‘અબતક 56’:સેન્સેકસે નવું શિખર હાંસલ કર્યું

સેન્સેક્સની જેટ ગતિએ માત્ર ચાર જ દિવસમાં 55000થી 56000 વચ્ચેનું અંતર કાપ્યુ: દિવાળી સુધીમાં ઈન્ડેક્ષ 60,000ની પાર થાય તેવું સાનુકુળ વાતાવરણ: નિફટીએ પણ 16701નો નવો લાઈફ ટાઈમ હાઈ બનાવ્યો: ડોલર સામે રૂપિયો પણ મજબૂત

કોરોનાના કપરાકાળ બાદ હવે ભારતીય અર્થ વ્યવસ્થાની ગાડી પુરપાટ ઝડપે ટ્રેક પર દોડવા લાગી છે. જેના કારણે શેરબજારમાં તેજીનો તોખાર જોવા મળી રહ્યો છે. સેન્સેકસે જેટ ગતિએ માત્ર ચાર જ દિવસમાં 55000 થી 56000 વચ્ચેનું અંતર કાપી નાખ્યું છે. આજે ઉઘડતી બજારે મુંબઈ શેરબજારનો આગેવાન ઈન્ડેક્ષ સેન્સેકસ 56000ની પાર થતાં રોકાણકારો માટે જાણે ત્રણ મહિના વહેલી દિવાળી આવી ગઈ હોય તેવો માહોલ જોવા મળ્યો હતો. આગામી દિવાની તહેવાર પૂર્વે સેન્સેકસ 60000ની સપાટી કુદાવે તેવું નિર્માણ થઈ રહ્યું છે. નિફટીએ પણ આજે 16701નો નવો લાઈફ ટાઈમ હાય બનાવ્યો હતો. અમેરિકી ડોલર સામે ભારતીય રૂપિયો આજે મજબૂત બન્યો હતો. બુલીયન બજાર પણ ગ્રીન ઝોનમાં કામ કરતું નજરે પડ્યું હતું.

ગત સપ્તાહે 13મી ઓગષ્ટના રોજ સેન્સેકસે 55000ની સપાટી ઓળંગી હતી. શનિવાર અને રવિવારની રજા બાદ કરતા માત્ર ચાર જ ટ્રેડીંગ સેશનમાં સેન્સેક્સ પુરપાટ દોડ્યો હતો અને 55000 થી લઈ 56000 વચ્ચેનું અંતર માત્ર ચાર દિવસમાં કાપી લીધુ હતું.

જે રીતે સેન્સેકસે તેજીનો ટ્રેક પકડ્યો છે તે જોતા એવું સ્પષ્ટ લાગી રહ્યું છે કે, દિવાળીના તહેવાર પૂર્વે સેન્સેકસ 60000ની સપાટી ઓળંગી લેશે. આજે ઉઘડતી બજારે સેન્સેકસે 56000ની સપાટી કુદાવતા રોકાણકારોમાં હરખની હેલી જોવા મળી હતી.આજે સેન્સેકસે 56099.61ની નવી લાઈફ ટાઈમ હાઈ સપાટી હાસલ કરી હતી. સેન્સેકસની સાથે નિફટીએ પણ તેજી તરફ જાણે દોટ લગાવી હોય તેવું જોવા મળ્યું હતું. નિફટીએ પણ આજે 16701.35ની નવી સર્વોચ્ચ સપાટી બનાવી હતી. આજની તેજીથી રોકાણકારોમાં એક નવા જ વિશ્ર્વાસનું સંચાર થવા પામ્યું છે.

આજે આઈસર મોટર, બજાજ ફાય. એચડીએફસી બેંક સહિતની કંપનીના શેરના ભાવમાં 3 ટકા જેટલો ઉછાળો જોવા મળ્યો હતો. જ્યારે હિન્દાલકો, કોટક મહિન્દ્રા, આઈસીઆઈસીઆઈ બેંક, ટાઈટન જેવી કંપનીના શેરો મહા તેજીમાં પણ તૂટ્યા હતા. બુલીયન બજારમાં પણ આજે તેજી રહેવા પામી હતી. સોના અને ચાંદીના ભાવમાં સામાન્ય ઉછાળો જોવા મળ્યો હતો.

કોરોનાની બીજી લહેર પૂર્ણતાના આરે છે. સંભવિત ત્રીજી લહેર સામે લડવા માટે સરકાર સજ્જ બની જવા પામી છે. અર્થ વ્યવસ્થાની ગાડી ધીમે ધીમે પાટે ચડી રહી છે. આ ઉપરાંત વૈશ્ર્વિક બજારોમાં પણ તેજીનો તોખાર જોવા મળી રહ્યો છે. જેના કારણે ભારતીય શેરબજારમાં વણથંભી તેજી સતત આગળ ધપી રહી છે. જે રીતે સેન્સેકસે માત્ર ચાર જ ટ્રેડીંગ સેશનમાં 55000થી 56000 વચ્ચેનું અંતર કાપી લીધુ તે જોતા એવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે, આગામી દિવાળી સુધીમાં સેન્સેકસ 60000ની સપાટી ઓળંગી લેશે.

આ લખાય છે ત્યારે સેન્સેકસ 296 પોઈન્ટના ઉછાળા સાથે 56088 અને નિફટી 82 પોઈન્ટના ઉછાળા સાથે 16696 પોઈન્ટ પર કામકાજ કરી રહ્યાં છે. બેન્ક નિફટી અને નિફટી મિડકેપ ઈન્ડેક્ષ પણ ગ્રીન ઝોનમાં ટ્રેડ કરી રહ્યો છે જ્યારે અમેરિકી ડોલર સામે ભારતીય રૂપિયો 6 પૈસાની મજબૂતાઈ સાથે 74.29 પર ટ્રેડ કરી રહ્યો છે. જે રીતે બજારમાં તેજી ચાલી રહી છે તેનાથી રોકાણકારોમાં નવા વિશ્ર્વાસનો સંચાર થવા પામ્યો છે.

અમેરિકી શેરબજારમાં પણ છેલ્લા ઘણા સમયથી અવિરત તેજી ચાલી રહી છે. ભારતમાં અર્થતંત્રમાં જબરજસ્ત સુધારો આવી રહ્યો છે.

કોરોના કાળમાં પણ દેશે વિકાસ ચાલુ રાખ્યો હતો. તમામ સાનુકુળતાને કારણે બજારમાં તેજીનો જે દૌર શરૂ થયો છે તે યથાવત રહે તેવું જાણકારો માની રહ્યાં છે. જે રીતે માત્ર ચાર જ દિવસમાં સેન્સેકસમાં 1000થી વધુ પોઈન્ટનો ઉછાળો આવ્યો તે જોતા એવું લાગી રહ્યું છે કે, આગામી દિવસોમાં રોજ બજાર નવા શીખરો હાસલ કરતું રહેશે. આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રુડ બેરલના ભાવમાં પણ સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. જેના કારણે પણ બજારમાં તેજીને પુરતું બળ મળી રહ્યું છે. દિવાળી પહેલા પણ સેન્સેકસ 60000ની સપાટી કુદાવી લે તો પણ નવાઈ ન કહી શકાય.