- રાજ્યમાં 61 સરકારી સંસ્થાઓમાં 1920 સીટ અને 997 ખાનગી સંસ્થાઓ ખાતે કુલ 47,170 સીટ સાથે નર્સીંગના વિવિધ કોર્ષ કાર્યરત
- મોરબી, ગોધરા, પોરબંદર, રાજપીપળા અને નવસારીમાં GMERS બનાવવાની કામગીરી શરૂ
આજે સમગ્ર વિશ્વમાં વિશ્વ નર્સ દિવસ તરીકેની ઉજવણી થઈ રહી છે, ત્યારે તબીબી નિદાન અને સારવારમાં નર્સની ભૂમિકાના મહત્વ અંગે જનજાગૃતિ ફેલાઈ અને તેની સેવાને પ્રોત્સાહન અપાય તે માટે આ દિવસ 1953થી સમગ્ર વિશ્વમાં ઉજવાય છે. 1965માં વૈશ્વિક લેવલે અને 1974થી વિશ્વના તમામ દેશોમાં ઉજવાય છે. લોક આરોગ્ય માટે નર્સની ભૂમિકા અહમ છે. અ*ક*સ્મા*ત સમયે ઇમરજન્સીમાં તેની વિશેષ કાળજી, સમયસુચકતા દર્દીનું જીવન બચાવી શકે છે. આવા સમયે તેને ઝડપથી કાર્ય કરવા સતત ખડે પગે રહેવું પડે છે. આ વર્ષની ઉજવણી થીમ “આપણી નર્સો આપણું ભવિષ્ય” છે. નર્સોની સુખાકારી અને વિશ્વભરમાં સ્થિતિસ્થાપકતા આરોગ્ય પ્રણાલીને મૂળભૂત બનાવવા તેમની મહત્વપૂર્ણ ભૂમિકા છે. વૈશ્વિક સ્વાસ્થ્ય અને સુખાકારીમાં નર્સોનું યોગદાન અપાર છે. નર્સો પીડા વ્યવસ્થાપનમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.
ડોક્ટર અને દર્દીને સાંકળતી એક મહત્વની કડી નર્સ છે. કોઈપણ પ્રકારની આરોગ્ય સંબંધી સેવા પુરી પાડવામાં નર્સનો ફાળો ખુબ જ અગત્યનો છે. દર્દીની સારવારમાં નર્સીંગ કેરનો મહત્વનો ફાળો છે. નર્સીંગ કેર એટલે ફક્ત દર્દીને દવા અને ઇન્જેક્શન આપવા એટલું જ નહી પરંતુ નર્સીંગ કેર થકી દર્દીની સારવાર કરતી વખતે હોસ્પિટલમાં ઘર જેવું વાતાવરણ બનાવી આરોગ્ય સંબંધીત શિક્ષણની યોગ્ય સમજણ આપી સારવાર કરવાનો છે.
નર્સીંગની સેવાઓ સુદ્રઢ બનાવી શકાય અને દર્દીઓ સુધી ગુણવત્તાસભર સારવાર પુરી પાડવા આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્ય સરકાર પ્રયત્ન કરી રહી છે. રાજ્યમાં સરકારી દવાખાનાઓમાં દર્દીઓની સેવામાં હાલ 13,507 નર્સ ફરજ બજાવી રહી છે.
રાજ્યમાં હાલ કુલ-61 સંસ્થાઓ 1920 સીટ સાથે અને ખાનગી સંસ્થાઓ ખાતે 997 સંસ્થાઓ ખાતે કુલ 47,170 સીટ સાથે નર્સીંગના જુદા જુદા કોર્ષ ચાલી રહ્યાં છે. જેમાં દર વર્ષે વધારો કરવામાં આવે છે.
કેન્દ્ર સરકાર દ્વારા વર્ષ 2024-25માં રાજ્યમાં નર્સીંગની સેવાઓ સુદ્રઢ બનાવવા માટે બી.એસ.સી.(ન.)ની 500 સીટ અને પાંચ નવી કોલેજોને મંજુરી આપવામાં આવી હતી જેની કામગીરી હાલ ચાલી રહી છે. આ નવી કોલેજ ગુજરાતના મોરબી, ગોધરા, પોરબંદર, રાજપીપળા અને નવસારીમાં બનાવવાની કામગીરી હાલ ચાલી રહી છે.
