Abtak Media Google News

મ્યુનિસિપલ કમિશનર વિજયકુમાર ખરાડીએ સ્ટેન્ડિગ કમિટી સમક્ષ ડ્રાફટ  બજેટ રજૂ કર્યું: નવા ત્રણ કર સુચવાયા

જામનગર મહાનગરપાલિકાનું વર્ષ 2023-24નું ડ્રાફટ અંદાજપત્ર   મ્યુનિસિપલ કમિશ્નરે સ્ટેન્ડીંગ કમિટિ સમક્ષ રજૂ કર્યુ છે. આ બજેટમાં કુલ ખર્ચ 1079.40 કરોડનો અંદાજાયો છે. જયારે બંધ પુરાંત 141.85 કરોડની દર્શાવાઇ છે. આ બજેટમાં ત્રણ પ્રકારના નવા કરવેરા સુચવવામાં આવ્યા છે. ઉપરાંત મિલ્કત વેરા, વાહન વેરા, વોટર ચાર્જ, સોલીડ વેસ્ટ કલેકશન ચાર્જમાં મળીને કુલ રૂા.53 કરોડનો વધારો સુચવવામાં આવ્યો છે.

મ્યુ.કમિશ્નર વિજયકુમાર ખરાડી દ્વારા વર્ષ 2023-24 માટેનું અંદાજપત્ર રજૂ કરવામાં આવ્યું હતું. સમિતિના અધ્યક્ષ મનીષભાઇ કટારીયાએ આ બજેટ સ્વીકાર્યુ હતું.

મ્યુ.કમિશ્નર દ્વારા આજે રજૂ કરાયેલા વર્ષ 2023-24 માટેના અંદાજ પત્રમાં મિલ્કત વેરામાં તોતીંગ વધારો સુચવવામાં આવ્યો છે. 25 ચો.મી. સુધીની મિલ્કત માટેનો દર રૂા.200થી વધારીને 380 સુચવાયો છે. 25થી 30 ચો.મી.સુધીની મિલ્કત માટેનો દર રૂા.250થી 480 સુચવાયો છે. 30થી 40 ચો.મી.સુધીની મિલ્કતનો દર રૂા.300થી વધારીને 640 દર્શાવાયો છે. 40થી 50 મીટરની મિલ્કતનો વેરો અને 50 મીટરથી વધુ મિલ્કતનો વેરો જે અનુક્રમે રૂા.300 અને 400 હતો તે પરિણામલક્ષી દર મુજબ વસુલવાનું સુચવવામાં આવ્યું છે.

વાહન વેરામાં પણ મહાનગરપાલિકાએ વધારો ઝીંકયો છે. એક લાખ સુધીના વાહન ઉપરનો મહાનગરપાલિકાનો વેરો જે 1 ટકા હતો તે વધારીને દોઢ ટકો સુચવાયો છે. એક લાખથી બે લાખ વચ્ચેના વાહન ઉપરનો વેરો 2 ટકાથી વધારીને સવા બે ટકા, 2 થી 3 લાખ સુધીના વાહનનો વેરો અઢી ટકા, 3 થી 5 લાખ સુધીના વાહનનો વેરો પોણા 3 ટકા, પાંચથી 10 લાખ સુધીના વાહન ઉપરનો વેરો 3 ટકા, 10થી 25 લાખ સુધીના વાહન ઉપરનો વેરો સવા ત્રણ ટકા અને 25 લાખથી વધુની કિંમતના વાહન ઉપરનો મહાનગરપાલિકાનો વેરો સાડા ત્રણ ટકા સુચવવામાં આવ્યો છે.

આ બજેટમાં પાણી ચાર્જમાં પણ નોંધપાત્ર વધારો સુચવામાં આવ્યો છે. હાલ ફિકસ કનેકશનનો વાર્ષિક પાણી ચાર્જ રૂા.1150 હતો તે રૂા.1500 સુચવવામાં આવ્યો છે. જયારે સ્લમ વિસ્તારના મિલ્કત ધારકો માટેનો પાણી વેરાનો દર રૂા.575થી વધારીને 750 સુચવાયો છે.

સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ ચાર્જમાં પણ 20થી 100 ટકા સુધીનો વધારો કમિશ્નરે સુચવ્યો છે. રહેણાંક વિસ્તારમાં 20 ટકાનો વધારો, બિન રહેણાક વિસ્તારમાં 50 ટકાનો વધારો અને ઔદ્યોગિક વિસ્તારમાં 100 ટકાનો વધારો સુચવવામાં આવ્યો છે. જામનગર મહાનગરપાલિકા હસ્તકના જામ રણજીતસિંહજી ઉદ્યાન (રણજીત સાગર) અને સરદાર પટેલ એમ્યુઝમેન્ટ પાર્કમાં પ્રવેશ ટિકીટ જે રૂા.10 છે તે વધારીને 15 સુચવવામાં આવી છે. જયારે રણમલ તળાવ પરિસરમાં પ્રવેશની ટિકીટના દર અંગે કોઇ સ્પષ્ટતા કરવામાં આવી નથી.

જામનગર મહાનગર પાલિકાના આ બજેટમાં કમિશ્નર વિજયકુમાર ખરાડીએ જામનગરની જનતા ઉપર ત્રણ નવા કરબોજ નાખ્યા છે. એન્વાયરમેન્ટ ઇમ્પ્રુમેન્ટ/ ગ્રીનરી ચાર્જ પ્રતિ વર્ષ રૂા.10થી 100 સુધીનો રહેશે. આ ઉપરાંત ફાયર સર્વિસ ચાર્જ પણ રૂા.10 થી 100 સુધીનો સુચવવામાં આવ્યો છે. જયારે ત્રીજા નવા વેરા એવા સ્ટ્રીટ લાઇટ યુઝર્સ ચાર્જ પણ હવે શહેરીજનોએ ચુકવવાનો રહેશે. મહાનગરપાલિકાની હદમાં આવતા તમામ મિલ્કત ધારકો માટે વાર્ષિક રૂા.200નો વેરો સુચવવામાં આવ્યો છે.

જામનગર મહાનગર પાલિકાના આ બજેટમાં રકમની દ્રષ્ટિએ જોઇએ તો મિલ્કત વેરામાં રૂા.32 કરોડ, વ્હીકલ ટેકસમાં રૂા.3.17 કરોડ, વોટર ચાર્જમાં રૂા.6 કરોડ, સોલીડ વેસ્ટ કલેકશન ચાર્જમાં રૂા.2.84 કરોડ, ક્ધર્ઝવન્સી એન્ડ સુઅરેજ ટેકસમાં રૂા.1.50 કરોડનો વધારો સુચવવામાં આવ્યો છે. જયારે નવા લદાયેલા એન્વયારમેન્ટ/ગ્રીનરી ચાર્જથી રૂા.78 લાખ, ફાયર ચાર્જસીથી રૂા.78 લાખની નવી આવક થવાનો અંદાજ દર્શાવાયો છે. જયારે સ્ટ્રીટ લાઇટ યુઝર્સ ચાર્જથી રૂા.5.66 કરોડની આવક થવાનું સુચવવામાં આવ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.