મહિકા ગામ પાસે પશુને બચાવવા જતા બાઈક સ્લીપ થતાં યુવાનનું મોત

રાજકોટના ભાગોળે આવેલા મહીકા ગામ નજીક બાઇક લઇને જતા યુવાનને ઢોર આડે આવતા બાઈક સ્લીપ થતાં ગંભીર ઈજાઓ થતા તેનું મોત નિપજ્યું હતું. રક્ષાબંધનના પર્વ પહેલા જ ત્રણ બહેનના એકના એક ભાઈના આકસ્મિક મોતથી પરિવારમાં કલ્પાંત છવાયો છે.

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ મહિકા ગામમાં રહેતા અને ખેતી કામ કરતા ભાવેશભાઈ છગનભાઈ મોલિયા નામના 30 વર્ષના યુવાન પોતાનું જીજે-03-જેઈ-7120 નંબરનું બાઈક લઈને પોતાના મિત્રની વાડીએ ઠેબચડા જતા હતા.

તે દરમિયાન મહિકા અને ઠેબચડા ગામ વચ્ચે રસ્તા પર ઢોર આડે આવતા બાઈક સ્લીપ થઇ ગયું હતું. જેના કારણે અકસ્માત સર્જાતા યુવાન ગંભીર રીતે ઘવાયો હતો. જેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા બાદ પ્રાથમિક સારવારમાં જ તેનું મોત નિપજ્યું હતું.

આ અંગે ઘટનાની જન થતા આજીડેમ પોલીસ મથકનો સ્ટાફ હોસ્પિટલ દોડી ગયો હતો. પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યા મુજબ મૃતક ભાવેશભાઈ મોલીયા ત્રણ બહેનમાં એકનો એક ભાઈ હોવાનુ જાણવા મળ્યું હતું. રક્ષાબંધનના પર્વ પૂર્વે જ ભાઈના આકસ્મિક મોતથી પરિવારમાં શોકનો માહોલ છવાયો છે.