Abtak Media Google News

સૌરાષ્ટ્રના પશુપાલકો અને ખેડૂતો માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. આ સાથે રાજકોટને એઇમ્સ પછી બીજી મોટી ભેટ મળી છે. આ અંગે રાજકોટ જિલ્લા કલેકટર રેમ્યા મોહને નિવેદન આપ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, આણંદપર ગામમાં 135 એકરમાં અમુલ ડેરી બનશે. અમૂલ ડેરીના પ્લાન્ટને આગામી કેબિનેટમાં મંજૂરી મળશે. ટુંક સમયમાં પ્લાન ફાઇનલ થશે. રાજકોટમાં અમુલ ડેરી બનશે.

પ્લાન્ટ સ્થાપવાની પુરજોશમાં ચાલતી તૈયારીઓ સ્થાનિક કક્ષાએ પશુપાલન વ્યવસાય પુરબહારમાં ખીલશે

રાજકોટની ભાગોળે અમૂલનો વીશાળકાય પ્લાન્ટ નિર્માણ પામનાર છે. આ માટે ગુજરાત કો-ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન (જીસીએમએમએફ) દ્વારા તમામ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે. વધુમાં જીસીએમએમએફ દ્વારા આ માટે સરકાર સમક્ષ 135 એકર ફાળવવાની માંગણી પણ મુકવામાં આવી છે.

 

સૌરાષ્ટ્રના દૂધ ઉત્પાદકો માટે ખુશખબર સામે આવી છે. અમુલ બ્રાન્ડની માલિકી ધરાવતા ગુજરાત કો-ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન (જીસીએમએમએફ) રાજકોટમાં ગુજરાતનો પોતાનો બીજો દૂધ પ્રોસેસિંગ પ્લાન્ટ સ્થાપવા સજ્જ થયું છે. આ અંગેનો નિર્ણય ઘણા સમય પૂર્વે આણંદ ખાતે યોજાયેલી ડેરી મેજરની બોર્ડ મીટીંગ દરમિયાન લેવામાં આવ્યો હતો. દૈનિક 25- 30 લાખ લીટર પ્રોસેસિંગની ક્ષમતાવાળો પ્લાન્ટ સ્થાપવા માટે રાજકોટ-જામનગર રોડ પર રાજ્ય સરકાર પાસે 135 એકર જમીન લેવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

Amul1

જીસીએમએમએફએ પોતાનો પ્રથમ પ્લાન્ટ, જે એશિયાનું સૌથી મોટુ દૂધ પ્રોસેસિંગ યુનિટ છે. તે ગાંધીનગર ખાતે સ્થાપ્યો હતો અને છેલ્લા બે વર્ષથી ફેડરેશન દ્વારા સૌરાષ્ટ્ર અને કચ્છના 10 થી વધુ ડેરી યુનિયનોની સુવિધા માટે રાજકોટ નજીક બીજો પ્લાન્ટ તૈયાર કરવામાં આવી રહ્યો છે. જીસીએમએમએફના નવા નિયુક્ત વાઇસ ચેરમેન, વાલમજી હુંબલે કહ્યું કે,  સૌરાષ્ટ્ર અને કચ્છના 10 લાખથી વધુ દૂધ ઉત્પાદકોને મળશે.”

હાલમાં, સૌરાષ્ટ્ર અને કચ્છમાં દૂધ સંઘો દરરોજ સરેરાશ 30 લાખ લિટર દૂધ મેળવે છે, જેમાંથી તેઓ અડધામાં પ્રક્રિયા કરે છે અને પેશ્યુરાઇઝ્ડ દૂધ, છાશ, દહીં અને ઘીનું ઉત્પાદન કરે છે.બાકીનું દૂધ (દિવસના લગભગ 15 લાખ લિટર) જીસીએમએમએફના ગાંધીનગર પ્લાન્ટમાં મોકલવામાં આવે છે જ્યાં સ્કીમ્ડ મિલ્ક પાવડર અને અન્ય ડેરિવેટિવ્ઝ બનાવવામાં આવે છે. હાલમાં ગાંધીનગર પ્લાન્ટ દરરોજ 40 લાખ લિટર દૂધની પ્રક્રિયા કરે છે.

