- રાજકોટની ભાગોળે વધુ એક હત્યા
- વડાળી ગામે સ્ટેટસ મુકવા બાબતે કૌટુંબિક ભાઈઓ બાખડ્યા બાદ લોહીયાળ ખેલ: સગીર આરોપીની સકંજામાં
રાજકોટ શહેરની ભાગોળે વધુ એક હત્યાનો બનાવ સામે આવ્યો છે. ત્રંબા પાસે આવેલ વડાળી ગામ ખાતે કૌટુંબિક ભાઈએ જ યુવકની છરીનાં ઘા ઝીંકી હત્યા કરાઈ હોવાનું સામે આવ્યું છે. હાલ મૃતકની લાશને પોસ્ટમોર્ટમ માટે ખસેડી પોલીસ દ્વારા આરોપીને ઝડપી પાડવા તપાસ શરૂ કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, સૂત્રોમાંથી પ્રાપ્ત વિગત અનુસાર ફક્ત સોશિયલ મીડિયામાં સ્ટેટસ મુકવા બાબતે થયેલી રકઝકમાં હત્યા નીપજાવવામાં આવી હતી.
પ્રાપ્ત વિગત મુજબ રાજકોટના આજીડેમ પોલીસના વિસ્તારમાં આવેલ વડાળી ગામે એક યુવકની હત્યા કરવામાં આવી છે. ગત રાત્રે 8:30 આસપાસ 32 વર્ષીય ભરત નાગજીભાઈ મૂછડીયા નામનો યુવક પોતાના ઘર પાસે હતો. ત્યારે કોઈ કારણોસર કૌટુંબિક ભાઈ સાથે ઝઘડો થયો હતો. જેમાં ઉશ્કેરાયેલા સગીરે છરીનાં બે ઘા ઝીંકી દેતા ભરત લોહીલુહાણ થઈને ત્યાં ઢળી પડ્યો હતો. આ બનાવને પગલે ભરતનાં પરિવાર સહિત આસપાસનાં લોકો પણ એકઠા થઇ ગયા હતા. તેમજ ભરતને 108 દ્વારા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યાં તેનું મોત થતા બનાવ હત્યામાં પલટાયો છે.
ભરતનું મોત નિપજતા તેની લાશને પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવી હતી. જ્યાં આજીડેમ પોલીસ મથકનાં પી.આઈ, ડી સ્ટાફ એલસીબી ઝોન વન સહિતની ટીમો તેમજ એસીપી જાધવ સહિતનો પોલીસ કાફલો પણ દોડી ગયો હતો.
દરમિયાન ક્રાઇમ બ્રાન્ચ પીઆઈ એમ આર ગોંડલીયા, પીઆઈ એમ એલ ડામોરની ટીમોએ મોડી રાત્રે જ સગીર આરોપીને સકંજામાં લઇ પૂછપરછ શરૂ કરી હતી. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર સગીરે એવી કેફીયત આપી હતી કે, તેણે સોશિયલ મીડિયામાં સ્ટેટસ મૂક્યું હતું કે, ’અબ સમય આ ગયા હૈં, બાદશાહ કે સાથે બેગમ ભી નાચેગી’ જે સ્ટેટસ તે મારા વિશે જ મૂક્યું છે તેમ કહી મૃતકે ઝગડો કરતા સગીરે છરી ઝીંકી દીધી હતી.