ગોંડલ તાલુકા સેવા સદનમાં આધારકાર્ડ કામગીરી છેલ્લા ત્રણ માસથી બંધ

આધારકાર્ડ કઢાવવા માંગતા લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો હોય કોંગ્રેસે સરકારી તંત્રને આડે હાથે લઇ ઉચ્ચ કક્ષાએ રજુઆતો કરી

રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા ડિજિટલ ઇન્ડિયાના સ્વપ્ન લોકોને દેખાડવામાં આવી રહ્યા છે ત્યારે પ્રાથમિક જરૂરિયાત સમા આધાર કાર્ડ ની કામગીરી ગોંડલ તાલુકા સેવાસદનમાં છેલ્લા ત્રણ માસથી બંધ હોય લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો હોય  શહેર કોંગ્રેસ દ્વારા સરકારી તંત્રને આડે હાથ લઈ ઉચ્ચકક્ષાએ રજૂઆત કરવામાં આવી હતી.

પ્રાપ્ત વિગતો મુજબ શહેર કોંગ્રેસ પ્રમુખ આશિષભાઈ કુંજડીયા એ જણાવ્યું હતું કે શહેર ઉપરાંત તાલુકામાંથી મોટાભાગના લોકો આધાર કાર્ડ કઢાવવા માટે  તાલુકા સેવાસદનમાં આવતા હોય છે  પરંતુ છેલ્લા ત્રણ માસથી  તાલુકા સેવાસદનમાં આધાર કાર્ડ કાર્યવાહી બંધ કરી દેવામાં આવી હોય મામલતદાર નકુમને આ અંગે ટેલિફોનિક પૂછવામાં આવતા તેઓ દ્વારા પણ ત્રણ મહિનાથી કામગીરી બંધ હોવાનું જણાવાયું હતું .

કામગીરી બંધ થવાને કારણે લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો હોય  શહેર કોંગ્રેસ દ્વારા આ અંગે ઉચ્ચકક્ષાએ રજૂઆત કરવામાં આવી છે આગામી દિવસોમાં તાકીદે તાલુકા સેવાસદનમાં આધારકાર્ડ કાર્યવાહી શરૂ થાય તે અંગે ડેપ્યુટી કલેક્ટર , કલેક્ટર અને રાજ્ય સરકારને આવેદનપત્ર આપવામાં આવનાર છે,  કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા ડિજિટલ ઇન્ડિયા ની ગુલબાંગો મુકવામાં આવી રહી છે ત્યારે  શહેર તાલુકામાં ત્રણ ત્રણ મહિનાથી આધાર કાર્ડ પણ લોકોને મળી રહ્યા નથી ખૂબ દુ:ખ ની વાત કહેવાય તેવું કોંગ્રેસ દ્વારા જણાવાયુ હતું.

શહેર કોંગ્રેસ દ્વારા ટેલીફોનીક મામલતદારને આધારકાર્ડ સેવા બંધ થવા અંગે કોંગ્રેસ દ્વારા મામલતદાર નકુમ ને જ્યારે પુછવા મા આવ્યું  ત્યારે મામલતદાર  દ્વારા સ્વિકારાયુ હતું કે આધાર કાર્ડ સેવા બંધ છે તે સત્ય હકીકત છે જે કોન્ટ્રાક્ટર દ્વારા આધારકાર્ડ કાઢી આપવામાં આવતા હતા તેના દ્વારા અને કોઈ ભૂલ કરવામાં આવી રહી હતી જેના પરિણામે તેને બ્લોક કરી દેવાયા હતા પરંતુ ત્યારબાદ નવી કોઇ એજન્સીને કામ આપવામાં આવ્યું નથી તે સત્ય હકીકત છે આ અંગે સરકારી તંત્ર દ્વારા પણ ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી તાકીદે આધાર કાર્ડ સેવા શરૂ થાય તેવા પ્રયત્નો હાથ ધરાશે તેવું  જણાવ્યું હતું.