Abtak Media Google News

યુવા ખેડૂતની આગવી સૂઝબુઝ અન્ય ખેડૂતો માટે બની પ્રેરણારૂપ

આસપાસના વિસ્તારોના ખેડૂતોએ વીધે ૬થી ૧૨ મણ ઉતારો જયારે શક્તિસિંહે વીધે ૧૪થી ૧૫ મણનુ ઉત્પાદન મેળવ્યું

રાજકોટ જિલ્લાના પડધરી તાલુકાના ખોખરી ગામના યુવા ખેડૂત શક્તિસિંહ જાડેજાએ પ્રાકૃતિક ખેતી કરી રાસાયણિક દવા વાપરીને તૈયાર યેલા મગફળીના પાકની સરખામણીમાં ચાલુ વર્ષે વિપરીત સ્થિતિ છતાં મગફળીના ઉતારાનું પ્રમાણ જાળવી રાખીને સફળતા મેળવી છે. આસપાસના વિસ્તારોમાં વિઘે ૬ થી ૧૨ મણના ઉતારાની સામે શક્તિસિંહે સુભાષ પાલેકર પ્રાકૃતિક ખેતી અપનાવી વિઘે ૧૪થી ૧૫ મણનું ઉત્પાદન મેળવ્યું છે.

ખોખરી ઘનશ્યામ ગઢ ગામના શક્તિસિંહ જાડેજા સુભાષ પાલેકર ખેતીના પ્રચારક તેમજ આત્માના સભ્ય છે. આ વિસ્તારમાં રાસાયણિક દવાથી ખેતી થતી હોવાથી આ યુવાને ખેતી ખર્ચ ઘટાડવા અને સમાજને દવા વગરના ખેત ઉત્પાદનો મળે તે માટે અન્ય ખેડૂતોને પ્રાકૃતિક ખેતી તરફ વાળવા અભિયાન ઉપાડયું છે.

645

ગયા વર્ષે પ્રાકૃતિક ખેતીથી શાકભાજી વાવી તેમણે રાજકોટમાં હોમ ડિલીવરી પણ કરી હતી. નાના-નાના ખેડૂતોને એકત્ર કરી ગ્રુપ બનાવી બધી જ વસ્તુઓ પ્રાકૃતિક ખેતીથી તૈયાર થાય અને ગ્રાહકોને શુદ્ધ શાકભાજી તેમજ અનાજ મળે અને ગ્રાહકોને સીધા વેચાણ થકી ખેડૂતોને ઓછા ખર્ચની સામે વધુ વળતર મળે તે માટે સામૂહિક પ્રવૃતિ કરવાનું તેમનું સપનું છે.

646

પ્રાકૃતિક ખેતી અંગે વાત કરતાં શક્તિભાઈ જણાવે છે કે, રાજ્યપાલ, મુખ્યમંત્રી તેમજ સરકાર દ્વારા પ્રાકૃતિક ખેતી માટે પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે.જેને લીધે ખેડૂતો પણ પ્રાકૃતિક ખેતી પ્રત્યે રસ દાખવતા યા છે અને જોડાતા જાય છે. આ  યુવાને  ચાલુ વર્ષે  દસ વીઘામાં પ્રાકૃતિક ખેતી કરી છે. ચાર ગાયો પણ રાખે છે અને નીમ રસાયણ તેમજ ગૌ મૂત્ર, ગોબર, છાશ, ચણાનો લોટ વગેરેમાંથી નિયત પદ્ધતિ મુજબ જીવામૃત-દવા પણ તેઓ જાતે જ બનાવે છે. સાથે ખેતીવાડી વિભાગ આત્માના સંકલન હેઠળ બીજા ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અને ખાતર વિશે વિના મૂલ્યે માર્ગદર્શન માટે વર્ગ શિબિર અને કાર્યશાળા પણ  યોજે છે. પ્રાકૃતિક ખેતીમાં સરકાર દ્વારા કિટ સહાય આપવાની યોજના આવકારતાં તેમણે કહ્યું કે, મગફળીની સાથે એક વીઘામાં ગલગોટાના ફૂલનું પણ વાવેતર કરતાં તેની સારી અસર મગફળીના પાક ઉપર થઈ છે. મગફળીનો રંગ જ અલગ જોવા મળ્યો હતો અને પાકની વૈવિધ્યતાને કારણે જમીનની ફળદ્રુપતા પણ વધી છે. મગફળી ઉપરાંત તેઓએ બે વીઘામાં મરચીનું પણ વાવેતર કર્યું છે. મરચાનું આણું, પાઉડર તેમજ ઉત્પાદિત મગફળીનું તેલ ઘરે જ કાઢીને મૂલ્યવર્ધિત ખેતી કરવાની વાત તેમણે કરી છે. પરંપરાગત ખેતી છોડી, નવી દ્રષ્ટિ પારખી, સમયની માંગને ધ્યાને લઇને ખેતી કરવામાં આવે તો ફાયદો થાય છે તેમ જણાવી પ્રાકૃતિક ખેતીના ઉત્પાદનોના સ્વાદ પણ કુદરતી રીતે અલગ જ આવે છે અને લોકો આવી વસ્તુ અપનાવશે જ તેમ શક્તિસિંહે જણાવ્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.