- દક્ષિણ ઈરાનના રાજાઈ બંદર પર થયો વિસ્ફોટ
- બંદર કન્ટેનર અને તેલ જેવી વસ્તુઓના શિપમેન્ટ માટે જાણીતું
ઈરાનના બંદર અબ્બાસમાં એક ભયાનક વિસ્ફોટ અને ત્યારબાદ લાગેલી ભીષણ આગથી ઓહાપો ફેલાયો હતો. અધિકારીઓના જણાવ્યા અનુસાર, આ ઘટના દક્ષિણ ઈરાની બંદર શહેરના રાજાઈ બંદર પર બની હતી. રાજાઈ બંદરમાં એક મોટો ધડાકો થયો હતો. આ ધડાકાને કારણે આકાશમાં કાળા ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યા હતા. પ્રારંભિકમાં ઘાયલોની સંખ્યા 280 કહેવામા આવી રહી હતી. જે વધીને લગભગ 400થી વધુ લોકો ઘાયલ થયાના અહેવાલ સામે આવ્યા છે.
હજી સુધી એ ખબર નથી પડી કે આ વિસ્ફોટ શાના કારણે થયો. આ બંદર કન્ટેનર અને તેલ જેવી વસ્તુઓના શિપમેન્ટ માટે જાણીતું છે. અહીં તેલની ટાંકીઓ અને પેટ્રોકેમિકલ સંબંધિત કામકાજ પણ થાય છે.
એક અધિકારી મેહરદાદ હસનઝાદેહે જણાવ્યું કે ઘણા લોકો ઘાયલ થયા છે, પણ તેમણે ચોક્કસ આંકડો આપ્યો નથી. તેમણે એમ પણ કહ્યું કે બચાવ કામગીરી ચાલુ છે અને લોકોને સુરક્ષિત જગ્યાએ ખસેડવામાં આવી રહ્યા છે. તેમના જણાવ્યા મુજબ, વિસ્ફોટ નારાજેઈ બંદર પર એક કન્ટેનરમાં થયો હતો. આ બંદર ઈરાનની રાજધાની તેહરાનથી લગભગ 1050 કિલોમીટર દૂર છે અને હોર્મુઝની સામુદ્રધુની પાસે આવેલું છે, જે એક મહત્વપૂર્ણ જળમાર્ગ છે જ્યાંથી વિશ્વનું ઘણું ખરું તેલ પસાર થાય છે.
આ ઘટના એવા સમયે બની જ્યારે ઈરાન અને અમેરિકા ઓમાનમાં તેમના પરમાણુ કાર્યક્રમને લઈને વાતચીત કરી રહ્યા હતા.