ગુજરાતમાં કોંગ્રેસના લોપની જગ્યાએ હવે AAP વિરુદ્ધ ભાજપનો જંગ?

ગુજરાતમાં મહાનગરપાલિકાની ચૂંટણીઓમાં સુરતની આપની એન્ટ્રી, પાટીદાર મતોનું ધ્રુવીકરણ, કોંગ્રેસનો રકાસ અને બદલાયેલી રાજકીય પરિસ્થિતિમાં આપની નજર હવે વિધાનસભાની રાજનીતિ પર, ભાજપના ખીલેલા કમળની પાંખડીઓને આપનું ગ્રહણ લાગશે ?

રાજકારણમાં કહેવાય છે કે, સમય, સ્થિતિ અને કાળ ક્યારેય યથાવત રહેતા નથી… પરિવર્તનશીલ રાજકારણમાં એકની નબળાઈનું બીજાથી પુરાંત થતું જ રહે છે. દેશના રાષ્ટ્રીય રાજકારણ પર અત્યારે કોંગ્રેસ પર સંપૂર્ણપણે ભાજપ હાવી થઈ ચૂક્યું છે. કોંગ્રેસે એક બાદ એક રાજ્યમાં સમેટાઈ રહ્યું છે અને તાજેતરમાં ગુજરાતમાં યોજાયેલી છ મહાપાલિકાની ચૂંટણીઓમાં કોંગ્રેસ સંપૂર્ણપણે હાસીયામાં નહીં પરંતુ સીંગલ ડિઝીટની કરુણ પરિસ્થિતિમાં મુકાઈ ગઈ છે ત્યારે સુરત કોર્પોરેશનની ચૂંટણીમાં પહેલીવાર આમ આદમી પાર્ટીએ બીજા નંબરની સૌથી વધુ બેઠકો મેળવનાર પાર્ટીનું સ્થાન લીધું છે. આમ આદમી પાર્ટીએ પાટીદાર મત પર સંપૂર્ણપણે પ્રભુત્વ મેળવી લીધુ છે. બીજા શબ્દમાં કહીએ તો આમ આદમી પાર્ટીમાં પાટીદાર અનામત આંદોલન સમીતી પાસનું સંપૂર્ણપણે મર્ઝર થઈ ગયું છે. ગુજરાતની બદલાઈ રહેલી આ પરિસ્થિતિ ક્યાંકને ક્યાંક દિગ્વિજય ભજાપ માટે ચિંતાનો વિષય બની શકે છે.

આવતીકાલે જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતની સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાની ચૂંટણીઓમાં ભાજપ માટે કોંગ્રેસ નહીં પરંતુ પાસ સમર્થીત આમ આદમી પાર્ટી કેટલીક બેઠકો પર પરિણામ ફેરવનારી બની રહેશે. પાસ અને પાટીદાર મતો હાર્દિક પટેલના કોંગ્રેસ ગમનથી કોંગ્રેસની વોટ બેંક બને તેવી શકયતાઓએ સુરતની ચૂંટણીના પરિણામોએ છેદ ઉડાવી દીધો છે. પાસના મંચ પરથી પાટીદાર નેતા બનેલા હાર્દિક પટેલનું રાજકીય અસ્તિત્વ કોંગ્રેસ ગમનના કારણે સમાપ્ત થઈ ગઈ હોય તેમ સુરતમાં પાટીદાર પ્રભાવી મત વિસ્તારોમાં કોંગ્રેસનો અભુતપૂર્વ સફાયો થઈ ગયો હતો અને એટલો જ ફાયદો આમ આદમી પાર્ટીને થવા પામ્યો છે. સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાની ચૂંટણીમાં ગ્રામ્ય વિસ્તાર અને સવિશેષ પાટીદાર મતદારો વાળા વિસ્તારમાં સુરતવાળી થાય તેવી શકયતાને પગલે ભાજપ પણ ચિંતામાં મુકાઈ ગઈ છે.

ગુજરાતના રાજકારણમાં આગામી દિવસોમાં ભાજપ-કોંગ્રેસ વચ્ચેના જંગમાં હવે કોંગ્રેસનો લોપ અને ભાજપ સાથે આમ આદમી પાર્ટીની સીધી ટક્કર થાય તેવું સમીકરણ રાજકીય તજજ્ઞોને દેખાઈ રહ્યું છે.

