Abtak Media Google News

રાજકોટની એ.વી.પી.ટી. ખાતે સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ ઇનોવેશન પોલીસી અંતર્ગત કાર્યરત ડિઝાઇન રીજીયોનલ સેન્ટરના યુવાઓની અનેરી સિધ્ધી

 

અબતક, રાજકોટ

ગુજરાતે હર હંમેશ દેશ અને દુનિયાને કઈંક નવું આપ્યું છે, પછી તે ઔદ્યોગિક ક્ષેત્ર હોય, સાંસ્કૃતિક ક્ષેત્ર હોય, માનવજાતના વિકાસ માટે હોય કે પછી વિજ્ઞાન અને ટેકનોલોજીનું ક્ષેત્ર હોય. આ ભૂમિમાં જન્મેલા લોકોએ વિવિધ ક્ષેત્રે નોંધપાત્ર પ્રદાન કરીને ગુજરાતનું ગૌરવ વધાર્યું છે, એટલું જ નહી પરંતુ માવજાતને કઈંક નવી ભેંટ પણ આપી છે. ગુજરાતને ગૌરવ અપાવે તેવા આવા જ અદકા કાર્યનું કેન્દ્રબિંદુ બન્યું છે, સૌરાષ્ટ્રના પાટનગર તરીકે ઓળખાતું રાજકોટ.

ગુજરાત સરકાર દ્વારા યુવાઓમાં રહેલા કૌશલ્યને બહાર લાવી તેને સ્વરોજગાર તરફ વાળવાના પ્રયાસોના પરિપાક સ્વરૂપે રાજકોટ ખાતે છેલ્લા ઘણા વર્ષોથી સરકાર માન્ય એ.વી.પી.ટી. ઈન્સ્ટીટ્યૂટ કાર્યરત છે. અભ્યાસ કરતાં યુવા મિત્રો કાર્તિક સુરૂ અને જીગર પંચાલે સાયન્સ ફિક્શન મુવીમાં વારંવાર પ્રદર્શિત થતું ડિવાઇસ જેને ટ્રાન્સપરન્ટ ડિસ્પ્લે સ્માર્ટફોન અથવા ટ્રાન્સપરન્ટ ડિસ્પ્લે ડિવાઇસ કહેવામાં આવે છે. તેનાથી પ્રભાવિત થઈને તેમના કૌશલ્ય થકી ટ્રાન્સપરન્ટ ડિસ્પ્લે સ્માર્ટફોનની ડીઝાઈન બનાવી, તેની પેટન્ટ મેળવીને માત્ર રાજકોટવાસીઓનું જ નહી પરંતુ સમગ્ર ગુજરાતીઓનું મસ્તક ગૌરવથી ઉંચુ કર્યું છે. તેમનો આ ટ્રાન્સપરન્ટ ડિસ્પ્લે સ્માર્ટફોનની ડીઝાઈનનો વિચાર આગામી દિવસોમાં અમલમાં મૂકાશે ત્યારે માત્ર રાજકોટ કે ગુજરાત જ નહી પરંતુ સમગ્ર દેશવાસીઓનું ટ્રાન્સપરન્ટ ડિસ્પ્લેવાળા સ્માર્ટફોનનું સ્વપ્ન સાકાર થશે.

તેમની આ સિધ્ધિની વાત કરતાં કાર્તિક સુરુ કહે છે કે, ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટીના રાજકોટ ખાતે આવેલ જી.ટી.યુ. ઇનોવેશન અને સ્ટાર્ટઅપ સેન્ટર દ્વારા સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ એન્ડ ઈનોવેશન પોલીસી અંતર્ગત અમારા આ આઈડિયાને પેટન્ટ માટે એપ્લાય કરવા સ્ક્રીનિંગમાં મંજૂરી મળતાં અમને રૂપિયા 25,00ની સહાય આપવામાં આવી. આ સહાયની મદદથી અમે બંનેએ અમારાઆ સ્ટાર્ટઅપની  ભારતમાં પેટન્ટ માટે “એલિમેન્ટલ ગ્રીન ટેક” દ્વારા એપ્લિકેશન કરતાં અમારી આ પેટન્ટને ભારત સરકારની પેટન્ટ ઓફિસ દ્વારા પ્રકાશિત થતી પેટન્ટ જર્નલમાં તા. 06/08/2021ના રોજ પ્રકાશિત કરવામાં આવી છે, જેનો અમને ખૂબ આનંદ છે.

અમે આ પ્રકારના ડિવાઇસની ઇન્ડસ્ટ્રીઅલ ડિઝાઇન રજીસ્ટ્રેશન માટે એપ્લીકશન પણ કરી છે. તેમ જણાવતાં કાર્તિક સુરુ કહે છે કે, અમારા એલિમેન્ટલ ગ્રીન ટેકને પેટન્ટ ફાઇલિંગ માટે એ.વી.પી.ટી.આઈ.ના પ્રિન્સિપાલ ડો. એ. એસ. પંડ્યા અને કો-ઓર્ડીનેટર આર.ડી.રઘાણીનું ટેકનિકલ ગાઈડન્સ અને મેન્ટરીંગ સપોર્ટ પણ સારો મળ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.