રાજકોટમાં રૂ.25.20 લાખની ચોરી કરનાર વોન્ટેડ આરોપી ત્રણ વર્ષે પકડાયો

ચોકીદાર જ્યાં ચોકીદારી કરતો તે જ મકાનના તાળા તોડી ચોરીને અંજામ આપ્યો ‘ તો : મહિલા સહિત બે આરોપીઓ હજુ પણ વોન્ટેડ

રાજકોટમાં મહુડી ગામ ખાતે આવેલ બાપા સીતારામ ચોકમાં આવેલી આલાપ રોયલ પામ નામની સોસાયટીમાં આવેલા મકાનમાં ચોકીદારી કરતાં ચોકીદારે તે મકાનને નિશાન બનાવી તેમાં રાખેલ રૂપિયા ૨૫.૨૦ લાખની ચોરી કરી હોવાની ફરિયાદ આજથી ત્રણ વર્ષ પહેલા નોંધાવી હતી જેમાં પોલીસે જે તે સમયે એક આરોપીની ધરપકડ કરી હતી. પરંતુ ચોરી કરનાર મુખ્ય આરોપી સહિત ત્રણ ફરાર હોવાથી પોલીસે તેની શોધખોળ જાળી રાખી હતી. ત્યારે આજે ક્રાઈમ બ્રાન્ચે ગ્રીન ચોકડી પાસેથી વોન્ટેડ આરોપી ચોકીદારની ધરપકડ કરી છે જ્યારે મહિલા સહિત હજુ પણ બે આરોપીઓની શોધખોળ હાથ ધરી છે.

વિગતો મુજબ બાપા સીતારામ ચોકમાં આવેલા રોયલ પામ નામની સોસાયટીમાં રહેતા જીતુભાઈ લવજીભાઈ સોરઠીયા ના મકાનમાં ૨૦૨૦માં ચોકીદાર મહેશે તેના મિત્ર સુર્યાપ્રસાદ (રહે. બેંગલુરૂ), લક્ષમણ શાહી ઠાકુર (રહે. નેપાળ) અને પત્ની ધીરજાની મદદથી મકાનમાંથી રૂા.૨૫.૨૦ લાખની ચોરી કરી હતી. જેતે વખતે મહેશ અને તેના બંને મિત્રો મકાનમાં ચોરી કરવા ઘુસ્યા હતા. જયારે ધીરજા બહાર વોચ રાખીને બેઠી હતી. આ ચોરી અંગે તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાઈ હતી. જે-તે વખતે પોલીસે સુર્યાપ્રસાદનેઝડપી લીધો હતો.

પરંતુ મુખ્ય સુત્રધાર મહેશ હાથમાં આવ્યો ન હતો. તેણે ચોરી પછી મોબાઈલ અને સીમકાર્ડ બદલી નાખ્યા હતા. તેને પકડવા પોલીસની ટીમો બેંગલુરૂ અને મુંબઈ ખાતે પણ તપાસ કરી આવી હતી. વેશપલ્ટો કરી પોલીસની ટીમોએ તેની શોધખોળ પણ કરી હતી. પરંતુ હાથમાં આવ્યો ન હતો. આખરે તે આજે ગ્રીનલેન્ડ ચોકડી પાસે આવ્યાની ક્રાઈમ બ્રાંચના પી.આઈ. બી. ટી. ગોહિલ અને જમાદાર અશોક કલાલને બાતમી મળતા તેને ઝડપી લીધો હતો.

રાજકોટમાં ચોરી કર્યા બાદ તેણે તેલંગાણાનાં હુસ્કર ખાતે જે પ્લાઈવુડની ફેકટરીમાં કામ કરતો હતો તેની નજીક આવેલા એક મકાનમાંથી રૂા.૧.૨૫ લાખની, બેંગલુરૂ ખાતે આવેલા વર્લ્ડર શાકમાર્કેટ મેઈન રોડ પર આવેલા મકાનમાંથી રૂા.૫૫ હજારની અને મુંબઈના નાગપાડા વિસ્તારમાં આવેલા એક બંધ મકાનમાંથી મોબાઈલ અને રોકડ મળી રૂા.૨૨ હજારની મત્તા ચોરી કર્યાની કબુલાત આપી છે.રાજકોટમાં ચોરી કર્યા બાદ જે મત્તા મળી તેને મોજશોખ પાછળ, દારૂ પીવાની કુટેવ પાછળ અને વતન નેપાળમાં આવેલા મકાનમાં રીનોવેશનમાં ખર્ચ કરી નાખ્યાનું રટણ કર્યું છે. આ ચોરીમાં સામેલ તેની પત્ની ધીરજા હાલ નેપાળ છે.