સુરતના ઝળહળતા પરિણામો બાદ ગઈકાલે આમ આદમી પાર્ટીના અરવિંદ કેજરીવાલે સુરતની મુલાકાત લીધી હતી અને વિમાન મથકે ભવ્ય સ્વાગત થયું હતું. સુરતમાં અરવિંદ કેજરીવાલે વિજેતા કોર્પોરેટરો સાથે બેઠક યોજી હતી અને કોર્પોરેશનની જીતને મદનું કારણ ન બનાવીને જિલ્લા પંચાયતની ચૂંટણીમાં આવતીકાલે સુરતના કોર્પોરેશનની જેમ જ આપની ઝોળી મતોથી ભરી લેવા રણનીતિ ઘડવામાં આવી હતી. સુરતમાં પાટીદાર પ્રભાવી વિસ્તારો અને શહેરમાં અરવિંદ કેજરીવાલનો ભારે મોટો રોડ-શો યોજાયો હતો. કોર્પોરેશનમાં ૨૭ બેઠકો જીતેલી આમ આદમી પાર્ટી હવે ૩૧ જિલ્લા પંચાયત અને ૨૩૧ તાલુકા પંચાયતમાં ભાજપને હંફાવવા આત્મવિશ્ર્વાસુ બની ગઈ છે. આપ માટે સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાની ચૂંટણીઓ આગામી વર્ષે યોજાનારી વિધાનસભાની ચૂંટણી માટેનો રોડમેપ જેવી બની ગઈ છે.

સુરતના પરિણામોએ ગુજરાતમાં દિગ્વિજય બની રહેલા ભાજપ માટે આંખ ઉઘાડનારા બની રહ્યાં છે. ભાજપની થીંક ટેન્ક માટે આપની એન્ટ્રી ચિંતાનું કારણ હોય તે સ્વાભાવીક છે.

ગુજરાતના રાજકારણમાં ૨૦૨૨ની વિધાનસભાની ચૂંટણીમાં હવે ભાજપ માટે કોંગ્રેસ નહીં પણ પાસના લોપથી મજબૂત બનેલી આમ આદમી પાર્ટીનો પડકાર ઉભો થયો છે. સુરતમાં આમ આદમી પાર્ટીની જીતને ગુજરાતના રાજકારણમાં ટર્નીંગ પોઈન્ટ માનવામાં આવી રહ્યું છે. સુરતમાં કેજરીવાલે જણાવ્યું હતું કે, ગુજરાતના મતદારો આપ પાસેથી મોટી અપેક્ષા રાખી રહ્યાં છે. આપ દિલ્હીમાં ૨૮ વિધાનસભાની બેઠકો જીતીને સત્તા પર આવી હતી. અમે અન્ના હજારેના આંદોલનના સમર્થક હતા. અમારા ૪૯ દિવસના પ્રથમ શાસનમાં અમે લોકોના ઘણા કામ કર્યા હતા અને પરિણામે દિલ્હીના લોકોએ અમને ૬૭ બેઠકો બીજા પ્રયત્નોમાં આપી હતી. હવે ગુજરાતના ૬ કરોડ લોકોને અમારા ચૂંટાયેલા ૨૭ આમ આદમી પાર્ટીના નગરસેવકોનું કામ જોવાનું. જો નગરસેવકો સા‚ કામ કરશે તો મને વિશ્ર્વાસ છે કે, ૨૦૨૨માં ગુજરાતમાં જબરી ક્રાંતિ આવશે.

કેજરીવાલે ચૂંટાયેલા નગરસેવકોને સત્તાના મદમાં આવ્યા વગર પ્રજાનું કામ કરવાની શિખામણની સાથે સાથે એવી પણ તાકીદ કરી હતી કે, જો ભાજપમાંથી કોઈપણ ફોન પર તેમનો સંપર્ક કરી લોભ લાલચ આપે તો ફોનને સ્વીચ ઓફ કરી દેવો.