જીસીએમએમએફના સૂત્રોના જણાવ્યા અનુસાર નવા પ્લાન્ટની અંદાજીત કિંમત, એક વખત જમીન ફાળવ્યા પછી આશરે 200 કરોડ રૂપિયા થશે. દૂધ ઉત્પાદક સંઘો પાસે હાલમાં રાજકોટ, કચ્છ, પોરબંદર, જૂનાગફમવ, ભાવનગર, અમરેલી, બોટાદ અને દ્વારકામાં પ્રોસેસિંગની નાની સુવિધાઓ છે.ઓછી પ્રોસેસિંગ ક્ષમતાને લીધે, સૌરાષ્ટ્ર અને કચ્છની ડેરીઓ વધુ પ્રમાણમાં દૂધ ગાંધીનગર મોકલે છે. ટ્રાન્સપોર્ટેશનમાં 6-12 કલાક લાગે છે જેથી માત્ર દૂધની ગુણવત્તા જ નથી બગડતી પરંતુ કોસ્ટ પણ વધારે છે.

આશરે એક લિટર પરિવહનનો ખર્ચ રૂ.1 આવે છે. જેનો અર્થ છે કે ગાંધીનગરમાં દરરોજ 15 થી 16 લાખ લિટર દૂધ પરિવહન કરવા માટે રૂ. 15-16 લાખનો ખર્ચ થાય છે નવા પ્રોસેસિંગ યુનિટથી આ ખર્ચ બચી જશે તેમ હુમ્બલએ જણાવ્યું હતું. તેમણે ઉમેર્યું કે, ભવિષ્યની જરૂરિયાતોને જોતા, જીસીએમએમએફ દરરોજ 25-30 લાખ લિટર પ્રક્રિયા કરવાની ક્ષમતાવાળા પ્લાન્ટની યોજના કરી રહ્યું છે.

નવા પ્લાન્ટમાં શરૂઆતમાં દૈનિક 25 લાખ લીટર દૂધની પ્રોડક્ટ બનાવાશે, બાદમાં પ્રોડક્શન બમણું કરાશે

અમૂલ દ્વારા રાજકોટમાં જે નવો પ્લાન્ટ બનાવવામાં આવનાર છે. તે પ્લાન્ટમાં શરૂઆતમાં દૈનિક 25 લાખ લીટર દૂધની વિવિધ પ્રોડક્ટ બનાવવામાં આવનાર છે. ત્યારબાદ આ પ્રોડક્શન 50 લાખ લીટર દૂધ સુધી પહોંચાડવામાં આવનાર છે. તેવી પ્રાથમીક વિગતો જિલ્લા કલેક્ટર રેમ્યા મોહને આપી હતી.

Amul3

ગાંધીનગરના પ્લાન્ટમાંથી સૌરાષ્ટ્ર- કચ્છમાં પ્રોડકટ પહોંચાડવી ખર્ચાળ!

હાલ સૌરાષ્ટ્ર- કચ્છમાં જે અમૂલની પ્રોડક્ટ આવે છે. તે ગાંધીનગરના પ્લાન્ટમાંથી આવે છે. આ પ્લાન્ટમાંથી અહીં પ્રોડક્ટ પહોંચાડવા પાછળ વધુ ટ્રાન્સપોર્ટેશન ખર્ચ થઈ રહ્યો છે. જેથી આ ટ્રાન્સપોર્ટેશન ખર્ચ નિવારવા માટે જીસીએમએમએફ દ્વારા સૌરાષ્ટ્ર- કચ્છના મુખ્ય મથક એવા રાજકોટમાં જ પ્લાન્ટ સ્થાપવાની તૈયારી કરી છે.

રોજગારીની નવી તકો ઉપલબ્ધ થશે

રાજકોટની ભાગોળે અમૂલનો વિશાળકાય પ્લાન્ટ સ્થપાશે એટલે અનેક નવી રોજગારીની તકો ઉપલબ્ધ બનશે. પ્લાન્ટમાં અનેક લોકોને રોજગારી મળી રહેશે. સાથોસાથ પશુપાલકોને પણ ખૂબ ફાયદો થશે. ઉલ્લેખનીય છે કે સ્થાનિક પશુપાલનના વ્યવસાયને અમુલનો પ્લાન્ટ સ્થપાયા બાદ ખૂબ વેગ મળશે તે નક્કી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.