રાજકોટમાં બે વર્ષના માસુમ બાળકને વિકૃત શખ્સે બળજબરીથી દારૂ પીવડાવ્યો

નશાખોરે બાળકને નશો કરાવતા સારવારમાં ખસેડાયો: મકાન માલિક બળજબરીથી પુત્રને દારૂ પીવડયાનું જોતા પિતા સ્તબ્ધ: માસુમ બેભાન

દારૂનો નશો કર્યા બાદ માનવી શૈતાન બની જતો હોય તેવી પ્રતિતિ કરવાની શરમ જનક ઘટના શહેરના મીરા ઉદ્યોગ જીઆઇડીસી વિસ્તારમાં બન્યો છે. નશાખોર મકાન માલિકે ભાડુઆતના બે વર્ષના પુત્રને બળજબરીથી દારૂ પીવડાવ્યાની ઘટના પ્રકાશમાં આવતા ચકચાર જાગી છે.

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ બજરંગવાડી વિસ્તારમાં રહેતા અને દસેક દિવસ પહેલાં જ મીરા ઉદ્યોગ જીઆઇડીસીમાં રહેવા ગયેલા યાસીનભાઇ સૈયદના બે વર્ષના પુત્ર અર્ષને તેના મકાન માલિક વનરાજ કાઠીએ બળજબરીથી દારૂ પીવડાવ્યાના આક્ષેપ સાથે સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરાયો છે.

મીરા ઉદ્યોગ જીઆઇડીસીમાં વનરાજ કાઠીનું દસ દિવસ પૂર્વે જ મકાન અને હોટલ ભાડે રાખી યાસીનભાઇ સૈયદે ચાનો વ્યવસાય શરૂ કર્યો હતો. ગતમોડી રાતે યાસીન સૈયદ પોતાની ઓરડીએ ગયો ત્યારે મકાન માલિક વનરાજ કાઠી નશો કરેલી હાલતમાં ઓરડીમાં પોતાના બે વર્ષના પુત્ર અર્ષને બળજબરીથી વિદેશી દારૂનો નશો કરવાતા જોવા મળતા યાસીનભાઇ સૈયદ સ્તબ્ધ બની ગયા હતા.

અર્ષને બળજબરીથી વિદેશી દારૂ પીવડાવવાના કારણે તે દારૂના નશાના કારણે બેભાન બની જતાં વનરાજ કાઠીને યાસીન સૈયદ ઠપકો આપતા બંને વચ્ચે ઝપાઝપી થઇ હતી. અર્ષને સભાન બનાવવા પિતા યાસીનભાઇ સૈયદે મોઢા પર પાણી છુટયું હતું અને પીઠ થબથબાવી હતી પરંતુ તે જાગતો ન હોવાથી તેને બેભાન અવસ્થામાં સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરાયાનું યાસીન સૈયદે જણાવ્યું હતું.

વનરાજ કાઠી સામે અગાઉ ગુનાખોરીમાં પોલીસ ચોપડે ચડી ચુકયો હોવાનું અને અવાર નવાર દારૂનો નશો કરવા માટે હોટલ અને ઓરડીમાં આવતો હોવાનું યાસીન સૈયદે જણાવ્યું છે.

યાસીન સૈયદ મીરા ઉદ્યોગ જીઆઇડીસીમાં મુરઘીની દુકાન હોવાથી ત્યા વનરાજ કાઠી નશો કરેલી હાલતમાં આવતો હોવાથી યાસીન સૈયદ તેના પરિચયમાં આવ્યો હતો. મુરઘીની દુકાન બરોબર ચાલતી ન હોવાથી યાસીન સૈયદે દસેક દિવસ પહેલાં વનરાજ કાઠીની ચાની હોટલ સંભાળી લીધી હતી. બજરંગવાડીથી યાસીન સૈયદને મીરા ઉદ્યોગમાં જવા આવવાનું દુર થતું હોવાથી વનરાજ કાઠીએ પોતાની ઓરડી પણ યાસીન સૈયદને ભાડે આપતા ત્યાં રહેવા આવ્યો હતો.

વનરાજ કાઠીને દારૂનો નશો કરવાની ટેવ ધરાવતો હોવાનું અને તેને શા માટે બે વર્ષના માસુમ બાળકને બળજબરીથી દારૂ પીવડાવ્યો તે અંગે વનરાજ કાઠી ઝડપાયા બાદ સત્ય વિગતો પ્રકાશમાં આવે તેમ હોવાનું પોલીસસુત્રો જણાવી રહ્યા છે.