“બાપુ”ના કીર્તિમંદિરમાં આમિરખાન: ગુજરાત આવ્યો અને આવો મોકો ગુમાવવા ઈચ્છતો ન હતો !!

ડેપ્યુટી કલેક્ટર કે.વી. બાટીએ કિર્તી મંદિરના એક એક સ્થળની વિશેષ સમજુતિ આપી

બોલીવુડ અભિનેતા આમિરખાન તેમની એનીવર્સરી ઉજવવા તાજેતરમાં સાસણ ગયા હતા ત્યાંથી પરત ફરતી વખતે અભિનેતાએ સહ પરિવાર સાથે પોરબંદરનાં કિર્તીમંદિરની ખાસ મુલાકાત લીધી હતી. જેમાં ૩૦ મિનિટ સુધી કિર્તિમંદિરે રોકાણ કર્યું હતુ. કિર્તીમંદિરે પૂ. બાપુના દર્શન કરી કિર્તીમંદિરનું પૂરૂ નિરીક્ષણ કર્યું હતુ અને દર્શન કરી ધન્યતા અનુભવી હતી. આમિરખાન, તેની પત્ની સહિનો પરિવાર તથા ૫૦થી વધુ લોકોનો કાફલો પણ તેમની સાથે રહ્યો હતો.

જેમાં પોરબંદરના ડેપ્યુટી કલેક્ટર કે.વી. બાટીએ આમિર ખાન અને તેના પરિવાર સહિતના કાફલાને કીર્તિ મંદિરના એક એક સ્થળની વિશેષ સમજુતી આપી હતી.

કિર્તીમંદિરના દર્શન કરવાનો મને ખુબ સારો મોકો મળ્યો ‘અબતક’ સાથે આમિરખાનની ખાસ મુલાકાત

કિર્તિમંદિરનાં દર્શને આવેલા બોલિવુડ સ્ટાર આમિરખાને ‘અબતક’ સાથે કરેલી ખાસ વાતચીતમાં જણાવ્યું હતુ કે અહી આવીને ખૂબ મજા આવી છે. સાસણ સુધી આવ્યો હોવાથી અહી કિર્તીમંદિરનાં દર્શન કરવાનો મોકો હું કઈ રીતે જવા દઉ? મેં કિર્તિ મંદિરે ગાંધીબાપુની સ્મૃતિ નિહાળી મારી સફર યાદગાર બનાવી છે. હું અહીં જોવા માંગતો હતો કે પૂ. બાપુ કેવી રીતે રહેતા, અહીં શું કરતા તે બધુ નિહાળી ગદગદિત થયો છું. ગાંધીબાપુની સ્મૃતિ નિહાળતી વેળાએ હું તે સમયમાં ખોવાઈ ગયો હતો. અહીં તંત્ર પણ ગાંધીજીની તમામ સ્મૃતિઓની ખૂબ સરસ રીતે જાળવણી કરી રહ્યું છે. આ યાદગાર મુલાકાત બદલ આમિરખાને સૌનો આભાર માન્યો હતો.