી જાફરાબાદ દરિયા કિનારે પહોંચ્યા હતા. વાયરલેસ મારફતે માછીમારો સાથે વાતચીત કરી હતી અને વિગતો મેળવી હતી. આ ઉપરાંત સુરક્ષા એજન્સીઓ દ્વારા સુરક્ષામાં વધારો કરાયો કરવામાં આવ્યો છે. અજાણી બોટ અંગે કોસ્ટગાર્ડ દ્વારા હેલીકોપ્ટર મારફતે તપાસ શરૂ કરવામાં આવી હતી.
દમણના દરિયામાં એક શંકાસ્પદ બોટ દેખાતા હડકંપ મચી ગયો હતો. તેમજ દરિયાઈ સુરક્ષાને ધ્યાનમાં રાખીને કોસ્ટગાર્ડ તરત હરકતમાં આવી ગયું હતું. હેલિકોપ્ટર મારફતે બોટને લોકેટ કરવામાં આવી અને સુરક્ષા એજન્સીઓએ બોટના પરિચય તથા તેમાં હાજર વ્યક્તિઓ વિશે માહિતી મેળવવાની પ્રક્રિયા શરૂ કરી હતી. જો કે આ બોટ માછીમારોની હોવાની અને એન્જિન બંધ પડી જતા અટવાઈ હોવાનું પ્રાથમિક તબક્કે સામે આવ્યું છે. જો કે, હાલ શંકાસ્પદ બન્ને ઈસમોની પૂછપરછ શરૂ કરવામાં આવી છે. તેમજ કોઈ શંકાસ્પદ બાબત સામે ન આવતા સુરક્ષા એજન્સીઓએ રાહતનો શ્વાસ લીધો હતો.
દમણના દરિયામાં બોટ ઝડપાઈ :
મળતી માહિતી અનુસાર, વલસાડ પોલીસ દ્વારા દમણના દરિયામાંથી એક શંકાસ્પદ બોટને ઝડપવામાં આવી હતી. આ દરમિયાન વલસાડ SOG અને LCB પોલીસે ઓપરેશન હાથ ધર્યું હતું. તેમજ વલસાડ પોલીસે શંકાસ્પદ બોટને અટકાવીને 2 શંકાસ્પદ લોકોની અટકાયત કરવામાં આવી હતી. પોલીસે સઘન પૂછપરછ કરી હતી. જેમાં જાણવા મળ્યું કે, 2 વ્યક્તિઓ વલસાડના સ્થાનિક માછીમારો છે. તેમજ રવિ નામની તેમની બોટ વલસાડની હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું.
પોલીસે 2ની કરી અટકાયત :
મળતી માહિતી મુજબ માછીમારો દરિયામાં માછીમારી કરવા માટે ગયા હતા.જે દરમિયાન તેમની બોટ દરિયામાં બગડી ગઈ હતી.જેથી બોટ બગડતા તેમાંથી ધૂમાડો નીકળ્યો હતો.તો દરિયામાં રહેલા અન્ય માછીમારોને ગેરસમજ થઈ હતી. બોટ શંકાસ્પદ જણાતા કોસ્ટગાર્ડના હેલિકોપ્ટરે તેને દરિયામાં લોકેટ કરી હતી. વલસાડ પોલીસે બંને શંકાસ્પદોની ધરપકડ કરીને તેમની પોલીસના ઉચ્ચ અધિકારીઓએ સઘન પૂછપરછ શરુ કરી હતી. જોકે, પ્રાથમિક માહિતી મુજબ સ્થાનિક માછીમારો હોવાનું ખુલ્યું હતું. હાલ 2 શંકાસ્પદ લોકોની વલસાડ પોલીસે તપાસ ચાલુ રાખી છે.
દરિયાઈ સુરક્ષા મહત્વની :
પોલીસ તેમજ સુરક્ષા દળોની ટીમો દમણ દરિયામાં સુરક્ષા વ્યવસ્થાને પગલે વધુ તપાસમાં લાગી ગઈ છે. આ ઉપરાંત દરિયાઈ માર્ગે કોઈ ગેરકાયદેસર પ્રવૃત્તિ થતી ન હોય તે માટે સતત ચાંપતી નજર રાખવામાં આવી રહી છે. ત્યારે હાલમાં બે શંકાસ્પદોની પૂછપરછ ચાલુ છે અને પોલીસે તેમની પૃષ્ઠભૂમિ તથા ઈરાદા વિશે વિગતો મેળવવાનું શરૂ કર્યું છે. જો આ બોટથી કોઈ વધુ મોટી તસ્કરી જોડાયેલી હોવાની આશંકા ઊભી થઈ છે, તો વધુ શંકાસ્પદોની ધરપકડ થવાની શક્યતા છે.