Abtak Media Google News

કામનાથ મહાદેવ પ્રેરિત બ્રહ્માનંદ સંસ્કૃત વેદ પાઠશાળા છેલ્લા 23 વર્ષથી વિનામૂલ્યે સંસ્કૃત કર્મકાંડની આપે છે તાલીમ

ભોળાનાથ શંકરનો જેમાં નિવાસ છે, તેવા શિવમંદિરો પુરાણકાળથી મનુષ્યોની શ્રદ્ધાનું પવિત્ર સ્થાનક બની રહ્યા છે. જીવ અને શિવના સમન્વય માટે શિવમંદિર એક પ્રેરણાદાયી માધ્યમ છે, પ્રાત: આરાધ્ય ભગવાન શ્રી શંકરને રીઝવવા માટે આખો શ્રાવણ મહિનો ભાવિકજનો બિલીપત્ર-રૂદ્રી-શિવમહિમ્ન વગેરે થકી ભગવાન શિવની અર્ચના કરે છે. રાજકોટમાં કામનાથ મહાદેવ ખાતે બિરાજતા દેવાધિદેવ શ્રી શિવ ભગવાનની વરણાગી અને ફૂલેકું રાજકોટવાસીઓ માટે વર્ષોથી શ્રદ્ધાનું પ્રતિક રહ્યું છે.

રાજકોટની વચ્ચે બેડીનાકાની અંદર લઘુભાના ઉતારા પાસે શ્રી કામનાથ મહાદેવનું મંદિર આવેલું છે, જે સદીઓ પૂરાણું છે જો કે આ મંદિરનો ભવ્ય ઇતિહાસ નથી પરંતુ એની પાછળ એક નાનકડા ભક્તનો પુરૂષાર્થ તો જરૂર પડેલો છે. પરાબજારથી સીધા ચાલ્યા જાવ અને ટાવરના દરવાજા માંથી બેડીનાકા પાસે આવેલ આ મંદિરની જમીન સંવત 1878માં ઠક્કર કરમશી જેઠાની વિધવાઓ બા કમરબાઈ તથા બાઇ સોનબાઇએ વેચાતી લઇ ત્યાં શિખરબંધ મંદિર ઉભું કર્યું,

એ વખતે મંદિરને લગતી ધર્મશાળા પણ હતી, પરંતુ આગળ ગર્ભાગાર નહોતું, પતરાનું માળીયું હતું. એ વખતે આ મંદિરના વહીવટની જવાબદારી સ્વ. બેચર મેઘજીના પુત્ર વિઠ્ઠલજી બેચરભાઈ કક્કડ પરિવાર સંભાળતા તેઓ શ્રી કામનાથ મહાદેવના અનન્ય ભક્ત હતા. દરરોજ પ્રાત: સમયે ઉનની ધાબળી પહેરી એક પગે ઉભા રહી બે કલાક સુધી ભગવાનનું ધ્યાન ધરતાં, પછી તો એ પૂજા કુટુંબમાં વંશ વારસે ઉતરી આવી. શાંતિલાલ વિઠ્ઠલજી કક્કડ 9 વર્ષ પહેલા કૈલાસધામ પામ્યા પછી તેમના પુત્ર શાંતિલાલ કક્કડ તેમજ કક્કડ પરિવાર આ જવાબદારી સંભાળી રહ્યા છે.

પ્રિયવદનભાઈ આ મંદિરનો બીજો જિર્ણોદ્ધાર ઇ.સ. 1950માં થયો, જેમાં મંદિરના વાડામાં પૂજારી માટે રૂમ, રસોડું, લાઇટની સુવિધા તથા પાર્વતીજી, હનુમાનજી, નંદી તથા કાચબાની નવી મૂર્તિઓ પધરાવવામાં આવી હતી. શ્રી કામનાથ મહાદેવના મંદિરમાં શ્રી કામનાથ મહાદેવ પ્રેરિત શ્રી બ્રહ્માનંદ સંસ્કૃત વેદ પાઠશાળા છેલ્લા 23 વર્ષથી ચાલે છે. જેમાં ગામના તથા બહારગામના બ્રહ્મદેવો વિનામૂલ્યે સંસ્કૃત કર્મકાંડની તાલીમ મેળવે છે.

ગુરૂજી હર્ષદભાઇ શાસ્ત્રીજી સેવા આપે છે. જેનો સમય સાંજના 6-30 થી 8-00 સુધી છે. મંદિરમાં હવન-પૂજા વગેરે ભોલાભાઈ કરાવે છે. છેલ્લા 71 વર્ષથી ામનાથ મહાદેવનું વરણાગી રૂપે શ્રાવણ માસની સુદ 10ના રોજ ફૂલેકું નીકળે છે. જેમાં પ્રાત:કાળથી ષોડશોપચારથી પૂજન થાય છે મધ્યાહ્ન સુધી ચાલે છે અને બપોર પછી ફૂલેકું નીકળે છે, જેમાં ધૂન મંડળીઓ, ભજન મંડળીઓ, ગરબી મંડળીઓ, પિતાંબરધારી બ્રાહ્મણમંડળીઓ સામેલ થાય છે.

રાજકોટની મુખ્ય બજાર તથા રાજમાર્ગો પર ફરી રાત્રિના મંદિરે પરત ફરે છે. ચાલુ વર્ષે પણ શ્રી કામનાથ મહાદેવના 73મા પાટોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવશે. આ પાવન પ્રસંગે તા. 07-08-2022ને રવિવારના રોજ બપોરે 2-00 વાગ્યે શ્રી કામનાથ મહાદેવની વરણાગીરૂપે ફૂલેકું નીકળશે

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.