- પુરપાટ ઝડપે આવતા આઇસર ટ્રકે સરકારી ગાડીને મારી ટક્કર
- ખાણ ખનીજ વિભાગના ત્રણ અધિકારી ઘાયલ
રાજકોટ-અમદાવાદ નેશનલ હાઈવે પર જાખણ ગામ નજીક આજે બપોરના સુમારે એક ગંભીર માર્ગ અ*કસ્મા*ત સર્જાયો હતો. પુરપાટ ઝડપે અને બેફામ રીતે આવી રહેલા એક અજાણ્યા આઇસર ટ્રકે ખાણ ખનીજ વિભાગની એક સરકારી ગાડીને જોરદાર ટક્કર મારતા આ દુર્ઘટના ઘટી હતી, જેમાં સરકારી ગાડીમાં સવાર ખાણ ખનીજ વિભાગના ત્રણ અધિકારીઓને ઇજા પહોંચી હતી. અ*કસ્મા*ત સર્જીને અજાણ્યો આઇસર ટ્રક ચાલક ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો.
પ્રાપ્ત માહિતી અનુસાર, આ અ*કસ્મા*ત રાજકોટ-અમદાવાદ નેશનલ હાઈવે પર જાખણ ગામના પાટિયા નજીક થયો હતો. ખાણ ખનીજ વિભાગની સરકારી ગાડી પસાર થઈ રહી હતી તે દરમિયાન પાછળથી ધસમસતી આવેલા એક અજાણ્યા આઇસર ટ્રકના ચાલકે બેદરકારીપૂર્વક ડ્રાઇવિંગ કરીને સરકારી ગાડીને જોરદાર ટક્કર મારી હતી. ટક્કર એટલી પ્રચંડ હતી કે સરકારી ગાડીને ભારે નુકસાન થયું હતું.
આ ગમખ્વાર અ*કસ્મા*તમાં ખાણ ખનીજ વિભાગના ત્રણ અધિકારીઓ – હરપાલભાઈ મશાણી, રમેશભાઈ ભોપાભાઈ, અને પ્રવીણભાઈ લાલજીભાઈ – ને શરીરે ઓછી-વત્તી ઇજાઓ પહોંચી હતી. અ*કસ્મા*ત બાદ તરત જ આસપાસના લોકો દોડી આવ્યા હતા અને ઇજાગ્રસ્ત અધિકારીઓને ગાડીમાંથી બહાર કાઢીને તાત્કાલિક સારવાર અર્થે લીંબડી શહેર સ્થિત આર.આર. સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે.
અ*કસ્મા*તની જાણ થતાં જ જાખણ અને આસપાસના વિસ્તારોમાંથી લોકોના ટોળે ટોળા ઘટનાસ્થળે અને લીંબડીની હોસ્પિટલ ખાતે એકત્ર થયા હતા. બીજી તરફ, ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસ કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યો હતો અને અ*કસ્મા*ત સ્થળનું નિરીક્ષણ કરીને પંચનામું સહિતની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે ફરાર થયેલા અજાણ્યા આઇસર ટ્રક ચાલક વિરુદ્ધ ગુનો નોંધી તેને ઝડપી પાડવા માટે નાકાબંધી સહિતની તજવીજ હાથ ધરી છે. હાલ પોલીસ દ્વારા સમગ્ર મામલે વધુ તપાસ ચલાવવામાં આવી રહી છે.