- ગુજરાત એટીએસ અને હરિયાણા એસટીએફનું સંયુક્ત ઓપરેશન
- યુપીના ફૈઝાબાદનો શખ્સ દેશ વિરોધી કૃત્ય આચરે તે પૂર્વે જ પાલી વિસ્તારને પોલીસ છાવણીમાં ફેરવી ઉઠાવી લેવાયો
ગુજરાત એટીએસ અને હરિયાણા એસટીએફએ હરિયાણામાં સંયુક્ત ઓપરેશન હાથ ધરી શંકાસ્પદ આતંકી અબ્દુલ રહેમાન અબુબકરની ધરપકડ કરવામાં આવી છે. જયારે યુપીના ફૈઝાબાદના રહેવાસી આતંકી પાસેથી બે હેન્ડ ગ્રેનેડ પણ કબ્જે કરવામાં આવ્યા છે. ગુજરાત એટીએસને મળેલા ઇનપૂટના આધારે હરિયાણા એસટીએફને સાથે રાખી ફરીદાબાદથી કથિત આતંકીની ધરપકડ કરી હતી.
સમગ્ર મામલામાં સૂત્રોમાંથી પ્રાપ્ત વિગત અનુસાર ગુજરાત એટીએસને મળેલી બાતમીના આધારે આ કાર્યવાહી કરવામાં આવી હતી. એટીએસને માહિતી મળી હતી કે, હરિયાણાના ફરીદાબાદમાં એક શંકાસ્પદ શખ્સ દેશ વિરોધી કૃત્ય કરવાની ફિરાકમાં હોય અને આતંકી સંગઠન સાથે સોશિયલ મીડિયા મારફત સંકળાયેલો છે. જે હકીકતના આધારે ગુજરાત એટીએસની ટીમે હરિયાણા એસટીએફ(સ્પેશિયલ ટાસ્ક ફોર્સ)ને સાથે રાખી આ ઓપરેશન પાર પાડ્યું હતું.
ગુજરાત એટીએસ ટીમ હરિયાણાના ફરીદાબાદના પાલી વિસ્તારમાં પહોંચી હતી. જ્યાં એટીએસ ટીમે આતંકી સંગઠન સાથે સંકળાયેલા યુવકની માહિતી પર પહોંચી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર, રવિવારે સાંજે ગુજરાત એટીએસ અને ફરીદાબાદ પોલીસના વાહનો પાલી વિસ્તારમાં પહોંચ્યા હતા. આ સમય દરમિયાન, મોટી સંખ્યામાં પોલીસ દળ તૈનાત રહ્યા.
ગુજરાત એટીએસ ટીમને મળેલા ઇનપુટના આધારે કરવામાં આવેલી કાર્યવાહીની જો વાત કરવામાં આવે તો હરિયાણાના પાલી વિસ્તારમાં રહેતા શંકાસ્પદ આતંકી અબ્દુલ રહેમાન અબુબકર(ઉ.વ.19)ની ધરપકડ કરવામાં આવી હતી. આ શખ્સ મૂળ ઉત્તર પ્રદેશના ફૈઝાબાદના મિલ્કીપુર ગામનો રહેવાસી હોવાનું કહેવાય છે. એવી શંકા છે કે અબ્દુલ રહેમાન કોઈ આતંકવાદી સંગઠન સાથે સંકળાયેલો છે.
આતંકવાદી સંગઠન અંગે આકરી પૂછપરછ
ગુજરાત એટીએસ ટીમે ફરીદાબાદના પાલી વિસ્તારમાં લગભગ 3 થી 4 કલાક સુધી તપાસ ચાલુ રાખી હતી. વિસ્તારની શોધખોળ દરમિયાન ટીમને સ્થળ પરથી બે હેન્ડ ગ્રેનેડ મળી આવ્યા હતા. બાદમાં આતંકી કયા સંગઠન સાથે સંકળાયેલો હતો સહીતની બાબતોમાં આકરી પૂછપરછ શરૂ કરવામાં આવી હતી.
ઉર્દુ લખાણવાળી ચીજ વસ્તુઓ, સોશિયલ મીડિયા એકાઉન્ટ સહિતની તપાસ
ગુજરાત એટીએસ અને હરિયાણા એસટીએફની ટીમે શંકાસ્પદ આતંકી અબ્દુલ રહેમાન અબુ બકર પાસેથી ઉર્દુ લખાણવાળી અનેક ચીજ વસ્તુઓ મળી આવી છે જેની તપાસ શરૂ કરવામાં આવી છે. ઉપરાંત હવે અબ્દુલ રહેમાન ક્યા આતંકી સંગઠન સાથે સંકળાયેલો છે, કેવી રીતે સંદેશાવ્યવહાર કરવામાં આવતો હતો? આ તમામ બાબતો અંગે આકરી પૂછપરછ શરૂ કરવામાં આવી છે.