Abtak Media Google News

 139નો ટાર્ગેટ આપી ‘સાંજ સમાચાર’નું 127માં ફીંડલું વાળતું ‘અબતક’

30 રન ફટકારી 3 વિકેટ ઝડપી મોનીલ અંબાસણા ‘મેન ઓફ ધ મેચ’

 

બેટીંગ-બોલીંગમાં સાતત્યપૂર્ણ દેખાવ કરી ત્રણેય લીગ મેચ જીતી લેતી ટીમ ‘અબતક’

આગામી રવિવારે કાઠિયાવાડ પોસ્ટ સામે સેમી ફાઈનલમાં ટકરાશે ટીમ ‘અબતક’

રાજકોટ મીડિયા કલબ આયોજીત ઈન્ટરપ્રેશ ક્રિકેટ ટૂર્નામેન્ટમાં ‘અબતક’ ઈલેવનનો સાંજ સમાચાર સામે 11 રને વિજય થયો હતો. આ સાથે જ સીલ્વર ગ્રુપમાં સતત ત્રણ મેચ જીતી ‘અબતક’ની ટીમે ડાયમંડ જેવો જાજરમાન દેખાવ કરી સેમી ફાઈનલમાં વટભેર પ્રવેશ કર્યો છે. બેટીંગ-બોલીંગમાં સાતત્યપૂર્ણ દેખાવ કરી ‘અબતક’ની ટીમે ત્રણેય લીગ મેચ જીતી લીધા છે. પ્રથમ મેચ ગુજરાત મિરર, ત્યારબાદ આજકાલ અને રવિવારે સાંજ સમાચારને 20 ઓવરની અંદર જ ઓલઆઉટ કરી બોલર્સોએ જાજરમાન દેખાવ કર્યો હતો અને ‘અબતક’ને સેમી ફાઈનલમાં પ્રવેશ કરાવ્યો છે. ગઈકાલે રમાનાર સાંજ સમાચાર સામે ‘અબતક’ની ટીમના ઓલ રાઉન્ડર મોનીલ અંબાસણાએ 23 બોલમાં 30 રન ફટકારી 3 વિકેટ ઝડપી મેન ઓફ ધ મેચ બન્યા હતા. ત્રણેય મેચ જીતી આગામી 11 એપ્રીલને રવિવારના રોજ સેમી ફાઈનલ મેચમાં ‘અબતક’ કાઠિયાવાડ પોસ્ટ સામે ટકરાશે.

Dsc 4379 Scaled

ઉલ્લેખનીય છે કે, ‘અબતક’એ ટોસ જીતી પ્રથમ બેટીંગ કરવાનો નિર્ણય લીધો હતો. ત્યારે ‘અબતક’ની ટીમની શરૂઆત નબળી રહી હતી. 4 ઓવરમાં જ ‘અબતક’એ બે વિકેટ ગુમાવી દીધી હતી. જો કે ત્યારબાદ ધીમી પરંતુ મક્કમ રમત રમતા ‘અબતક’એ વિકેટ જાળવી 10 ઓવરના અંતે 5 વિકેટ ગુમાવી 71 રન બનાવ્યા હતા.  બાદમાં ‘અબતક’ના કપ્તાન ઉર્વીલ વૈદ્યએ ઉનીંગ સંભાળતા 33 દડામાં 29 રન ફટકાર્યા હતા અને 20 ઓવરના અંતે ‘અબતક’એ 9 વિકેટ ગુમાવી 138 રન બનાવ્યા હતા. બાદમાં બેટીંગ કરવા આવેલ સાંજ સમાચારની ટીમની શરૂઆત ખુબજ નબળી રહી હતી. પ્રથમ ઓવરમાં જ સાંજ સમાચારે તેની પ્રથમ વિકેટ ગુમાવી હતી. ત્યારબાદ ‘અબતક’ના બોલરોએ શ્રેષ્ઠ પરર્ફોમન્સ આપતા 5 ઓવરના અંતે સાંજ સમાચાર માત્ર 36 રન બનાવી શક્યું હતું અને 5 વિકેટ ગુમાવી હતી. જો કે, સમગ્ર મેચમાં ઉતાર-ચઢાવ આવ્યા હતા. સાંજ સમાચારે 14 ઓવરમાં 103 રન ફટકાર્યા હતા અને 7 વિકેટ ગુમાવી હતી. જો કે બાદમાં સાંજ સમાચાર 19 ઓવરના અંતે 127 રન બનાવી ઓલઆઉટ થઈ ગયું હતું.

‘અબતક’ ઈલેવન તરફથી રોહિત ડાંગરે 17, મોનીલ અંબાસણા 30, વિજય સાગઠીયા 14, ઉર્વીલ વૈદ્ય 29 અને જુનેદ જફાઈ 10 રન ફટકાર્યા હતા, બાદમાં બોલીંગમાં ‘અબતક’એ શ્રેષ્ઠ દેખાવ કરતા મોનીલ અંબાસણા 4 ઓવરમાં 25 રન આપી 3 વિકેટ ઝડપી હતી ઉપરાંત ઉર્વીલ વૈદ્ય-વિજય સાગઠીયાએ 2-2 અને સંજય વાઘેલા અને રૂષી દવેએ 1-1 વિકેટ ઝડપી હતી. આગામી રવિવારે સાંજે 5 વાગ્યે કાઠિયાવાડ પોસ્ટ સામે સેમી ફાઈનલમાં ‘અબતક’ની ટીમ ટકરાશે. ટીમ ‘અબતક’ના વિજય બદલ મેનેજીંગ તંત્રી સતિષકુમાર મહેતાએ ટીમને ખુબ અભિનંદન પાઠવ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.