ગુજરાતનું રાજકારણ કરવટ બદલી રહ્યું છે. તેમણે જણાવ્યું હતું કે, ભાજપના લોકો તમને મળવા આવશે જ તેવી મને ખાતરી છે પરંતુ યાદ રાખજો કે આપણી સાચી સંપતિ પ્રજાનો વિશ્ર્વાસ છે જે કોઈપણ સંજોગોમાં તૂટવો ન જોઈએ. ૬ કરોડની પ્રજાનો વિશ્ર્વાસ સાચવવાનો છે. જો એક પણ વ્યક્તિ ભુલ ખાઈ જશે તો ભાજપ અને અન્ય લોકોને કહેવાનો મોકો મળી જશે કે, આપ પણ બીજા રાજકારણીથી અલગ નથી. આમ આદમી પાર્ટીના રાજકીય ઉદયથી હવે ગુજરાતમાં ભાજપ વિરુધ્ધ કોંગ્રેસ નહીં પણ ભાજપ વિરુદ્ધ આપનું રાજકારણ ઉભુ થશે અને આગામી વિધાનસભાની ચૂંટણીઓમાં ભાજપ અને આપની ટક્કર થશે તે દિવસો દૂર નથી.

આપની એન્ટ્રીએ ગુજરાતના રાજકારણના સમીકરણો બદલાવ્યા

જિલ્લા-તાલુકામાં આમ આદમી પાર્ટી ભાજપ માટે દુ:ખાવો સાબીત થાય તેવું દેખાઈ રહ્યું છે. પ્રજા વિકલ્પ શોધે છે પણ મળતો નથી. શહેરી અને ગ્રામ્ય વિસ્તારોના લોકોનો જોક અપેક્ષા અને વલણના પડઘા જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતની ચૂંટણીમાં પડે તેવું દેખાઈ રહ્યું છે. પાટીદાર અનામત આંદોલન સમીતી પાસના હાર્દિક પટેલનું કોંગ્રેસ ગમન પાટીદાર મતદારોને કોંગ્રેસમાં લઈ જવામાં સફળ રહ્યું નથી. પાસ સંપૂર્ણપણે આપમાં લોપ થઈ ગયું હોય તેમ સુરતમાં પાટીદાર મતદારોએ આપને ઘણો સારો ફાયદો કરાવ્યો છે. આ જ પરિસ્થિતિ જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતમાં પણ પુનરાવર્તન થાય તેનાથી પણ આગળ આગામી દિવસોમાં વિધાનસભાની આગામી ચૂંટણીઓમાં ભાજપને કોંગ્રેસ સામે નહીં પણ આપ સામે જંગ ખેલવો પડશે.

ગુજરાતમાં આપ મતદારો માટે વિકલ્પ, કમળની પાંખડીઓ મુરજાશે કે તરોતાજા રહેશે

ગુજરાતના રાજકારણમાં કોંગ્રેસ સાવ હાસીયામાં મુકાઈ જવા પામી છે. આંતરીક સંકલનના અભાવથી તાજેતરમાં જ યોજાયેલી કોર્પોરેશનની ચૂંટણીઓમાં કોંગ્રેસ સાવ સમેટાઈ ગયું છે. તેવી પરિસ્થિતિમાં મતદારો માટે આપ વિકલ્પ બની ચૂક્યો છે. કોંગ્રેસને ઉભુ થતાં વાર લાગશે. વિધાનસભાની ચૂંટણીઓમાં પણ ભાજપને આપ સામે ટક્કર લેવી પડશે. કોંગ્રેસનું કાંઈ અસ્તિત્વ રહ્યું નથી. પાસનું નેટવર્ક સંપૂર્ણપણે આપમાં કનવર્ટ થઈ ગયું છે. ત્યારે જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતની ચૂંટણીમાં અને હવે બાદની ચૂંટણીમાં કમળની પાંખડીઓ તરોતાજા રાખવા ભાજપને કોંગ્રેસ નહીં પણ આપ સામે રણનીતિ ઘડવી પડશે. આગામી વિધાનસભાની ચૂંટણી પણ ભાજપ અને આપ વચ્ચે થાય તેવી શકયતાઓ ઉભી થઈ છે.