- 111 રનનો પીછો કરવા ઉતરેલી કોલકતાની ટિમ 95 રનમાં જ ઓલઆઉટ: ચહલની શાનદાર બોલિંગે પંજાબને વિજય અપાવ્યો
ઇન્ડિયન પ્રીમિયર લીગ 2025ની 31મી મેચમાં પંજાબ કિંગ્સની ટીમે ધમાલ મચાવી દીધી હતી. પંજાબની ટીમે કોલકાતા નાઈટ રાઈડર્સને તેના હોમ ગ્રાઉન્ડ પર માત્ર 111 રન કરીને હરાવ્યું હતું. પંજાબ કિંગ્સની આ જીત બાદ પોઈન્ટ ટેબલમાં પણ મોટી હલચલ મચી ગઈ છે. આ પંજાબ કિંગ્સની 6 મેચમાંથી ચોથી જીત હતી. બીજી તરફ, કોલકત્તાને આ સીઝનમાં 7 મેચમાંથી ચોથી હારનો સામનો કરવો પડ્યો હતો.
પંજાબ કિંગ્સ અને કેકેઆર વચ્ચેની આ મેચ ન્યૂ ચંડીગઢના મુલ્લાંપુર ક્રિકેટ સ્ટેડિયમમાં રમાઈ હતી. આ મેચમાં ટોસ જીતીને પંજાબ કિંગ્સની ટીમે પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી પંજાબની ટીમ સારી શરૂઆત બાદ કેકેઆર સામે ખરાબ રીતે નિષ્ફળ ગઈ હતી. પંજાબ કોઈક રીતે કોલકત્તા સામે 15.3 ઓવરમાં 111 રનનો સ્કોર હાંસલ કરવામાં સફળ રહ્યું. કોલકત્તા તરફથી હર્ષિત રાણાએ શાનદાર બોલિંગ કરી અને ત્રણ વિકેટ લીધી હતી.
આ ઉપરાંત વરુણ ચક્રવર્તી અને સુનીલ નારાયણે પણ બે-બે વિકેટ લીધી હતી.માત્ર 112 રનના લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી કેકેઆરની ટીમની શરૂઆત પંજાબ કિંગ્સ કરતા ખરાબ રહી હતી. કોલકત્તાએ ફક્ત 7 રનમાં બે વિકેટ ગુમાવી દીધી. જોકે, રઘુવંશીએ થોડા સમય માટે ઇનિંગ્સને સંભાળવાનો પ્રયાસ કર્યો, પરંતુ યુઝવેન્દ્ર ચહલના સ્પિન સામે કોલકત્તાના બેટ્સમેન સંપૂર્ણપણે લાચાર દેખાતા હતા. પંજાબ તરફથી ચહલે 4 ઓવરમાં 28 રન આપીને 4 વિકેટ ઝડપી હતી. આ રીતે સમગ્ર કોલકત્તાની ટીમ 15.1 ઓવરમાં 95 રનમાં ઓલઆઉટ થઈ ગઈ, જેના કારણે પંજાબ 16 રનથી મેચ જીતી શક્યું હતું.
ચહલનો ધમાકો!!!
- પોતાના શાનદાર પ્રદર્શનથી ચહલ આઈપીએલમાં સૌથી વધુ વખત ચાર કે તેથી વધુ વિકેટ લેનાર બોલર બની ગયો છે.
આ બાબતમાં તેણે કોલકત્તાના અનુભવી સ્પિનર સુનીલની બરાબરી કરી જેણે ચહલની જેમ આઈપીએલમાં આઠ વખત ચાર કે તેથી વધુ વિકેટ લીધી છે. કોલકત્તા સામે આ ત્રીજી વખત છે જ્યારે ચહલે ચાર કે તેથી વધુ વિકેટ લીધી છે. લસિથ મલિંગાએ સાત વખત, કગીસો રબાડાએ છ વખત અને અમિત મિશ્રાએ પાંચ વખત આવું કર્યું છે.