રાજ્ય સરકાર દ્વારા નર્સીંગની સારવારની ક્ષમતામાં વધારો કરવાના હેતુથી સમયાંતરે આરોગ્યલક્ષી વિવિધ તાલીમ આપવામાં આવે છે. જેનો સીધો લાભ દર્દીઓને આપવામાં આવતી ગુણવત્તાસભર સેવાઓને મળે છે.
આરોગ્ય સેવાઓમાં નર્સના યોગદાનને ધ્યાનમાં લઈને સમગ્ર વિશ્વમાં દર વર્ષે 12 મેને ‘આંતરરાષ્ટ્રીય નર્સ દિવસ’ તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસની ઉજવણીનો મુખ્ય હેતુ નર્સીંગ વ્યવસાયમાં રહેલા નાગરિકોના સમર્પણ, સેવા અને મહેનતને બિરદાવાનો છે. આ દિવસ વિશ્વના નર્સો માટે એક ખુબ જ વિશિષ્ટ અને ગૌરવનો દિવસ છે. 12 મેને પસંદ કરવાનો ખાસ કારણ એ છે કે આ દિવસે જગવિખ્યાત નર્સ અને નર્સિંગ વ્યાવસાયિક પ્રવૃત્તિઓના પાયાના પથ્થર તરીકે ઓળખાતી ફ્લોરેન્સ નાઈટિંગેલનો જન્મદિવસ છે.
2025ના અંતરરાષ્ટ્રીય નર્સ દિવસની થીમ
વર્ષ 2025 માટે ICN દ્વારા “અવર નર્સ, અવર ફ્યુચર, ધ ઈકોનોમીક પાવર ઓફ કેર” નક્કી કરવામાં આવી છે. આ થીમના માધ્યમથી એ દર્શાવવામાં આવ્યું છે કે નર્સો માત્ર આરોગ્ય જાળવવાની જવાબદારી જ નથી ભજવતા, પણ તેઓ સમગ્ર આરોગ્ય વ્યવસ્થા અને અર્થતંત્ર માટે પણ આધારરૂપ છે. જ્યારે આરોગ્ય સેવાઓમાં યોગ્ય નર્સીંગ સ્ટાફ હોય, ત્યારે સારવારની ગુણવત્તા સુધરે છે, દર્દીઓ ઝડપથી સારાં થાય છે જેથી અર્થતંત્ર પરનો ભાર ઓછો થાય છે.
નર્સીસ કોઈપણ પ્રકારની કટોકટીની પરિસ્થિતિ જેવી કે ભુકંપ, કોમી રમખાણો, પુર અને યુધ્ધમાં પણ પોતાના પરિવારની ચિંતા છોડીને રાષ્ટ્રસેવામાં હરહંમેશા ખડેપગે તૈયાર રહે છે. વિશ્વમાં કોરોના મહામારી (COVID-19) દરમિયાન નર્સોની ભૂમિકા વધુ સ્પષ્ટ બની હતી. પોતાનું જીવન જોખમમાં મૂકીને દર્દીઓની સારવાર કરી હતી. PPE કિટ પહેરીને સતત કલાકો સુધી ડ્યૂટી પર રહી, ઘરના સભ્યો સાથે સંપર્ક ઘટાડી મનોબળ સાથે તેમણે ફરજ બજાવી હતી.
નર્સ: આરોગ્ય ક્ષેત્રનો અદૃશ્ય પાયો
નર્સો આરોગ્ય વ્યવસ્થાનો એક અનિવાર્ય અને અદૃશ્ય પાયો છે. ડોક્ટર દર્દીને સારવાર આપે છે, પણ નર્સ તેનું જીવન બચાવવા માટે 24 કલાક તેની સાથે રહી સેવા આપે છે. દર્દીની સંભાળ, સમયસર દવાઓ આપવી, સારવારની પ્રક્રિયા દરમિયાન સતત દેખરેખ રાખવી, અને દર્દી તથા તેના પરિવારજનોને માનસિક સહારો આપી નર્સો એક મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.
નર્સ માત્ર વ્યવસાય નથી, તે એક સેવા છે. માનવતાની ભાવના ધરાવતી વ્યક્તિ નર્સ બની શકે છે. અંતરરાષ્ટ્રીય નર્સ દિન એ માનવ સેવા માટે પોતાનું સમગ્ર જીવન સમર્પિત કરનારી વ્યક્તિઓને શ્રદ્ધાંજલિ અર્પણ કરવાનો દિવસ છે. આજે જ્યારે આખું વિશ્વ આરોગ્ય સેવાની નવી પડકારો સામે ઊભું છે, ત્યારે નર્સોની ભૂમિકા વધુ મહત્વપૂર્ણ બની છે.