Abtak Media Google News

પ્રેમમાં નાસિપાત એનઆરઆઈ યુવાન તસ્કર બન્યો

લગ્ન ન થતા જુદા-જુદા આઠ જિલ્લામાંથી ૪૦ જેટલા બાઇકની ચોરી કરનાર ત્રિપુટી ઝડપાઇ: રૂ.૭.૬૦ લાખનો મુદ્દામાલ કબ્જે

અમેરિકાથી પ્રેમમાં અભિભુત યુવાન લાખોના પગાર વાળી નોકરી છોડી લગ્ન કરવા માટે ચોટીલા આવ્યો હતો. પરંતુ લગ્ન ન થતા એનઆરઆઈ યુવક ચોરીના રવાડે ચડ્યો હતો. જેમાં પોલીસે યુવાન સાથે અન્ય બે તસ્કરોને જુદા-જુદા આઠ જિલ્લામાં કરેલી ૪૦ બકઈંની ચોરી સાથે કુલ રૂ.૭,૬૦,૦૦૦ના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા છે.

આ અંગેની પ્રાપ્ત વિગત મુજબ ચોટીલામાં રહેતા બે મિત્રે સુરેન્દ્રનગર સહિત રાજ્યના ૮ જિલ્લામાં બાઇકની ચોરી કરી હતી. ૩ આરોપી પાસેથી ચોરેલી રૂ.૭.૬૦ લાખની કિંમતની કુલ ૪૦ બાઇક મળી હતી. મુખ્ય સૂત્રધાર અને મૂળ ચોટીલાનો વતની સિરાજ અમેરિકામાં રહીને ડ્રાઇવિંગનું કામ કરી મહિને રૂ.૧.૫૦ લાખનો પગાર મેળવતો હતો. તેને પ્રેમ થતાં લગ્ન કરવા ચોટીલા આવ્યા બાદ ગુનાખોરીના રવાડે ચડી ગયો હતો. બાઇકની ચોરી કરીને વેચ્યા પછી બંને મિત્રો દારૂની મહેફિલ માણતા હતા અને પૈસા ખૂટે એટલે ફરીથી બાઇકની ચોરી કરતા હતા.

સુરેન્દ્રનગર ડીવાયએસપી હિમાંશુ દોશી સહિતની ટીમને મોટી સફળતા મળી હતી. જેમાં આરોપી તરીકે સીરાજ ઉર્ફે ચીંટૂ મનું કાપડિયા, રાજુ મોહન ગિલાણી અને રામસિંગ જકશી બોહકિયાને ઝડપી પાડી સાયલાના ધારાડુંગરી ખાતે રામસીંગની વાડીએ છુપાવેલા બાઇક સાથે ત્રણેયને પકડી લીધા હતા. આ સાથે આરોપીઓએ સુરેન્દ્રનગરમાંથી દોઢ વર્ષમાં ૫ બાઇકની સાથે વાપી, વલસાડ, રાજકોટ, સેલવાસ, ભરૂચ, અમદાવાદ, જામનગર સહિતના જિલ્લામાં બાઇકની ચોરી કરી હોવાની કબુલાત કરી હતી. આ કંપનીમાંથી છૂટેલા જૂના બાઇક છે. થોડા દિવસોમાં આરસી બુક આવશે તેવું કહી બાઇકને વહેંચતા હતા.

Screenshot 2 41

વાહનચોરી માટે બંને શખ્સો જાહેર રસ્તાઓ ઉપર પડેલી બાઇકમાંથી કયા બાઇકનું હેન્ડલ લોક કરેલું નથી એ જોતાં, પછી કઈ બાઇકને ઉઠાવવી છે એ નકકી કરીને પોતાની પાસે રહેલી માસ્ટર કીથી એને ચાલુ કરી લઇને રવાના થઇ જતા. ત્યાર બાદ બંને મિત્રો ચોરી કરવા કયા શહેરમાં ત્રાટકવાનું છે તેનો પ્લાન એક દિવસ અગાઉ બનાવી ચોટીલાથી બસમાં બેસતા અને સ્ટેશન કે હોસ્પિટલ નજીકના વિસ્તારમાં ચોરી કરતા હોવાનું પણ સામે આવ્યું છે. રસ્તામાં નંબર પ્લેટ કાઢીને સીધા ધારાડુંગરી પહોચી જતા અને રામસીંગને બાઇક વેચવા માટે આપી દેતા હતા.

બાઇકની ચોરી કરીને આવ્યા બાદ સિરાજ અને રાજુ બંને મિત્ર તે બાઇક વેચવા માટે ધારાડુંગરીના રામસીંગને આપતા હતા. જો નવું બાઇક હોય તો રૂ.૧૦ હજાર અને જૂનું બાઇક હોય તો રૂ.૮ હજાર લઇ બાઇક વેચી દેતા હતા. ધારાડુંગરીનો રામસિંગ પોતાનો રૂ.૩થી ૪ હજાર નફો ચડાવીને બાઇક વેચી દેતો હતો.

વહન ચોરીમાં ઝડપાયેલા સીરાજ ઉર્ફે ચીંટૂના કહેવા મુજબ પોતે બોલીવુડની એક જમાનાની જાણીતી અભિનેત્રી ડિમ્પલ કાપડિયાના સબંધીમાં થતા હોવાનું જણાવ્યું હતું. ડિમ્પલ કાપડીયાનું મૂળ વતન ચોટીલા છે. બાઇકચોરીમાં પકડાયેલો સિરાજ ઉર્ફે ચિન્ટુએ પોલીસની પૂછપરછમાં એવી વિગતો જણાવી હતી કે જાણીતી અભિનેત્રી ડિમ્પલ કાપડિયા એ મારા ફૂઇનાં દીકરી છે. જોકે પોલીસને આ કેસમાં ડિમ્પલની કોઇ વિગતોની જરૂર ન હોઈ, એ બાબતનો ઉલ્લેખ કર્યો ન હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.